બારડોલીની ખીચડીની રેસિપી

Recipe

સુરતી મિત્રોને સાપુતારા બહુ જ પ્રિય, સાપુતારા ફરવા માટે બેસ્ટ, પણ ત્યાં જમવામાં સુરતીલાલાઓ ‘ઠર્યા ન હોય’ ને વળતાં અહીં બારડોલીમાં ઘરનાં ભોજન જેવી ખીચડી મળી જાય, એટલે ભૂખ અને આત્મા બન્ને તૃપ્ત થઈ જાય, આમ વિખ્યાત થઈ ‘બારડોલી ની ખીચડી’! રેસિપી.

સામગ્રી:-

૨ કપ ચોખા

દોઢ કપ તુવેર દાળ

૨૫૦ ગ્રામ લીલાં વટાણા

૩-૪ મીડીયમ સાઈઝ બટેટા, ક્યુબમાં સમારેલાં,

૧ મીડીયમ સાઈઝ કાચી કેરી, ખમણેલી,

૨ મોટી ડુંગળી, ઊભી સમારેલી,

૧ મરચું, ઊભી ચીરીઓમાં સમારેલું,

૩ ચમચા આદુ-મરચાની પેસ્ટ,

૧ ચમચી જીરૂ,

૧ નાની ચમચી રાઈ,

૧ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર,

૧/૨ ચમચી હળદર પાવડર,

૧/૨ નાની ચમચી હિંગ,

૨ ચમચા ઘી,

સ્વાદાનુસાર નમક,

ગાર્નિશીંગ માટે કોથમરીના પાન.

રીત:-

દાળ અને ચોખાને પાણીમાં અલગ અલગ અડધી કલાક માટે પલાળી રાખો, એક હેવી બોટમ પેન અથવા જાડા તળિયા વાળી દેગમાં એક ચમચો ઘી ગરમ કરો, ઘી ગરમ થાય ત્યારે તેમાં જીરૂ ઊમેરો અને જીરૂ તતડે ત્યાં સુધી સાંતળી લો, હવે તેમાં સમારેલી ડુંગળી ઊમેરી, ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો, ત્યાર બાદ તેમાં પાણીમાં ધોળેલી હિંગ, સમારેલાં મરચાં અને આદુ-મરચાંની પેસ્ટ ઊમેરી પાંચેક મિનીટ સુધી સાંતળી લ્યો.

હળદર અને લાલ મરચું પાવડર ઊમેરી, માસલામાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળો, આ તકે સમારેલાં બટેટા, વટાણા અને દાળ-ચોખા ઊમેરી દેવાં. થોડી વાર સાંતળી દાળ-ચોખાથી ત્રણ ગણું પાણી, કાચી કેરીનું છીણ અને સ્વાદાનુસાર નમક ઊમેરી ત્રણ ગણું પાણી ઊમેરી મધ્યમ તાપે વીસેક મિનીટ સુધી ખીચડીને ઢાંકણ ઢાંકી પાકવા દેવી.

થોડી વાર સાવ ધીમા તાપે પકાવી આંચ બંધ કરી ખીચડીને બરાબર સીઝવા દેવી, છેલ્લે ખીચડીમાં બાકી બચેલું ઘી ઊમેરી બરાબર ફીણી લેવી, સર્વિંગ પ્લેટમાં લઈ ઊપર થોડું વધારે ઘી રેડી કોથમરીનાં પાન વડે ગાર્નિશ કરી પીરસવી.એ ભુલાઈ નહીં!!!

મિત્રો, આ જ ખીચડીને જો દેશી ચૂલા પર લાકડાંનાં બળતણ વડે બનાવશો, તો એનો સ્વાદ વળી ઓર જ આવશે.

Pradip Nagadia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *