લૉકડાઉનના કારણે છેલ્લા 3 મહિનાથી બધા ધંધાઓ બંધ હતા જે હવે ખોલવામાં આવ્યા છે જેમાં સલૂન અને બ્યૂટી પાર્લરને પણ ખોલવાની મંજૂરી મળી ગઈ છે. સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક સલૂન માલિકે પોતાના પ્રથમ ગ્રાહકના વાળ કાપવા માટે સોનાની કાતરનો ઉપયોગ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ‘મિશન બિગિન અગેન’ હેઠળ મહારાષ્ટ્ર સરકારે કોરોના વાઈરસના કારણે લાગુ કરાયેલા લૉકડાઉનમાં છૂટ આપી હતી જે પછી 26 જૂને પ્રથમવાર સલૂન ફરી ખુલ્યા હતા. સરકારે મંજૂરી આપતા ખુશ થયેલા એક સલૂન માલિક “રામભાઉ સંકપાલે” પોતાના ગ્રાહકના વાળ કાપવા માટે સોનાની કાતરનો ઉપયોગ કર્યો હતો.
તેમણે કહ્યું કે,‘લૉકડાઉનના કારણે 3 મહિનાથી વધુ સમય સુધી સલૂન બંધ રહ્યાં જેના કારણે અમારા ધંધાને ગંભીર અસર થઈ છે. સલૂન માલિક અને કર્મચારીઓએ ઘણી મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થવાનો વારો આવ્યો. પરંતુ હવે સલૂન ફરી ખુલતા અમે ઘણા ખુશ છીએ.’

સંકપાલે જણાવ્યું કે, આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે ઘણા સલૂન માલિકોએ આત્મહત્યા કરી હતી. તેઓ પોતે આ સંકટમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યાં તેની ખુશીમાં તેમણે પોતાના પ્રથમ ગ્રાહકના વાળ સોનાની કાતરથી કાપ્યા હતા. સોનાની કાતરથી વાળ કાપવાના સવાલ અંગે સંકપાલે કહ્યું કે, તેઓ ઘણા વર્ષોથી આ ધંધામાં છે અને તેમણે પોતાની બચતમાંથી 10 તોલાની સોનાની એક જોડી કાતર ખરીદી છે. અને તેના વડે તેણે ગ્રાહકના વાળ કાપ્યા.