ભારતમાં આ સમયે કોવિડ-19નો કહેર છે. ઓક્સિજનની અછત અનેક દર્દીઓના મોતનું કારણ બની રહી છે. તેની વચ્ચે જર્મનીથી મોબાઈલ ઓક્સિજન પ્લાન્ટને એરલિફ્ટ કરવા અને ફાઈટર જેટની ટેકનોલોજીની મદદથી ઓક્સિજન બનાવવાના સમાચાર આવી રહ્યા છે. પરંતુ આ બંને વિકલ્પોમાં આ વાત સૌથી મહત્વની એ છે કે આપણા વાતાવરણમાં કેટલો ઓક્સિજન છે. ત્યારે તમને તે વૃક્ષ વિશે માહિતગાર કરીશું જે સૌથી વધારે ઓક્સિજન વાયુ જનરેટ કરે છે.
આ સમયે જ્યારે કોવિડ-19ના કારણે ઓક્સિજનનું સંકટ ઉભું થયું છે ત્યારે સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ વૃક્ષ લગાવવાની વાત થવા લાગી છે. વૃક્ષોને ધરતી પર ઓક્સિજનનો બેસ્ટ અને એકમાત્ર સોર્સ માનવામાં આવે છે. ત્યારે વૈજ્ઞાનિકો પણ કહી રહ્યા છેકે જો આજે આપણે વધારેમાં વધારે વૃક્ષો ઉગાડ્યા હોત તો ઓક્સિજનની આટલી અછત ન સર્જાત. જ્યાં સુધી પર્યાવરણમાં જ ઓક્સિજન નહીં હોય તો કોઈપણ પ્લાન્ટમાં જરૂરિયાત માટે ઓક્સિજનનું ઉત્પાદન થઈ શકશે નહીં. એટલે જરૂરી છે કે આપણે અત્યારથી વૃક્ષારોપણ પર વધુ ભાર મૂકીએ.
આ તે 6 વૃક્ષ છે જે તમને ક્યાંક ને ક્યાંક જોવા મળી જશે. તમારા બગીચામાં આ વૃક્ષ નથી તો તેને તાત્કાલિક લગાવો. જે તમને સ્વસ્થ રાખશે અને તમારા વાતાવરણને પણ.
વડ: આ વૃક્ષને ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ પણ કહેવાય છે. તેને હિંદુ ધર્મમાં પવિત્ર પણ માનવામાં આવે છે. વડનું વૃક્ષ બહુ લાંબુ થઈ શકે છે. અને તેના છાંયા પર નિર્ભર હોય છે કે તે કેટલો ઓક્સિજન ઉત્પાદિત કરી શકે છે.
પીપળો: હિંદુ ધર્મમાં પીપળાનું વૃક્ષ તો બૌદ્ધ ધર્મમાં તેને બોધી ટ્રી કહેવામાં આવે છે. કહેવાય છે કે આ વૃક્ષની નીચે ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. પીપળાનું વૃક્ષ 60થી 80 ફૂટ લાંબુ થઈ શકેછે. આ વૃક્ષ સૌથી વધારે ઓક્સિજન આપે છે. જેના કારણે પર્યાવરણવિદ પીપળાનું વૃક્ષ લગાવવાનું વારંવાર કહે છે.
લીમડો: આ વૃક્ષને એવરગ્રીન વૃક્ષ કહેવામાં આવે છે. અને પર્યાવરણવિદોનું માનીએ તો આ એક નેચરલ એર પ્યૂરીફાયર છે. આ વૃક્ષ પ્રદૂષિત ગેસ જેવા કે કાર્બન ડાયોક્સાઈડ, સલ્ફર અને નાઈટ્રોજનને હવામાંથી ગ્રહણ કરીને પર્યાવરણમાં ઓક્સિજન છોડે છે. તેના પાંદડાની રચના એવી હોય છે કે તે મોટા પ્રમાણમાં ઓક્સિજન ઉત્પાદિત કરી શકે છે. એવામાં હંમેશા વધારેમાં વધારે લીમડાના વૃક્ષ લગાવવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી આજુબાજુની હવા એકદમ શુદ્ધ રહે છે.
જાંબુડો: ભારતની આધ્યાત્મિક કથાઓમાં ભારતને જંબુદ્રીપ એટલે જાંબુની ધરતી પણ કહેવામાં આવી છે. જાંબુડો 50થી 100 ફૂટ સુધી લાંબો હોય છે. તેના ફળ ઉપરાંત વૃક્ષ સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન જેવા ઝેરી ગેસને હવામાંથી શોષી લે છે. તે સિવાય અનેક દૂષિત કણોને પણ જાંબુડો પોતાનામાં ખેંચી લે છે.
આસોપાલવ: આસોપાલવ માત્ર હવામાં ઓક્સિજન જ છોડતું નથી પરંતુ તેના ફૂલ પર્યાવરણને સુગંધિત રાખે છે અને તેની ખૂબસૂરતીને વધારે છે. આ એક નાનું વૃક્ષ હોય છે, જે એકદમ સીધું થાય છે. પર્યાવરણ નિષ્ણાતોનું માનીએ તો આસોપાલવનું વૃક્ષ લગાવવાથી માત્ર વાતાવરણ જ શુદ્ધ રહેતું નથી પરંતુ તેની શોભા પણ વધે છે. ઘરમાં આસોપાલવનું વૃક્ષ દરેક બીમારીને દૂર રાખે છે. આ વૃક્ષ ઝેરી ગેસ ઉપરાંતહવાના બીજા દૂષિત કણોને પણ ગ્રહણ કરી લે છે.
અર્જુન: અર્જુન વૃક્ષ વિશે એવું કહેવામાં આવે છે કે તે હંમેશા લીલુંછમ રહે છે. તેના અનેક આયુર્વેદિક ફાયદા છે. આ વૃક્ષનું ધાર્મિક મહત્વ પણ છે. અને કહેવાય છે કે માતા સીતાનું તે પસંદગીનું વૃક્ષ હતું. હવાથી કાર્બન ડાયોક્સાઈડ અને દૂષિત ગેસને ગ્રહણ કરીને તેને ઓક્સિજનમાં ફેરવે છે.