જો તમારે ક્યાંક જવું હોય, તો તમે સામાન્ય રીતે ટેક્સી બુક કરવાનું પસંદ કરો છો, કારણ કે, તેમાં આરામની સાથે સમયની પણ બચત થાય છે. પરંતુ, જો તમને પૂછવામાં આવે કે, તમે ક્યારેય સોનાની ટેક્સીમાં મુસાફરી કરી છે, તો તમારો જવાબ શું હશે?

ચોક્કસપણે તમારો જવાબ એ જ હશે કે, સોનાની ટેક્સીમાં કોણ મુસાફરી કરે છે? અથવા તમે વિચરતા હશો કે, જેની પાસે તે ટેક્સી છે તે કરોડપતિ હશે. પરંતુ તે એવું કંઈ જ નથી. તમે કેરળમાં સોનાની ‘લક્ઝરી રોલ્સ રૉયસ ટેક્સી’માં મુસાફરી કરી શકો છો.
આપણા દેશમાં રોલ્સ રૉયસને ધનિકોની સવારી અને ગરીબોનું સપનું માનવામાં આવે છે. કેરળમાં, એક જૂની પેઢીની રોલ રૉયસ ફેન્ટમને ટેક્સી નંબરની સાથે જોવામાં આવી, જેને ટ્રક પર લઈ જવામાં આવી રહી હતી. આ કારની બોડી પીળા રંગમાં એકદમ સોનાની જેમ ચમકી રહી હતી.

આ લક્ઝરી કારના માલિકે કહ્યું કે, આ સોનાની કાર કેરળમાં ઓક્સિજન રિસોર્ટ્સમાં એક પેકેજનો ભાગ છે. એક રિપોર્ટ મુજબ લોકોનું આ કારમાં સફર કરવાનું સપનું સાકાર કરવા માટે બોબી ચેમ્મનુર નામના આ વ્યક્તિએ કારને સોનાની બનાવી અને ફક્ત 25,000 રૂપિયાના ખર્ચે તેમાં લોકોને મુસાફરી કરાવવામાં આવે છે.
જો આ કારની કિંમતની વાત કરીએ તો, રોલ્સ રૉયસ ફેન્ટમની લેટેસ્ટ જનરેશનની કિંમત ભારતમાં 9.5 કરોડ રૂપિયા છે. દેશના ઘણા સમૃદ્ધ ઉદ્યોગપતિઓ અને બોલિવૂડ કલાકારો આ કારનો ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે, આ કારને લઈને લોકો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારનાં પ્રતિસાદ આપી રહ્યા છે અને ઘણા લોકો પૂછે છે કે, શું આ સંગીતકાર બપ્પી લહેરીની કાર છે.