સુવર્ણપ્રાશન સંસ્કાર એટલે શું ? શા માટે બાળકો માટે ખુબજ જરૂરી છે ?

Life Style

આપણી ભારતીય સંસ્કૃતિએ કેટકેટલાય મહાપુરૂષો, સંતો, શૂરવીર, બૌદ્ધિકો આ સમાજને અર્પણ કર્યા છે, અને તે માટે તેમણે કેટકેટલાય પ્રયત્નો કર્યા હતા. સ્વસ્થ અને નિરોગી સમાજ માટે આજે સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને સરકાર પણ વિચાર કરે જ છે અને તેના માટે સતત પ્રયત્નો પણ ચાલે જ છે. અબજો રૂપિયાનું બજેટ આજે WHO દ્વ્રારા પ્રત્યેક દેશને અપાય છે. અલગ અલગ પ્રકારના કેમ્પો, રાહતો અને ફરજિયાત રસીકરણના કાયદા થકી તેમણે સારો પ્રયત્ન કર્યો છે. પણ તે પ્રયત્નની સરખામણીમાં પરીણામ બહુ અલ્પ માત્રામાં જોવા મળે છે. સમાજ માં આરોગ્યના સંદર્ભે સ્વસ્થતા જરૂર વધી છે. પણ માનસિક અને સંસ્કારની સ્વસ્થતાનું શું ?

આવો, નિર્માલ્ય, અબુધ અને અસંસ્કારી સમાજ લાંબુ આયુષ્ય મેળવીને પણ સુખી કેવી રીતે થશે? આખા વિશ્વમાં સૌથી પ્રાચીન અને સમગ્ર વિશ્વને ચિકિત્સા અંગે માર્ગદર્શન અને મહત્વના સિદ્ધાંતોની ભેટ ધરનાર આયુર્વેદના સિદ્ધાંતો આજે પણ બદલાયા નથી અને તેની દવાઓ આજે પણ અસર કરે જ છે. (આધુનિક વિજ્ઞાનમાં દર પાંચ વર્ષે સિદ્ધાંત અને મંતવ્યો બદલાય છે. અમૃત સમાન ઔષધ એકાએક ઝેરી બની જાય છે. માતાનું ધાવણ ક્યારેક ન જ આપવું એવું માનતો વર્ગ પછીથી તે જ માતાનું ધાવણ અમૃતતુલ્ય છે તે સમજાવવા અબજો રૂપિયાની જાહેરાતો કરે છે.)

તો, ખરેખર સ્વસ્થ સમાજ કેવો હોઇ શકે? તેની કલ્પના આપણાં ઋષિઓએ સિદ્ધ કરીને બતાવ્યું છે. તે વખતે પણ આળસુ પ્રજા હશે જ, કે જે આ માટે જાગૃત નહિં જ હોય, તેથી જેમ આજે સરકાર કાયદો કરે છે તેમ તે વખતે કાયદાથી આપેલી વાત લાંબી ટકતી નથી અને તે કાયદો કોઇપણ ફેરવી શકે, તેથી આપણાં ઋષિઓએ આરોગ્ય જાળવણીના ઉપાયને સમજપૂર્વક અને ભાવપૂર્વક સંસ્કારના એક ભાગ રૂપે ગણાવીને તેને જીવનઓ અભિન્ન ભાગ બનાવી દીધો. તેથી જ આપણાં ઘણાં બધાં રિવાજો આજે આપણને સમજાતાં નથી પણ તે રિવાજ સ્વરૂપે એવા તો ગોઠવાઇ ગયા છે કે વડીલોનું માન રાખવા ખાતર પણ આપણે તેને માન્યતા આપીએ છીએ. આજે આપણે તેમાનાં એક સંસ્કારને સમજવાનો પ્રયત્ન કરીશું. અને તે એટલે સુવર્ણપ્રાશન સંસ્કાર…

આપણે ત્યાં બાળક જન્મે પછી ડૉક્ટર વિવિધ પ્રકારના રોગોથી બાળકના રક્ષણ માટે વિવિધ સમયાંતરે રસી આપવા માટેનું સૂચન કરે છે અને આપણે તે અપાવવી પણ જોઇએ. બહુ થોડા વર્ષો પહેલા શોધાયેલી રસીનો મૂળભૂત ખ્યાલ હજારો વર્ષોથી આપણી પરંપરામાં વણાયેલો જ છે, પણ તે આપણને જ્ઞાત નથી. કોઇપણ રોગ સામે આપણાં શરીરમાં તે રોગ સામે લડવાની એક રોગપ્રતિકાર શક્તિ હોય છે અને તે જ આપણને રોગ સામે લડવાની તાકાત આપે છે. જેની આ રોગપ્રતિકાર ક્ષમતા ઓછી તેની રોગ થવાની સંભાવના વધુ. આધુનિક વિજ્ઞાને આનાં માટે અલગ અલગ રોગો સામે પ્રતિકાર મેળવવા અલગ અલગ પ્રકારની રસીની શોધ કરી અને હજું વધુ ને વધું રોગો સામે રક્ષણાત્મક પગલાં માટે સંશોધનો ચાલુ જ છે અને તે એક નિરંતર ચાલનારી પ્રક્રિયા છે. આપણાં ઋષિઓએ આ સિદ્ધાંતની કલ્પના અને ઉપાય હજારો વર્ષો પહેલા જ વિચારેલ હતાં, તેમણે તો તેનાથી આગળ વધીને દરેક રોગ સામે બાળકને રક્ષણ મળી રહે તે માટે બાળકની રોગપ્રતિકાર ક્ષમતા જ બધી જાય તેવું આયોજન કરીને બધાં જ રોગો સામે એક જ શસ્ત્ર શોધી કાઢ્યું. અને તે એટલે સુવર્ણ – સોનું. અને તે માટે તેમણે સુવર્ણપ્રાશન સંસ્કાર ની સમાજને ભેટ આપી. ‘સુવર્ણ’ એટલે સોનું અને ‘પ્રાશન’ એટલે ચટાડવું.

સોનું જ શા માટે? સોનું એ માત્ર બાળકો માટે જ નહિં પણ કોઇપણ ઉંમરના વ્યકિત માટે તેટલું જ કારગત અને તે રોગપ્રતિકાર ક્ષમતા વધારનારું છે. આથી જ આપણાં જીવનવ્યવહારમાં પણ સોનાનું એક મહત્વનું સ્થાન છે. કારણ કે મનુષ્ય શરીર માટે સોનું એ એક શ્રેષ્ઠતમ ધાતુ છે. તેથી જ તો તેને શુભ ગણવામાં આવી છે. સોનું કોઈપણ રીતે શરીરમાં જવું જોઇએ. તેથી જ તો આપણે ત્યાં શુદ્ધ સોનાના દાગીના પહેરવાનો રિવાજ છે. સોનાનું દાન શ્રેષ્ઠ દાન ગણાય છે. એટલે જ તો ઘણી વખત મોટેરાં- વડીલો યુવાન બહેનો અને વહુઓ ને ટોકે છે કે ખોટા નહિં પણ સાચા (સોનાના) દાગીના જ પહેરો. કારણ, માત્ર એ જ કે તે દાગીના શરીર સાથે ઘસાઇને ચામડી દ્વારા શોષાઇને શરીરમાં જાય. તેથી જ તો પહેલાના રાજાઓ અને ધનાઢ્ય લોકો સોનાની થાળીમાં જ ભોજન લેતા હતાં. ઘરેણાં પહેરવાનો રિવાજ આપણે ત્યાં જાણ્યે – અજાણ્યે જ પ્રચલિત બન્યો કે બનાવ્યો, પણ તેની પાછળ આ જ દીર્ઘદ્રષ્ટિ રહી હતી. કારણ સોનું એ શરીરમાં રોગપ્રતિકાર શક્તિ તો વધારે જ છે પણ સાથે-સાથે માનસિક – બૌદ્ધિક ક્ષમતા પણ વધારે છે. તે શરીર, મન અને બુદ્ધિનું તેજ વધારનાર તેજસ્વી ધાતું છે. અને તેથી જ તો સમગ્ર દુનિયાનો વ્યવહાર પણ સોના પર જ ચાલે છે. આ પરંપરા પરથી પણ સોનાની અસરકારકતા અને આપણાં જીવનમાં તેના સ્થાનની મહત્તા આપણને સમજાય !!

સુવર્ણપ્રાશન ક્યારે? બાળકનો જન્મ થાય ત્યારે આપણે ત્યાં એક પરંપરા રહી છે, અને તે એટલે ગળથૂથી પીવડાવવાની. બાળક જન્મે ત્યારે તેની જીભ પર મધ અને ઘી ચટાડવું અને સોનાની સળીથી ૐ લખવું આવી એક પરંપરા આપણે ત્યાં છે. આ જે પરંપરા છે તે જ એટલે આપણો સુવર્ણપ્રાશન સંસ્કાર. સુવર્ણ ચટાડવું એટલે જ સુવર્ણપ્રાશન. આપણે આ કરીએ જ છીએ પણે તે શા માટે તે ખબર નથી !! તે કેવી રીતે આવ્યું? તે ખબર નથી ! પણ તે ટકી રહ્યું છે, તે મોટી વાત છે અને હજારો વર્ષ પછી પણ તે ટકી રહી છે, ત્યારે તેના પાછળ આપણાં ઋષિઓએ કેટકેટલો પરિશ્રમ કર્યો હશે ?? આપણે સુખી થઇએ તે માટે તેમણે પરિશ્રમ ઊઠાવ્યો છે, પણ આપણે ક્યારેય તે સમજવાની પણ તસ્દી લીધી નહિં !!

 આ સુવર્ણપ્રાશન માત્ર તે જ દિવસે ચટાડી દેવાથી પતી જતું નથી પણ તે તો તેની શરૂઆત છે, અને તે દિવસથી શરૂ કરીને ઓછામાં ઓછા છ મહિના સુધી દરરોજ આપવું જોઇએ અને જો આપને પોસાય તેમ હોય તો સમગ્ર બાલ્યાવસ્થા સુધી પણ આપી શકાય. (આ સોનાનું મહત્વ એટલું બધું છે કે આપણે ત્યાં બાળક જન્મે ત્યારે સોનાનો દાગીનો લઇ જવાની પ્રથા આવી ગઇ.)

સુવર્ણપ્રાશન શું છે? પુષ્ય નક્ષત્રમાં સુવર્ણ અને આયુર્વેદની ઉત્તમ ઔષધી જેવી કે બ્રાહ્મી, શંખપુષ્પી, વચા, શતાવરી, ચિત્તક, શતપુષ્પા, દંતી, નસોત્તર, અશ્વગંધા, બલાબીજ વગેરેનાં સંયોજનને મધ અને ગાયનાં ઘીમાં મેળવીને નિષ્ણાત વૈદ્યની દેખરેખ નીચે  ” સુવર્ણપ્રાશન” પુષ્યનક્ષત્રમાં જ બનાવીને આપવાનો ઉલ્લેખ છે. “સુવર્ણપ્રાશન“થી

બાળકની બુદ્ધિ અને યાદશક્તિ વધે છે.  જઠરાગ્નિ અને બળ વધારે છે. પાચનશક્તિ સુધારી શરીરની શક્તિ વધારે છે. શરીરને પુષ્ટ કરે છે. વર્ણ્ય એટલે કે શરીરનો વર્ણ ઉત્તમ બનાવનાર છે. તે બાળકને થતી ગ્રહબાધા, ગ્રહપીડાથી બચાવે છે. વાયરલ અને બેક્ટેરીયલ ઇન્ફેક્શનથી થનારા જુદા-જુદા રોગોનો નાશ કરનાર છે. જન્મથી ૧૨ વર્ષ સુધીનાં બાળકને “સુવર્ણપ્રાશન” રોજ કરાવવામાં આવે તો અતિશય ઉત્તમ મેધાવાળો બને છે અને કોઇ પણ રોગથી પીડાતો નથી.

આ સુવર્ણ પ્રાશનનું આયુર્વેદ ના પ્રાચિન બાળરોગોના નિષ્ણાંત એવા કાશ્યપ ઋષિએ પોતાના કાશ્યપ સંહિતા ગ્રંથમાં આ મુજબ વર્ણન કર્યુ છે. સુવર્ણપ્રાશન મેધા (બુદ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ્ય આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય, વર્ણ્ય (શરીરના વર્ણને ઊજળો કરનાર) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળુ છે. સુવર્ણપ્રાશનથી બાળક એક માસમાં મેધાયુક્ત બને છે તથા બાળકનું રોગોથી રક્ષણ થાય છે અને તે છ માસમાં શ્રુતધર (સાંભળેલી વાત ને યાદ રાખવાવાળું) બને છે. અર્થાત્ તેની સ્મરણશક્તિ ખૂબ જ વધે છે.

છ માસ સુધીનો પ્રયોગ:- જો બાળકને સતત છ માસ સુધી “સુવર્ણપ્રાશન” સતત આપવામાં આવે તો તે શ્રુતધર બને છે એટલે કે સાંભળેલું તુરત જ યાદ રહી જાય એટલે કે યાદશક્તિ વધે છે. ” સુવર્ણપ્રાશન” સંસ્કારથી ૧૨ વર્ષ સુધીની ઉંમરના દરેક બાળકને આપી શકાય છે અને આ પ્રયોગ સતત છ માસ સુધી કરવામાં આવે તો ઉપર પ્રમાણેના ફાયદા થાય છે. આમ, “સુવર્ણપ્રાશન” પુષ્યનક્ષત્રમાં કરવાનું વિધાન ખુબ જ ફલપ્રદ છે.

સુવર્ણપ્રાશન (આયુર્વેદીય રસીકરણ) થી બાળકને થતાં ફાયદા:- બાળકની રોગપ્રતિકાત ક્ષમતા વધે છે, જેથી બાળક માંદું જ નથી પચતું, તંદુરસ્ત રહે છે.એટલે કે બાળકને એન્ટીબાયોટીક્સથી બચાવી શકાય છે. બાળકનો વિકાસ ઝડપી બને છે. બાળકનો વાન ઉજળો બને છે. બાળક ચપળ અને બુદ્ધિશાળી થાય છે. બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સુંદર થાય છે. પાચન શકિત સુધરતાં પેટની તકલીફો રહેતી નથી. “રોયલ સુવર્ણપ્રાશન” જો બાળકને સતત છ માસ સુધી આપવામાં આવે તો બાળક શ્રુતધર બને છે એટલે કે એક વખત વાંચેલુ કે સાભળેલું યાદ રહી જાય છે. એવું શાસ્ત્રનું વિધાન છે.

આ જ વાતને બીજી રીતે જોઇએ તો, સુવર્ણપ્રાશન એ.. બાળકોની રોગપ્રતિકાર શક્તિ વધારે જેથી બાળકોની સરખામણીમાં ઓછુ માંદું પડે છે અને તંદુરસ્ત રહેવાના કારણે તેને નાનપણથી જ એન્ટિબાયોટિક્સથી બચાવી શકાય છે. બાળકનો શારીરિક વિકાસ ઝડપી બને છે. બાળકની યાદશક્તિ ખૂબ તેજ બને છે. બાળક ચપળ અને બુદ્ધિશાળી બને છે. પાચન શક્તિ સુધરતા પેટની તકલીફો રહેતી નથી. બાળકનો વાન (વર્ણ) ઉજળો બને છે.

ભારતીય સંસ્કૃતિમાંના સોળ સંસ્કાર પૈકીનો એક સંસ્કાર એટલે સુવર્ણપ્રાશન સંસ્કાર. આ સંસ્કારનો મુખ્ય હેતુ રોગોની સામે રક્ષણ મેળવવા માટે શરીરમાં અંદરથી શક્તિ સંગ્રહીત થયેલી હોય તો વિવિધ રોગોના વાયરા સામે બાળક નિરોગી રહી શકે. તે માટે સુવર્ણપ્રાશન અત્યંત જરૂરી છે. સુવર્ણપ્રાશન આપનાં બાળકને જીવનમાં એકવાર તો અવશ્ય આપવું જ જોઇએ.

કાશ્યપ સંહિતામાં દર્શાવેલ તમામ ઔષધોના સંયોજનથી અને શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે પૂરતા પ્રમાણમાં સુવર્ણ ભસ્મ દ્વારા પુષ્ય નક્ષત્રમાં જ આ સુવર્ણપ્રાશન બનતું હોઇ તેના માટે અગાઊથી જ ઓર્ડર કરવો જરૂરી બને છે, જેથી આપને હર હંમેશા તાજું જ મળી રહે. આ સુવર્ણપ્રાશનના છ માસના પ્રયોગને ધ્યાનમાં રાખીને છ માસ સુધી દરરોજ એક બાળકને ચટાડી શકાય. સુવર્ણપ્રાશન પણ બજારમાં અને વિવિધ લોકો પિવડાવે છે, આપની આસપાસ પણ તે જોવા મળશે જ. જેની સ્પષ્ટતા મારે અહિં કરવી જરૂરી લાગે છે.

માત્ર મહિનામાં એક જ વાર પુષ્યનક્ષત્રના દિવસે પીવડાવવાથી ફાયદો મળતો નથી. ઘણી જગ્યાએ ૨૦ કે ૩૦ રુપિયામાં મહિનો ચાલે તેવી બોટલ આપે છે પણ ૩૦૦૦૦ રૂ. તોલુ સોનુ ૨૦ કે ૫૦-૧૦૦ રુપિયામાં કેટલું આવે અને તે કેટલી અસર કરે તે સમજી શકાય છે.. અને પછીથી આપનો આયુર્વેદ પરનો અને આપણી પરંપરા પરનો વિશ્વાસ ઊઠી જાય નહીં તો શું થાય? આયુર્વેદની અસરકારકતા તેની ગુણવત્તા પર જ આધાર રાખે છે.

સુવર્ણપ્રાશનને કોઇપણ સમયે નિયમિત રીતે દિવસમાં એક જ વાર આપવાનું છે, અને તે કોઇપણ બિમારીમાં કે કોઇપણ દવા ચાલતી હો તો પણ આપી શકાય છે. જો આપ આપના અથવા આપના સંબંધીના બાળકને જન્મથી જ આપવા માંગતા હો તો છેલ્લા મહિનામાં જ મેળવી ને રાખી લેવું જોઇએ, જેથી બાળક ને આ સંસ્કાર સારી રીતે કરી શકાય.

સૌજન્ય: ગૌરાંગભાઈ દરજી

Leave a Reply

Your email address will not be published.