અશ્વત્થામા: શિવલિંગ પર રોજ બ્રાહ્મમુર્હતમાં પુષ્પ અભિષેક થઈ જાય છે, કોણ કરે છે કોઈ નથી જાણતું..

Dharma

જેણે જન્મતાની સાથે જ બાળસહજ રુદન નહીં પણ અશ્વ જેવો હણહણાટ કર્યો હતો. જે શિવનો આગિયારમો રુદ્ર કહેવાય છે, જે આઠ ચિરંજીવીઓમાથી એક છે.જે અમર છે. (એ આઠ ચિરંજીવી એટ્લે પરશુરામ, રાજા બલિ, હનુમાનજી, વેદ વ્યાસ, વિભીષણ, માર્કેણ્ડેય ઋષિ, કૃપાચાર્ય અને કૃપાચાર્યનો ભાણેજ એવો આ અશ્વત્થામા.)

મહાભારતની યુદ્ધભૂમિમાં આખરે દુર્યોધન જ્યારે છેલ્લા શ્વાસ ગણાતો હતો ત્યારે એની પાસે કૌરવસેનાના બચેલા આખરી ત્રણ યોદ્ધાઓ પહોચ્યા, દ્રોણપુત્ર એવો આ અશ્વત્થામા, કુરુકુલગુરુ કૃપાચાર્ય અને કૌરવ પક્ષે લડેલી કૃષ્ણની નારાયણી સેનાનો સૂત્રધાર કૃતવર્મા.

મરણતોલ અવસ્થામાં પડેલા મિત્ર દુર્યોધનને અશ્વત્થામાએ વચન આપ્યું કે પોતે પાંડવવંશનો સંહાર કરીને બદલો લેશે. એ રાત્રે આ ત્રણેય મિત્રો જંગલમાં વિચારતા રહ્યા કે, ‘આખરે પાંડવોને કેવી રીતે મારી શકાય.?!’ એટલામાં અશ્વત્થામાએજોયું કે એક ઝાડ પર એક ઘુવડ સૂતેલા કાગડાઓને મારી રહ્યું છે. એવું કહેવાય છે કે કાગડાઓ અને ઘુવડ વચ્ચે વેર હોય છે, દિવસે જો ઘુવડ જોવા મળે તો કાગડાઓ એને છોડતા નથી કેમ કે કાગડાઓ દિવસે ઘુવડ કરતાં શક્તિશાળી હોય છે. પણ રાત્રે જો ઘુવડને કાગડો મળી જાય તો ઘુવડ એને મારી દે છે, કેમ કે રાત્રે કાગડા કરતાં ઘુવડ વધુ બળવાન સાબિત થાય છે.

કાગડાઓને આ રીતે મારતા ઘુવડને જોઈ અશ્વત્થામા પ્રેરાય છે કે આ જ પ્રકૃતિનો નિયમ છે કે જે જ્યાં-જ્યારે બળવાન હોય ત્યારે હુમલો કરે. એ શિવજીની અર્ચના કરી પોતાનું શરીર શિવને અર્પણ કરે છે. સામે વરદાન પામે છે કે આ રાત્રે કોઈ એને મારી શકશે નહીં- આ રાત્રે કોઈ એની સામે જીતી શકશે નહીં. શિવનું આ વચન પામી અશ્વત્થામા બેઉ મિત્રોને લઈને ખુલ્લી તલવાર સાથે પાંડવોના પડાવ તરફ નીકળે છે.

આ તરફ શ્રી કૃષ્ણ પાંડવો જાગૃત કરી યમુના કિનારે લઈ જાય છે. પાછળથી અશ્વત્થામાએ આવી પોતાના પિતા દ્રોણને મારનાર ધૃષ્ટદ્યુમ્ન, શિખંડી સહિત દ્રોપદીના ભાઈઓ અને પાંચાલથી આવેલા બીજા યોદ્ધાઓ તેમજ દ્રૌપદી જેની માતા છે એવા બધા પાંડવપુત્રોને હણીને જતો રહે છે.

વહેલી સવારે પડાવ પર આવેલા પાંડવો આ હત્યાકાંડ જોઈ અશ્વત્થામાને શોધવા નીકળે છે. જ્યાં વેદ વ્યાસના આશ્રમમાં છુપાયેલો અશ્વત્થામા પાંડવોને આવતા જોઈ ‘બ્રહ્મશિરા’ છોડે છે. સામે અર્જુન પણ ‘બ્રહ્મશિરા’ પ્રયોગ કરે છે. આ બેઉ શસ્ત્રો દ્વારા થનાર વિશ્વ વિનાશને રોકવા વેદવ્યાસે કરેલી સમજાવટથી અર્જુન એ શસ્ત્ર પાછું ખેંચે છે, પણ અશ્વત્થામા એ માટે અસમર્થ છે,એને પાંડવના વિનાશને વેરવા છોડેલું એ શસ્ત્ર પાછું ખેંચતા આવડતું નથી.

આખરે એ ‘બ્રહ્મશિરા’ શસ્ત્ર અભિમન્યુની ગર્ભવતી પત્ની ઉત્તરાના ગર્ભમાં રહેલ નવજાત પરિક્ષિતને બાળીને એમ પાંડવવંશનો નાશ કરી શાંત થાય છે. જો કે પોતાના તપનો ભોગ આપી શ્રી કૃષ્ણ બાળ પરિક્ષિતમાં પ્રાણ ફૂંકે છે. સાથે અશ્વત્થામાને શાપિત કરે છે એ કુષ્ઠ રોગથી પીડાતો યુગો સુધી ભટકતો રહેશે.

પાંડવોને ગુરુપૂત્ર અશ્વત્થામાને મારતા રોકી દ્રૌપદી એના કપાળમાં જન્મથી રહેલો મણિ કાઢી લેવા કહે છે, અર્જુન એ મણિ કાઢી લે છે. દેવ, દાનવ, રોગ-વ્યાધિ, શસ્ત્ર વગેરેથી એનું રક્ષણ કરનાર એ મણિ વિનાનો નિસ્તેજ અશ્વત્થામા, કુષ્ઠ રોગથી પીડાતો અશ્વત્થામા, યુગોથી મૃત્યુને ઝંખતો અશ્વત્થામા કહેવાય છે કે આજે ય ભટકે છે.

(અશ્વત્થામા ભટકવાની આજે ઘણી જગ્યાએ ઘણી લોકવાયકા છે, ગુજરાતમાં એક વાયકા એવી પણ છે કે એ ગિરનારમાં વસે છે, પણ સૌથી જાણીતી લોકવાયકા છે કે અશ્વત્થામા મધ્યપ્રદેશના બુરહાનપૂરથી થોડે દૂર આવેલા અસીરગઢના પ્રાચીન કીલ્લામાં આવેલા પૌરાણિક શિવ મંદિરની રોજ પુજા કરવા આવે છે, એ શિવલિંગ પર રોજ બ્રાહ્મમુર્હતમાં પુષ્પ અભિષેક થઈ જાય છે, કોણ કરે છે કોઈ નથી જાણતું, અસીરગઢ આસપાસના લોકોમાં માન્યતા છે કે કોઈને અશ્વત્થામા મળી જાય તો એ કુષ્ટ રોગના ઘારા પર લગાવવા તેલ અને હલ્દી માંગે છે, સ્થાનિક લોકો માને છે એને જોઈ જનાર માણસ માનસિક સંતુલન ગુમાવી ગાંડી થઈ જાય છે.)

“મહાભારતની ચરિત્રકથાઓ’ માં શ્રી Ramesh Tanna સાહેબના ‘અશ્વત્થામા’ પરના ચરિત્રલેખ પરથી.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.