લાખો ફુલાણી રોજ ૨૦ તોલા સોનું દાનમાં આપતો , વિક્રમ સવંત ૮૯૯ થી ૯૩૬ વચ્ચેની વાત છે. ભરમધ્યાહ્નના સમયે કચ્છના જંગલમાં વિકીયો સંઘાર અને કુડધર રબારી નામના બે મિત્રો આથો ચારી રહ્યા હતા. એ સમયે, સઘળા શાંત વાતાવરણમાં થોડે દુર આવેલા મહાદેવના શિવાલયમાંથી આક્રંદભર્યો રુદનનો અવાજ સંભળાયો. અવાજની દિશા તરફ જતા બને જણાએ રૂપરૂપના અંબારસમી, સ્વર્ગની અપ્સરા જેવી, મૃત્યુલોકની સ્ત્રી જેવું અલૌકિક સ્વરૂપ ધારણ કરેલી નવયૌવના જોઈ.

એ યુવતીનું નામ સોનલ હતું. એવી લોકવાયકા છે કે, એ બને મિત્રોએ યુવતીને પૂછી જોયું તો જણાયું કે એ ઇન્દ્રના દરબારમાં શાપિત થવાથી મૃત્યુલોકમાં આવી છે. અને એટલે જ અથાગ સ્વરૂપ, રૂપ જેટલું જ બળ, ગુણોનો ભંડાર હતી એ કન્યારત્ન! એ સોનલને કુડધર રબારીએ પાલક પુત્રી તરીકે રાખી. જો આ લોકવાયકાને સાચી ન માનીએ તો, કચ્છના એક વખતના પોલીટીકલ એજન્ટ કર્નલ એબડનું કથન છે કે એ અત્યંત રૂપાળી યુવતી યુરોપીયન મૂળની હતી. હવે, સોનલ પિતાની આથનું સઘળું કામકાજ કરવા લાગી. એક જગ્યાએ સ્થિર ન રહેતી રબારી પ્રજાની આથ એક ગામથી બીજે ગામ ઘેટાં-બકરા,ઊંટ, ભેંસ, દુધના મટકા લઇ વિચર્યા કરે. એ રીતે આગળ ચાલતા એક દિવસ સોનલ દુધના મટકા અને ભેંસોને દોરતી ‘બોલાડીગઢ’ના રાજમહાલય પાસેથી પસાર થઇ રહી હતી.
એ સમયે રસ્તાની બને બાજુ લોકોની ભીડ જામેલી હતી. વચ્ચે બે મજબૂત બાંધાના પાડા ઘમસાણ મચાવી રહ્યા હતા. પાડાની વચ્ચે જવાની કોઈની હિમ્મત ન હતી, લોકોએ ડરના માર્યા ઉભા રહી આવજાનો રસ્તો તદ્દન બંધ કરી નાખ્યો હતો. સોનલે આ દ્રશ્ય જોયું. એ નિર્ભયપણે આગળ આવી, દુધના મટકા શિર પર જ રાખી, ભેંસોના દોરડા પોતાના પગ નીચે દબાવી બને પાડાઓને એકેક થપાટ લગાવી. તે બનેનો સઘળો મદ તે ક્ષણે જ ઉતરી ગયો. મદમસ્ત પાડા ગરીબ ગાય જેવા બની પોતપોતાના રસ્તે પડી ગયા. સોનલ આડું અવળું ક્યાંય જોયા વગર પોતાના માર્ગે ચાલવા લાગી. લોકો કુતુહલવશ આટલી નીડર, સ્વરૂપવાન યુવતીને જોતા જ રહી ગયા. એ સમયે રાજમહાલયના ઝરૂખામાંથી ‘બોલાડીગઢ’નો પ્રતાપી અને પરાક્રમી રાજા આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. એ જ ક્ષણે રાજાને વિચાર આવ્યો કે આટલી સામર્થ્યવાન, અતુલ સૌન્દર્યવતી અને શક્તિશાળી સ્ત્રીને પેટે કુમારનો જન્મ થાય તે પુત્ર કેટલો પરાક્રમી, સુંદર અને વીરપુરુષ બને !

ઈ.સ. ૮૪૩માં કંથકોટનો કિલ્લો ચણાઈ ગયો હતો. જામ સાડ નામના રાજાએ કિલ્લો અને મોડકૂવો ચણાવી પોતાનું મુલ્લક આબાદ કરવા મચી પડ્યો. જામ સાડની ચડતી જોઇને તેનો સાળો, ધરણ વાઘેલા ઇર્ષાની આગમાં શેકાવા લાગ્યો. તેનું રાજ્ય પચાવી પાડવા એક દિવસ સાડને મિજબાનીમાં બોલાવી, દગાથી મારી નાખ્યો. ત્યારે વિક્રમ સવંત હતી ૮૯૯. જામ સાડના મૃત્યુ સમયે તેનો પુત્ર ફૂલકુમાર હજુ બાળક હતો. હવે, ધરણ વાઘેલાએ ફૂલકુમારને મારવાનો નિશ્ચય કર્યો. ત્યારે ફારક નામની દાસી તેને લઈ, સિંધ તરફ ભાગી નીકળી. ધરણ વાઘેલા પાછળ જ હતો. દાસીએ પોતાના પુત્ર અને રાજકુમારના વસ્ત્રોની અદલાબદલી કરી. ધરણ વાઘેલાએ દાસીના પુત્રને ફૂલકુમાર સમજી મારી નાખ્યો. ફારક દાસી નિમકહલાલી નિભાવી તેને બાંભણાસરમાં દુલારા પાદશાહના રાજ્યમાં લઇ આવી. ત્યાં તે મોટો થયો.
દાસીએ રાજાને બધી સાચી વાત કરી. દાસીની સ્વામીભક્તિથી ખુશ થઈને પાદશાહે પોતાની પુત્રીના લગ્ન ફૂલકુમાર સાથે કરાવ્યા. થોડા વર્ષ પછી પોતાના પિતાનું વેર વાળવા, મામાનું વધ કરવા ફૂલકુમાર કચ્છ આવવા નીકળ્યો. કચ્છમાં આવી મામા ધરણ વાઘેલાને ફાંસીએ ચડાવી મારી નાખ્યો. કચ્છ-બનીમાં એક ડુંગર પર સારું સ્થાન જોઈ ત્યાં પિતાની જેમ જ કિલ્લો ચણાવાનું શરુ કર્યું. નામ રાખ્યું ‘બોલાડીગઢ’. કિલ્લો તૈયાર થયો, વિકસ્યો. થોડા વર્ષો બાદ એક દિવસ રાજમહાલયના ઝરૂખામાંથી રાજા જામ ફૂલની દ્રષ્ટિ પાડાને થપાટ મારતી અત્યંત સ્વરૂપવાન યુવતી પર પડે છે. એ યુવતી એટલે સોનલ !

રાજા જામ ફૂલ અને સોનલના લગ્ન થયા. રબારીની અપ્સરા જેવી દીકરી રાણી થઇ ! જામ ફૂલને અન્ય ચાર રાણીઓ હતી. જામ ફૂલ અને સોનલને પુત્ર લાખો જન્મ્યો. અત્યંત સ્વરૂપવાન અને નીડર સોનલ અને લાખો રાજાના ખુબ જ માનીતા થઇ ગયા હતા. આથી અન્ય રાણીઓની ઈર્ષા અને અદેખાઈ દિવસે ને દિવસે વધવા લાગી. વર્ષો વીતવા લાગ્યા, લાખો મોટો થતો ગયો.
વસંતઋતુના સમયે રંગમહાલયમાં વસંતનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. સૌ એકમેક પર કેસુડાના લાલ રંગની પિચકારીઓ છોડી રહ્યા હતા. લાખાકુમાર પોતાની ભાભીઓ સાથે રંગે રમી રહ્યો હતો. રંગ ઉડાડતા-ઉડાડતા પોતાની ઓરમાન માતા સોઢી રાણી પાસે પંહોચી, રંગ નાખી બેઠો. રાણી ગુસ્સે થઇ. સાવકો દીકરો માતા પર રંગ નાખી જ કઈ રીતે શકે ? લાખાએ પગમાં પડીને માફી માંગી. સોઢી રાણી ક્રોધાયમાન થઇ જામ ફૂલને ફરિયાદ કરી. માતાની સાથે હોળી ખેલવાની મર્યાદા લાખાએ ઓળંગી છે એ જાણીને જામ ઉશ્કેરાઈ ગયો.

લાખાનો એક પણ શબ્દ સાંભળ્યા વગર, પોતાની સૌથી વહાલી રાણીના કુંવરને આવેશમાં આવી તે બોલી ઉઠ્યો “જા! તને હું દેશવટો આપું છુ. નીકળી જા મારા દેશમાંથી.” લાખાનું અંતર ઉકળી ઉઠ્યું. તિરસ્કૃત થયેલો લાખો ત્યારના રીવાજ મુજબ કાળા ઘોડા પર કાળા લૂગડાં પહેરીને સીમા બહાર નીકળી ગયો. લાખો ફરતો-ફરતો સામંતસિંહ ચાવડાના અણહિલપુર પાટણ પહોંચ્યો. એ સમયે ત્યાં રાજખટપટથી ભારે અશાંતિ, તંગદીલી સર્જાઈ હતી. લાખાએ પોતાની કુનેહ અને કાર્યકુશળતાથી રાજ્યમાં શાંતિ, સમૃધ્ધિ પાછા લાવ્યા. તેના જેવા મહાન પરાક્રમી અને પ્રતાપી વીરને અનાયાસે પોતાના રાજ્યે આવી પડેલો જોઈ સામંતસિંહે ઈશ્વરનો આભાર માન્યો. પોતાની પ્રસન્નતાની ભેટરૂપે લાખાને રાજ્યનો જમાઈ બનાવ્યો. જામ ફૂલ અને સોનલપુત્ર લાખો હવે જામ લાખા ફુલાણીના નામે ઓળખાવા લાગ્યો.
લાખાના કચ્છ છોડી ગયા પછી કચ્છમાં ઉપરા-છાપરી હોનારત સર્જાવા લાગી. જામ ફૂલની રાણી ધાણ વાઘેલી ખુદને પેટમાં કટારી મારી, મૃત્યુ પામી. ફૂલ જામ પોતે સ્વર્ગવાસી થયા. વરસાદ તો લાખાની વિદાયથી જાણે રિસાયો જ હોય તેમ બિલકુલ બંધ જ થઇ ગયો. પશુપાલકો સિંધ અને કાઠીયાવાડ જવા લાગ્યા. બાકીના પશુઓ ટપોટપ મરવા લાગ્યા. ખેડૂતોની આવી દુર્દશા અગાઉ ક્યારેય થઇ નો’તી. આખા કચ્છમાં ભયંકર દુષ્કાળે ત્રાસ બોલાવ્યો. એક વખતનો ફૂલોફાલ્યો કચ્છડો બેહાલ સ્થિતિમાં આવી પડ્યો. આ સંજોગોમાં જામ ફૂલના અન્ય કુમારોમાં પ્રજાને રાહત આપવાની શક્તિ કે તેજ જ ન હતું.

હવે, કચ્છની પ્રજાને લાખો સાંભર્યો. લોકોને થયુ કે લાખોકુમાર પાછો ફરે તો જ કચ્છની હાલત સુધરે. કચ્છના આવા સમાચાર સાંભળી લાખાને આંચકો લાગ્યો. તરત જ તે સામંતસિંહ ચાવડાની રજા લઇ પોતાના પ્રિય વતન તરફ જવા નીકળી પડ્યો. લાખાના કચ્છમાં આવતા જ બારે મેઘ તૂટી પડ્યા. ચોમેર જળબંબાકાર થઇ ગયું. ધરતી લીલીછમ થઇ ગઈ. માલધારીઓની ઓથો ફરવા લાગી. કહેવાય છે કે એ અષાઢનો પહેલો દિવસ હતો. અને તેના બીજા દિવસે માલધારીઓએ મેઘના અવતારસમા લાખાને મુખી બનાવ્યો. તે દિવસથી કચ્છ એકસુત્રે બંધાયું હતું. એ દિવસ એટલે ‘આષાઢી બીજ’. આપણા-કચ્છીઓના નવા વર્ષ તરીકે ઓળખાય છે.
ત્યારથી આજ સુધી , અષાઢ સુદ બીજના દિવસે મેઘ અચૂક વરસસે એ ખાતરી સાથે કચ્છવાસીઓ ‘આષાઢી બીજ’ ધામધૂમથી ઉજવી રહ્યા છે. પ્રણય, બલિદાન અને સાહસકથાઓથી તરબતર કચ્છની ભૂમિ કચ્છનો ગરવો ઇતિહાસ આવી ઘણી બધી ઘટનાઓ-કથાઓ-ગાથાઓ-લોક, દંતકથાઓ, સંતો, ફકીરો, પીરો, ભક્તો, ચારણો, ભાટ કેટકેટલાય મહાપુરુષો અને મહાનુભાવો ધરબીને બેઠો છે !