વડોદરામાં એક દુકાનદારે કોરોના પોઝિટિવ ગ્રાહકને મોંઢેથી શ્વાસ આપી બચાવ્યો જીવ પણ પછી…

News

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ રોકવા માટે તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવાનું અને સામાજિક અંતરનું રાખવાની અપીલ કરવામાં આવે છે. કોરોનાની આ મહામારીમાં લોકો જરૂરિયાતમંદ લોકોની મદદ કરતાં પણ અચકાય રહ્યા છે. ત્યારે એક માનવતાનો કિસ્સો સામે આવ્યો છે. જેમ એક દુકાનના માલિકે કોરોના સંક્રમિત થયેલા ગ્રાહકને પોતાના જીવની પણ પરવાહ કર્યા વગર CPR આપીને તેનો જીવ બચાવ્યો હતો. દુકાન માલિકની માનવતા કારણે એક ગ્રાહકનો જીવ બચ્યો હતો.

જાણવા મળતા સમાચાર અનુસાર વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં બાલકૃષ્ણ ગજ્જર જન ઔષધિ કેન્દ્ર ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બાલકૃષ્ણની દુકાનમાં એક વ્યક્તિ દવા લેવા માટે આવ્યો હતો અને એ ગ્રાહક જે સમયે લાઇનમાં ઊભો હતો એ સમયે તે અચાનક જમીન પર પડી ગયો હતો. ગ્રાહકને જમીન પર પડેલો જોઈને બીજા ગ્રાહકો દુર ખસી જઈને સાઈડમાં ઊભા રહી ગયા હતા. પરંતુ દુકાન માલિક બાલકૃષ્ણ ગજ્જર ગ્રાહકની મદદ કરવા માટે દોડી ગયા હતા. બાલકૃષ્ણ ગજ્જર દ્વારા ગ્રાહકને તાત્કાલિક CPR આપીને તેને વધારે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુકાન માલિકના CRP આપવાના કારણે આ ગ્રાહકનો જીવ બચી ગયો હતો.

હોસ્પિટલમાં એ ગ્રાહકની સારવાર શરૂ કરતા પહેલા ડોક્ટર દ્વારા તેને કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને એ ગ્રાહકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ગ્રાહક પોઝિટિવ આવ્યો હોવાના કારણે દુકાન માલિક બાલકૃષ્ણ ગજ્જરે પોતાનો પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, દુકાન માલિકને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે.

આ બાબતે દુકાન માલિક બાલકૃષ્ણ ગજ્જરનું કહેવું છે કે, કોરોનાનું સંક્રમણ કાલે મટી જશે. પણ મારી દુકાન પર આવેલા ગ્રાહક પર જીવનું જોખમ સર્જાય તો માનવતા પર લાગેલૂ સંક્રમણ ક્યારેય પણ સાજું ન થઈ શકે. ભલે મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો પરંતુ મને મારા ગ્રાહકનો જીવ બચી ગયો છે તેનો સંતોષ છે.

મહત્ત્વની વાત છે કે, રાજ્યમાં હાલ 3 હજાર કરતાં પણ વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં પણ મોટાભાગની ખાનગી કોવિડ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વેકસીનેશનની કામગીરી પણ ઝડપી કરવામાં આવી છે. કોરોનાની મહામારી વચ્ચે લોકોએ કોરોના વોરિયર્સ સાથે ગેરવર્તન કર્યું હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારે વેપારીએ પોતાના જીવને જોખમમાં મૂકીને ગ્રાહકનો જીવ બચાવતા લોકો પણ તેની પ્રસંસા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.