માતૃભૂમિનું ઋણ ચૂકવવા 500 ગાડીઓ અને ચાર્ટર્ડ પ્લેન દ્વારા સૌરાષ્ટ્ર તરફ ડોકટરો, ઉદ્યોગપતિઓ અને યુવાનોની કુચ…

News

સૌરાષ્ટ્રના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધતા ચિંતાનો માહોલ સર્જાયો હતો. કોરોનાના દર્દીઓને ગામડાઓમાં યોગ્ય સારવાર ન મળતાં સુરત તરફ દોટ મૂકી હતી. સુરતના ઉદ્યોગપતિઓ અને કાર્યકરો અને કેટલીય સેવાકાર્ય કરતી સંસ્થાઓ ભેગી થઈને સેવા સંસ્થા સાથે જોડાઇને સૌરાષ્ટ્રમાં આઇસોલેશન સેન્ટર, ડોક્ટર અને પેરા મેડિકલની ટીમ અને યુવા કાર્યકર્તાઓ સાથે સંકલન કરી સૌરાષ્ટ્રમાં કામગીરી શરૂ કરી છે. જન્મભૂમિનું ઋણ ચૂકવવા માટે સેવા સંસ્થા સાથે સંકળાયેલા ડોક્ટરો સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન મારફતે સૌરાષ્ટ્ર પહોંચ્યા છે. કોરોના સંક્રમણ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી ડોક્ટરો સેવા આપશે.

સુરત એરપોર્ટ ખાતેથી સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં 9 જેટલા ડોક્ટરોની ટીમ તેમજ અન્ય 9 ડોક્ટરો બાય રોડ સેવા આપવા માટે સૌરાષ્ટ્ર પહોંચ્યા છે. કુલ 18 ડોક્ટરો આજે સૌરાષ્ટ્ર પહોંચી કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં જોડાયા છે. સુરત એરપોર્ટ ઉપરથી સવારે આઠ વાગ્યે સ્પેશિયલ ચાર્ટર પ્લેનમાં ડોક્ટર ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગર બાદ રાજકોટ પહોંચીને આઇસોલેશન સેન્ટરોની મુલાકાત લેવાનું શરૂ કર્યું હતું.

સુરતના જાણીતા ઉદ્યોગપતિ દ્વારા ડોક્ટરોને સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતમાં કોરોના સંક્રમણ પણ યથાવત્ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ત્યારે સુરત અને સૌરાષ્ટ્ર બન્ને સ્થળ ઉપર યોગ્ય સમયે સારવાર આપી શકે તે માટે ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા ઉભી કરવી જરૂરી હતી. નિષ્ણાત ડોક્ટરો સવારે જઈને સાંજે પરત ફરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ અન્ય ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ એક સપ્તાહ માટે સેવા આપશે.

સોશિયલ મીડિયા ઉપર “ચાલો માતૃભૂમિનું ઋણ ચૂકવવા” ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ જોડાયા હતા. ગઈકાલે 500 જેટલી ગાડીઓ મિતુલ ફાર્મ ખાતેથી રવાના થઈ હતી. સેવા સંસ્થા સાથે જોડાયેલ અન્ય 25 જેટલી સંસ્થાઓ પોતાના વોલેન્ટિયર્સ સાથે મળીને કામગીરી શરૂ કરે છે. કોરોના સંક્રમિત દર્દી માટે ભાવનગર ખાતેથી ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરત ચાર્ટર્ડ પ્લેન મારફતે સૌરાષ્ટ્ર પહોંચેલા ડોક્ટર પૂર્વેશ ઢાકેચાએ જણાવ્યું કે માતૃભૂમિ ઉપર કોરોનારૂપી સંકટ જોતા તમામ યુવાનો, ડોક્ટરો અને સેવાભાવી સંસ્થાઓ આગળ આવીને સૌરાષ્ટ્ર તરફ કૂચ કરી છે. આજે સવારે અમે નવ ડોક્ટર્સ અહીં પહોંચ્યા છે અન્ય ડોક્ટર્સ પણ અહીં ધીરે ધીરે પહોંચી રહ્યા છે. પેરામેડિકલ સ્ટાફ પણ અહીં આવી ચૂક્યો છે. આઇસોલેશન સેન્ટરોમાં દર્દીઓને સારવાર આપવાનું શરૂ કરી દેવાયું છે. કોરોના સંક્રમણની સાથે ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાને લઇ ડર ફેલાયો છે. શારીરિક સારવારની સાથે માનસિક રીતે તેમનો ડર દૂર કરવાનો સૌથી મોટો પડકાર છે. જ્યાં સુધી કોરોના સંક્રમણ સૌરાષ્ટ્ર નિયંત્રણમાં ન આપે ત્યાં સુધી અમે ખડે પગે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવીશું.

Leave a Reply

Your email address will not be published.