ઘરમાં સૂકા મેવા તરીકે ઉપયોગમાં લેવાતી ચારોળી માત્ર રસોઇ બનાવવા પૂરતી જ ઉપયોગી નથી પરંતુ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ ચારોળી બહુ જ લાભપ્રદ સાબિત થાય છે. દૂધ અને દૂધની મીઠાઈઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચારોળી ખૂબ જ પૌષ્ટિક છે. બદામની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે. ચારોળીનું તેલ બદામના તેલ જેવા જ ગુણોવાળું હોય છે. ચારોળીમાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન સી, બી1, બી2, આયર્ન જેવા પોષક તત્વો હોય છે.
ચારોળીના વૃક્ષો મધ્યમ મોટાં હોય છે .સૂકા પાનખર જંગલનું વૃક્ષ છે. તેના ઉપર બકરાના કાન જેવા રુંવાટી યુક્ત પાન થાય છે.અને આ પાનના પતરાળા બને છે. ઝાડ ઉપર ફુલ પોષથી ફાગણ માસ સુધી આવે છે.અને ફળ ફાગણથી ચૈત્ર માસ સુધી આવે છે. ફળ ગુલાબી લાલ નાનાં ફાલસા જેવા હોય છે. બોરની જેમ તે ખવાય છે જેમાં તુવેર જેવા લાલ રંગના દાણા હોય છે. આ દાણા જ ચારોળી તરીકે ઓળખાય છે.
શક્તિ વધશે:- ચારોળીને પૌષ્ટિક અને કામશક્તિવર્ધક કહી છે. નબળાઈ જણાતી હોય તેમણે ચારોળીના દસ દાણા અને થોડું અશ્વગંધાનું ચૂર્ણ લઈ વાટી લેવા. એક ગ્લાસ દૂધમાં એટલું જ પાણી મેળવી તેમાં આ વાટેલું મિશ્રણ ઉમેરીને ઉકાળવું. ઊકળતા ફક્ત દૂધ બાકી રહે ત્યારે ઉતારી, ઠંડું પાડી, સાકર મેળવીને પી જવું. સવાર-સાંજ આ દૂધના સેવનથી કામશિથિલતા દૂર થઈ શક્તિ આવે છે.
થાક દૂર કરશે:- ચારોળી અને સાકર મેળવી, ઉકાળી, ઠંડું પાડીને પીવાથી થાક દૂર થાય છે. આ ઉપચાર પ્રયોગ શક્તિ અને સ્ફૂર્તિ આપનારો છે.
શરદી-ખાંસીમાં ફાયદારૂપ:- જો તમને શરદી-ખાંસીની સમસ્યા હોય તો તેના માટે 5-10 ગ્રામ ચારોળીને સેકી લેવી. ત્યારબાદ તેને પીસીને એક કપ દૂધમાં તે પાઉડર મિક્ષ કરીને દૂધ ઉકાળવું. તેમાં સ્વાદ મુજબ એલચી અને સાકર મિક્ષ કરીને પીવાથી શરદી-ખાંસીમાં ફાયદારૂપ થશે.
કફ દૂર થશે:- કેટલાક લોકોને કફની સમસ્યા હોય છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે અને ઘણીવાર ગળામાં ખારાશની પણ તકલીફ થાય છે. તેનાથી રાહત માટે 5થી 10 ગ્રામ ચારોળીનું સેવન કરવું જોઈએ.
બળતરામાં રાહત:- જે ભાગ પર બળતરા થતી હોય ત્યાં ચારોળીને પીસીને તેની પેસ્ટ લગાવવાથી ઠંડક મળે છે. અને બળતરાથી રાહત થાય છે
ચહેરો ચમકશે:- ચારોળીને પીસીને તેમાં થોડી માત્રામાં હળદર મિક્ષ કરવી. સાથે જ તેમાં મધ, લીંબુનો રસ અને ગુલાબ જળ મિક્ષ કરવું. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવવાથી ચહેરાનો કાળો રંગ ધીરે-ધીરે દૂર થશે.
ખીલ દૂર થશે:- જે લોકોને ખીલની સમસ્યા રહેતી હોય છે તેમના માટે ચારોળીનો આ પ્રયોગ બહુ જ કારગર સાબિત થાય છે. ચારોળીને પીસીને તેમાં ગુલાબજળ મિક્ષ કરીને ચહેરા પર લગાવો. સૂકાઈ ગયા બાદ ચહેરો ધોઈ લો. આ ઉપાયથી ખીલની સમસ્યા તો દુર થશે સાથે જ ચહેરામાં ચમક આવશે.