બાળકના હાથમાં મોબાઈલ આપતા પહેલા આ જરૂર વાંચી લેજો, જેથી પાછળથી પસ્તાવું ન પડે…

Spiritual

એક વખત અર્જુન ભગવાન કૃષ્ણને એમ પૂછે છે કે, “માધવ, આજે મેં એક કૌતુક જોયું. એક ગાય એના તાજા જન્મેલા બચ્ચાને પોતાની જીભથી ચાટીને બચ્ચાને વહાલ કરી રહી હતી. માતાના વહાલને જોવા હું ઉભો રહી ગયો. થોડીવાર પછી બચ્ચાના શરીર પરની પાતળી ચામડી શરીરથી છૂટી પડવા લાગી તો પણ ગાય વાછડાને ચાટતી જ રહી. એક સમય તો એવો આવ્યો કે વાછડું લોહીલુહાણ થઈ ગયું છતાં ગાયે ચાટવાનું બંધ ના કર્યું. પ્રભુ, આવું કેમ ? મને એ નથી સમજાતું કે એક માં એના સંતાન સાથે આવું કેમ કરી શકે ?”

કૃષ્ણે કહ્યું, “પાર્થ, તે જે જોયું એ કળિયુગનું લક્ષણ છે. કળિયુગમાં માતા-પિતા એના સંતાનોને જરૂરિયાત કરતા પણ વધુ લાડ લડાવીને એના સંતાનને ખતમ કરી નાખશે. એમને એવું લાગશે કે હું મારા સંતાનને વહાલ કરું છું પણ વધુ પડતું વહાલ સંતાન માટે ઘાતક સાબિત થશે.”

આજે આ વાત ખરેખર સાચી સાબિત થતી હોય એમ લાગે છે. થોડાદિવસ પહેલા રાતના સમયે એકભાઈની વાડીએ જમવા માટે ગયો હતો. હું જ્યારે જમવા માટે બેઠો ત્યારે એક ભાઈ લગભગ 5 વર્ષના છોકરાને જમાડવા માટે લાવ્યા. એ છોકરાના હાથમાં મોબાઈલ હતો અને એ કોઈ કાર્ટૂન જોતો હતો. એને જમવામાં કોઈ રસ જ નહોતો. એના પપ્પા બાળક માટે ડિશ તૈયાર કરીને લાવ્યા પણ પેલાને મોબાઈલ સિવાય બીજી કોઈ બાબતમાં રસ હોય એવું લાગતું નહોતું.

બાળકને મોબાઈલ મૂકીને જમી લેવાનું કહ્યું પણ પેલાએ વાત પણ ન સાંભળી. આંખોને ભયંકર નુકશાન થાય એવી રીતે આંખો પણ પટપટાવ્યા વગર એ મોબાઈલ જોવામાં મશગુલ હતો. બાળકને કશું જ કહેવાના બદલે મમ્મી-પપ્પા એની બાજુમાં બેસી ગયા અને મોઢામાં કોળિયા દેવા માંડ્યાં. પેલો બાળક જમતો જાય અને મોબાઈલ જોતો જાય. મને લાગ્યું કે માતા-પિતાનો આ પ્રેમ સંતાનની ક્ષમતાને મારી નાંખશે.

આજે જ દિવ્યભાસ્કરના પ્રથમ પાનાં પર આ બાબત પર લેખ છે. આંખોની ખામી વાળા બાળકોની સંખ્યા મોટા પ્રમાણમાં વધી રહી છે. નાની ઉંમરમાં બાળકો અનેક પ્રકારના આંખોના રોગથી પીડાય છે એનું સૌથી મહત્વનું કારણ છે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ. મોબાઇલથી થતું આ નુકશાન તો હજુ દેખાય છે પણ એના રેડિયેશનની બાળકના મન અને બુદ્ધિ પર જે ભયંકર અસર થાય છે એની તો ક્યારેય કલ્પના જ નથી કરી.

રડતા બાળકને છાનો રાખવા માટે કે ખલેલ પહોંચાડતા બાળકને હેઠું બેસાડવા માટે એના હાથમાં મોબાઈલ પધરાવી દેવો એ સૌથી સહેલો ઉપાય છે પણ આવું કરીને આપણે આપણા જ સંતાનને કેટલું મોટું નુકશાન પહોંચાડી રહ્યા છીએ એની આપણને જ જાણ નથી. નાના બાળકોને મોબાઇલથી દૂર રાખી એનું જીવન બચાવીએ.

Leave a Reply

Your email address will not be published.