દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી દ્વારા આજે 7મી માર્ચ 2021ને રવિવારના રોજ દિલ્હીમાં દેશની સૌથી મોટી કિડની ડાયાલીસીસ હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી છે. અત્યંત આધુનિક સાધનો અને સુવિધાઓથી સજ્જ આ વિશાળ હોસ્પિટલની ખાસિયત એ છે કે હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી.
ડાયાલીસીસ માટે આવતા દર્દીઓને સંપૂર્ણ સારવાર અને ભોજન વિનામૂલ્યે આપવામાં આવશે. સારવાર પાછળ મેનેજમેન્ટને ભલે ગમેં તેટલો ખર્ચ કરવો પડે પણ દર્દી પાસેથી નૈયો પૈસો પણ નહીં લેવાનો.
છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં કિડનીના રોગમાં નોંધપાત્ર વધારો થયો છે. ડાયાલીસીસ દ્વારા કિડનીને કાર્યાન્વિત રાખવી પડે એવા દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. નિયમિત રીતે ડાયાલીસીસ કરાવવું આર્થિક રીતે પરવડે તેમ ન હોય એવા પરિવારોની સંખ્યા બહુ મોટી છે.
મોંઘી સારવાર ન મેળવી શકવાને લીધે કોઈની કિડની ફેઈલ થાય અને જીવનદીપ ન ઓલવાય જાય એટલે દિલ્હીની શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીએ આ ફ્રી ડાયાલીસીસ હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ણય કર્યો જેનો લાભ નાત-જાત કે ધર્મના ભેદ વગર બધાને સમાન રીતે મળશે.
દિલ્હીના બાલા સાહિબ ગુરુદ્વારાના જ એક ભાગમાં આ વિશાળ હોસ્પિટલ શરૂ કરવામાં આવી. હોસ્પિટલ પણ દર્દી નારાયણની પૂજા કરતું ધર્મ સ્થાનક જ છે એટલે ગુરુદ્વારાની જગ્યા કાપીને ત્યાં જ આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી.
અત્યંત આધુનિક અને કિંમતી સાધનો વસાવવામાં આવ્યા તથા નિષ્ણાત ડોક્ટરો તથા સ્ટાફની ભરતી કરવામાં આવી. દર્દીઓ પાસેથી કોઈ પ્રકારનો ચાર્જ લેવાનો નહીં એવો કમિટીએ નિર્ણય કર્યો. હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ રાખવામાં નથી આવ્યું માત્ર રજિસ્ટ્રેશન કાઉન્ટર જ રાખવામાં આવ્યું છે. સારવાર સાથે સાથે ભોજન પણ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે.

આ અવસરે ગુજરાતમાં પણ આવી જ રીતે સેવા આપતી ટીમ્બીની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ અને મહુવાની સદભાવના હોસ્પિટલનું સ્મરણ થઈ આવે છે.
સૌજન્ય:- શૈલેષ સગપરીયા