મળો પાટણના અનોખા ડોકટર દંપતીને, તેમના કાર્ય જાણીને તમને પણ ગર્વની લાગણી થઈ આવશે.

Story

ડો.હામિદ મન્સૂરી અને ડો. મુમતાજબાનુ મન્સૂરી પાટણમાં જુના બસસ્ટેન્ડ પાસે હૃદયરોગની સારવાર માટે એક હોસ્પિટલ ચલાવે છે. ભારતને અને ભારતીય સંસ્કૃતિને હૃદયથી પ્રેમ કરનાર આ દંપતી 2019માં અયોધ્યા ભગવાન શ્રીરામની જન્મભૂમિના દર્શન કરવા ગયું હતું.

સર્વધર્મ સમભાવમાં માનતા આ મુસ્લિમ ડોક્ટર દંપતીએ શ્રીરામ લલ્લાના ચરણોમાં માથું ટેકવીને માનતા રાખી હતી કે કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ થાય ત્યારે આપણે પણ મંદિર નિર્માણમાં યોગદાન આપવું છે.

થોડા દિવસ પહેલા આ દંપતીએ શ્રીરામ મંદિર નિર્માણ માટે 151000/-નું દાન આપીને કહ્યુ હતુ કે મંદિર નિર્માણમાં સેવાની તક નસીબદાર હોય એને જ મળે. અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ કે અમને સેવા કરવાની તક મળી. આ દંપતી દ્રઢપણે એવું માને છે કે એકબીજાના ધર્મને આદર આપવો એ જ ભારતીય સંસ્કૃતિનો મૂળ મંત્ર છે.

આ દંપતી એમની કમાણીમાંથી અમુક રકમ જુદી કાઢે છે. કોઈ ગરીબ દર્દી આવે તો વિનામૂલ્યે સારવાર કરે છે અને પેલી અલગ રાખેલી રકમમાંથી એની દવા માટેનો ખર્ચ કરે છે.

લોકડાઉનના સમયગાળા દરમ્યાન મન્સૂરી દંપતીએ ડોક્ટર તરીકે તો સેવા કરી જ હતી પણ સાથે સાથે અનાજ-કરિયાણાની કિટો તૈયાર કરીને અનેક ગરીબ પરિવારોને વહેંચી હતી અને મુશ્કેલીના સમયે જરૂરિયાતમંદ લોકોનો મજબૂત ટેકો બન્યા હતા.

પાટણની આસપાસના મોટા ભાગના લોકો માનવતાના મસીહા સમાન આ ડોક્ટર દંપતીની સેવાથી પરિચિત છે.

પોતાના ધર્મને પ્રેમ કરવો એ સહજ છે પરંતુ સાથે સાથે બીજાના ધર્મને આદર આપવો એ જ માનવતાનો સાચો પરિચય છે. લોકો રાજી થાય કે ન થાય પણ આવા લોકોના કાર્યોથી પરમાત્મા બહુ હરખાતા હોય છે.

Leave a Reply

Your email address will not be published.