બોજો બનેલા મા બાપ – જયારે ભણેલ ગણેલ સંતાન પણ અશિક્ષિત બની જાય છે….

Story

હંમેશા મુજબ સાન્જે 6:00 વાગ્યે ઓફીસ થી નીકળી ઘરે પાછા જવા 6:30 ની ભાયંદર ફાસ્ટ પકડી ઘરે જવા નીકળ્યો. રસ્તા માં મારા મિત્ર પ્રથમનો ફોન આવ્યો કે ફાઉન્ટન પાસે ઊભો રહેજે મને થોડું કામ છે. હું ત્યાં તેની રાહ જોઈ બાજુમાં બનેલા પાર્કીંગની રેલીગ પર બેઠો હતો.

એક 70-75 વર્ષના વૃદ્ધ જેને જાડા કાચ ના ચશ્મા પહેરેલા હતા અને મેલાં-ઘેલા કપડાં પહેર્યાં હતાં તે મારા પાસે આવી મારા પગ પકડીને બોલ્યા : “સાહેબ બહુ ભુખ લાગી છે એક વડાપાવ ખવડાવશો ?” તે કોઈ ભિખારી હોય તેવુ લાગતું ન હતું કે તેને ભિક્ષા માંગવાની આદત હોય તેમ પણ લાગતું ન હતું. અચાનક પગ પકડવાથી હું હડબડી ને નીચે ઉતરી ગયો.

આ વ્યક્તિ ને જોઈ મને સંકોચ થયો. મેં કહ્યું: “કાકા ભુખ લાગી છે ?” ને પછી ખીસામાં હાથ નાખી 50 ની નોટ કાઢી તેમના હાથમાં મુકી તો તેઓએ તરતજ પાછી આપી કહે:” નહી ભાઇ આટલા બધા નહીં મને ફક્ત વડાપાઉ જેટલાં જ પૈસા આપો” . મે, . હું જઈ ને બે વડાપાઉં લઇ આવ્યો. કાકા ત્યાં જ નીચે બેસી ને ખાવા લાગ્યા.

મેં પૂછ્યું ,”કાકા ક્યાથી આવો છો? કયાં જાવું છે ? કોઇ ને શોધવા નીકળ્યા છો કે શું ?” તેમણે જવાબ આપ્યો.” હું પુના પાસેના એક ગામ થી આવું છું. તારા જેવડો મારો પુત્ર અહીં કોઇ મોટી કંપની માં ઇન્જિનીયર છે. બે વર્ષ પહેલાં તેને મુમ્બઇ માં લવમેરેજ કરેલાં. તેની ભણેલી પત્ની ને અમારા ગામડીયા સાથે રહેવું ગમતું નથી એટલે છોકરો અહીં તેની સાથે છેલ્લા બે વરસ થીઅલગથી રહે છે.

પરમદિવસે તેનો અમારા પર ફોન આવ્યો હતો કે અમેરિકામાં નોકરી મળી છે. પત્નીને લઈને 10 વર્ષ માટે અમેરિકામાં જાય છે. મુમ્બઈ થી તો વરસે દિવસે એકાદવાર મળવા આવી જતો હતો પણ હવે આટલું દૂર પરદેશ જતાં પહેલાં એકવાર તો મળીને જા”,,, કહ્યું તો કહે,” જલ્દી જાવું છે એટલે સમય નથી. “મને થયું 10 વર્ષ હવે જીવન હશે કે નહીં કોનેખબર એટલે હુંજ મળી આવું.

કાલ સાન્જ થી મુમ્બઈ માં ફરુ છુ પણ લોકો કહે છે કે અહીં ફાઉન્ટન માં એરપોર્ટ નથી એ તો અંધેરીમાં છે. પરંતુ મારા પુત્ર એ તો મને આજ સરનામૂં લખાવ્યું હતું “… કહી ને તેણે ખીસ્સા માંથી એક ચબરખી કાઢી બોલ્યા,” આ મોબાઇલ પણ ખરાબ થઈ ગયો લાગે છે. કાલ નો મારા દિકરાનો એક પણ ફોન નથી આવ્યો.” મેં પૂછ્યું:” તમે કેમ ફોન કરી ને પૂછી લેતાં?” તો કહે,” મને ફોન કરતા નથી આવડતું.” મેં તેમનો ફોન લઈ રિસીવ્ડ કોલનું લીસ્ટ કાઢીને બેદિવસ પહેલાં આવેલા એકમાત્ર નંબર પર ફોન કર્યો તો સામે થી ફોન કટ કરવામાં આવ્યો. મેં વારંવાર પ્રયત્ન કર્યો પણ રિજલ્ટ તેજ આવ્યું. છેવટે મેં તેમની પાસેથી ચબરખી લઈ સરનામું વાચ્યું, આંતર રાષ્ટ્રીય હવાઈ મથક-ફાઉન્ટન, ફોર્ટ, મુમ્બઈ.

મને સમજાઇ ગયું કે માં-બાપ ને ટાળવા માટેજ તેણે ખોટું સરનામું લખાવ્યું હતું અને હવે ફોન ઉપાડવા નું પણ ટાળતો હતો. મને સમજાઇ ગયું હતું કે જે દિશામાં તેનું વિમાન ગયું હતું તેના પાછા ફરવાની શક્યતા ઘણી ઓછી હતી. મને સમજાઈ રહ્યું હતુંકે પુત્ર તરફ થી થઈ રહેલી ઊપેક્ષા તેને સમજાતી નહોતી અથવા તો જે સમજાય રહ્યું હતું કે તેનો પોતાનો પુત્ર તેને અવગણી રહ્યો છે તે સ્વીકારવા તેમનું મન તૈયાર નહોતું. મેં કહ્યું, “કાકા હવે તો વિમાન નીકળી ગયું હશે તમે પાછા જાવ ઘરે કાકી તમારી રાહ જોતાં હશે.”

તેમના હાથ માંની જુની થેલીમાં ડબ્બા જેવું લાગ્યું મેં પૂછ્યું, “કાકા આમાં શું છે?” તેઓ બોલ્યા આતો મારા દિકરાને મગસ બહુ ભાવે એટલે તેની માં એ બનાવી ને મોકલ્યા હતાં.”..મારા દિલ માં એકદમ ધ્રાસકો પડ્યો. મને થયું સોય ના એક ઘા થી તેમનું હ્રદય વિન્ધી નાખું અને તેમના નાલાયક દિકરા ની હકીકત તેમને સમજાવું પણ મારી હિંમત ખલાસ થઈ ગઇ હતી. મારા કાળજાના કટકા થઈ રહ્યા હતા . હું નિ:શબ્દ બની તેમની સામે જોઈ રહ્યો હતો…. મેં કહ્યું,” કાકા હવે ઘરે જાવ મોડું થઈ જાશે વિમાન તો હવે જતું રહ્યું.” કહી ભારે પગલે હું ત્યાંથી ચાલતો થયો.

તે દિવસે મોડી રાત સુધી મને ઊંઘ ના આવી રહી રહી ને એકજ વિચાર આવતો હતો કે ભુખ ના માર્યા એક વડાપાવ માટે કાકલૂદી કરતાં એ વ્રુદ્ધ શું પુત્ર માટે લાવેલા પોતાની પાસે ના ડબ્બા માંથી શું એક લાડવો ખાઈ શકતા ન હતા ? આટલો પ્રેમ !!!

-જીતેશ વોરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *