આપણા દેશમાં રહેતા તમામ નાગરિકો દેશને પ્રેમ કરતા હોય છે અને જ્યારે દેશ માટેનો કોઈ મહત્વનો દિવસ હોય ત્યારે દેશભક્તિની લહેર સર્વત્ર જોવા મળે છે. આમાં બોલિવૂડ સ્ટાર્સ પણ પાછળ નથી. બોલિવૂડમાં એક એવો પણ અભિનેતા પણ હતો જેણે પાકિસ્તાનની ધરતી પર એક વિશાળ મેળાવડામાં તેમની ઔકાત યાદ કરાવી દીધી હતી. આ ઘટનાથી પાકિસ્તાન આક્રોશિત થઈ ગયું હતું અને પાકિસ્તાને એ અભિનેતાને તેમના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ અભિનેતા એટલે ફિરોઝ ખાન, જે પોતાના શક્તિશાળી અભિનય અને ડાયલોગ માટે ખુબજ જાણીતા થયેલા હતા.
આ ઘટના એપ્રિલ 2006 ની છે. જ્યારે ફિરોઝ ખાન તેના ભાઈ અકબર ખાનની ફિલ્મ ‘તાજમહેલ’ના પ્રમોશન માટે પાકિસ્તાનના લાહોર ગયા હતા. એ સમયે એક મેળાવડામાં તેમણે પાકિસ્તાનીઓની સામે ભારતના વખાણ કરવાના શરૂ કરી દીધા હતા અને તેઓ સતત ભારતના વખાણ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ‘ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. મુસ્લિમો ત્યાં પ્રગતિ કરી રહ્યા છે. આપણા રાષ્ટ્રપતિ મુસ્લિમ છે, વડા પ્રધાન શીખ છે. ઇસ્લામના નામે પાકિસ્તાન બનાવવામાં આવ્યું છે. પરંતુ અહીંના મુસ્લિમોને જુઓ, એક મુસ્લિમ બીજા મુસ્લિમની હત્યા કરી રહ્યો છે. ‘
આ જ કાર્યક્રમમાં અભિનેત્રી મનીષા કોઈરાલા પણ હાજર હતી. પાકિસ્તાની એન્કર ફાખરે એ આલમે તેમના પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેને સાંભળીને ફિરોઝ ખાન ગુસ્સે થયો હતો. થયું એવું કે જ્યારે એન્કર મનિષાને કંઈક પૂછતો હતો ત્યારે તે ખચકાઈ રહી હતી, ત્યારે એન્કર તેને કહ્યું, ‘મેમ, તું ડરી રહી છો … તો હું તમને પ્રશ્નો નહીં પૂછું.’ મનીષાની નજીક બેઠેલા ફિરોઝ ખાન એન્કરની આ વાત સાંભળીને ગુસ્સે થયા અને એન્કર પર વાકયબાણો દ્વારા તૂટી પડ્યા અને બોલ્યા, ‘સારું રહેશે કે તમે મનીષાની માફી માગી લો, નહીં તો હું પણ તમારી એવી હાલત કરી નાંખીશ.’
આ ઘટનાને પગલે ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટે ફિરોઝ ખાન વતી એન્કર ફકર-એ-આલમ અને પાકિસ્તાની જનતાની માફી માંગી હતી. તેમણે કહ્યું કે ‘હું ફિરોઝ ખાનના વલણ માટે માફી માંગું છું, આશા રાખું છું કે ફકર-એ-આલમ અને પાકિસ્તાની લોકો અમને માફ કરશે.’ હકીકતમાં મહેશ ભટ્ટ તે સમયે ભારતીય પ્રતિનિધિ મંડળનો ભાગ હતા. આવી સ્થિતિમાં તે પ્રતિનિધિમંડળ સાથે સંકળાયેલા તમામ લોકોએ પણ પાકિસ્તાનની માફી માંગી હતી. આ પ્રતિનિધિમંડળમાં ફિરોઝ ઉપરાંત તેમના ભાઈ અકબર ખાન, પહેલાજ નિહલાની, ફરદીન ખાન, જેકી શ્રોફ, શત્રુઘ્ન સિંહા, મહેશ ભટ્ટ, વિકાસ મોહન અને ‘તાજમહેલ’ ફિલ્મ સાથે સંકળાયેલા અન્ય ઘણા સ્ટાર્સ શામેલ હતા.
જ્યારે ફિરોઝ ખાને ફકર-એ-આલમ અને પાકિસ્તાનીઓને તેમની ઔકાત યાદ અપાવી ત્યારે તેઓ આથી ખૂબ ગુસ્સે થયા. ત્યારે રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે તો ફિરોઝ ખાનને પાકિસ્તાની વિઝા ન આપવાનો આદેશ પણ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં ફિરોઝ ખાને તો એમ પણ કહ્યું હતું કે હું જાતે અહીં આવ્યો નથી, પરંતુ મને બોલાવવામાં આવ્યો છે. અમારી ફિલ્મોમાં જ એટલી શક્તિ છે કે તમારી સરકાર અમને લાંબા સમય સુધી રોકી શકશે નહીં.
તમને એ પણ જણાવી દઈએ કે આ ઘટનાના ત્રણ વર્ષ બાદ એપ્રિલ 2009 માં ફિરોઝ ખાનનું ફેફસાંના કેન્સરથી મૃત્યુ થયું હતું.