ગુજરાત સરકારની ખુલી ગઇ પોલ, ક્યાંક દવા, ક્યાંક વેક્સિન ક્યાંક ટેસ્ટિંગ કિટ બધુ જ ખાલી

News

ગુજરાતનાં કથિત વિકાસ મોડેલની પોલ હવે ધીરે ધીરે ખુલી રહી હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાના બીજા વેવમાં ગુજરાત સરકાર ઘુંટણીયાભેર થઇ ચુકી છે. વેક્સિનેશન અને ટેસ્ટિંગના દાવાઓ હવે પોકળ સાબિત થઇ રહ્યા છે. અમદાવાદમાં ટેસ્ટિંગના નામે ઉભા કરી દેવાયેલા ડોમમાં બપોર થતા સુધીમાં ટેસ્ટિંગ કિટ ખાલી થઇ જાય છે.

જેથી બપોરના ખરા તડકામાં પણ લોકો ટેસ્ટિંગ કિટ આવે તેની રાહ જોઇને ડોમમાં જ એકઠા થઇને બેસે છે. કોર્પોરેશનની કિટ ત્રણ વાગ્યે જો આવી જાય તો ટેસ્ટિંગ ચાલુ થાય છે નહી તો થાકેલા હારેલા લોકો ઘરે પરત ફરી જાય છે. તો બીજી તરફ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાંથી વેક્સિન ખુટી પડ્યાની પણ બુમો આવી રહી છે.

જો કે સમગ્ર મુદ્દે તંત્ર માત્ર ને માત્ર ઢાંક પીછોડા અને સરકારી જવાનો સિવાય કાંઇ પ્રાપ્ત થતું નથી. અનેક હોસ્પિટલોમાં ઓક્સિજન નથી, અનેક હોસ્પિટલમાં બેડ નથી, અનેક હોસ્પિટલમાં જરૂરી શસ્ત્ર સરંજામ નથી. તેવામાં સરકાર સબ સલામત હોવાની ગુલબાંગો પોકારી રહી છે. જ્યારે નાગરિકો બિનવારસી હાલતમાં રઝળી રહ્યા છે. ગુજરાતમાં હાલ દાખલ થવાથી માંડીને સ્મશામમાં ખાખ થવા સુધી દરેક જગ્યાએ લાંબી લાઇનો છે. સમગ્ર ગુજરાત નોટબંધી બાદ ફરી એકવાર લાઇનમાં લાગ્યું હોય તેવા દ્રશ્યો છે.

બીજી તરફ ટોસિલિઝુમેબ ઇન્જેક્શન પણ નાગરિકોને મળી રહ્યા નથી. જ્યાં મળી રહ્યા છે ત્યાં મેડિકલ માફિયાઓ અથવા તો ખાનગી હોસ્પિટલનાં લૂંટારાઓ બેઠા છે જે નાગરિકોને પાયમાલ કરી નાખે છે. તેવામાં જ્યાં યોગ્ય કિંમતે ઇન્જેક્શન મળી રહ્યા છે તેવા સ્થળે બે કિલોમીટર લાંબી લાઇનો લાગી છે. જો કે ત્યાં દર્દી દાખલ હોય તેવી સ્થિતીમાં જ ઇન્જેક્શન મળે છે. જેથી ત્યાં કલાકો લાઇનમાં ઉભા રહ્યા પછી પરત ફરવું પડે તેવી સ્થિતી છે. જો કે સરકાર સબ સલામતની ગુલબાંગો ફુંકી રહી છે.

કોરોનાથી બચવા માટે વેક્સીન જ એકમાત્ર ઈલાજ છે. કોરોનાનો કહેર વધતા વેક્સીન લગાવવી બહુ જ જરૂરી બની ગઈ છે. વેક્સીનેશન જેટલુ ઝડપી બનશે, એટલુ જ કોરોનાથી બચી શકાય છે. કોરોનાથી બચવા માટે જરૂરી ઈન્જેક્શનની રાજ્યમાં અછત છે, ત્યારે હવે વેક્સીનનો જથ્થો પણ ખૂટી પડી રહ્યો છે. નવસારી જિલ્લામાં બે દિવસથી વેક્સીનનો જથ્થો ખૂટી પડ્યો છે.

નવસારી જિલ્લામાં કોરોના દિવસેને દિવસે બેકાબૂ બની રહ્યો છે. ત્યારે જિલ્લામાં પાછલા 10 દિવસથી કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેને લઈ જિલ્લાનું આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. તો સરકાર વધુમાં વધુ લોકો વેક્સીન લે તે માટેના પ્રયાસો કરી રહી છે. બીજી તરફ નવસારી જિલ્લામાં વેક્સીનનો જથ્થો ખૂટી પડ્યો છે. નવસારી જિલ્લામાં બે દિવસથી જિલ્લામાં વેક્સીનની કામગીરી અટકી જવા પામી છે. ત્યારે વહેલી તકે જિલ્લામાં વેક્સીન ઉપલબ્ધ થાય તે માટે આરોગ્ય વિભાગ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *