પ્રાથમિક શાળા હોય કે માધ્યમિક શાળા હોય શિક્ષક હંમેશા શિક્ષક જ હોય છે. બાળકો વચ્ચે રહી સતત પ્રવૃતિમાં રહેનાર વ્યક્તિ ને ખાલી બેસવાનું કહો તો એને ચેન ના પડે. એક નાનો એવો વિચાર કેવી રીતે બોજા લોકોને પ્રેરણા આપી શકે અને પર્યાવરણ બચાવવા માટે મદદરૂપ થઇ શકે એ માટે રાજકોટ જીલ્લાના શ્રી પી.જે.શેઠ ઉત્તર બુનિયાદી વિદ્યાલય,ઓરી ના શિક્ષક હર્ષદભાઈએ કામ કર્યું છે.
છેલ્લા ૧૫ વર્ષથી હર્ષદભાઈ અને તેમના ધર્મ પત્ની સ્મિતાબેન શાળામાં બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે અને બાળકો શ્લોક અને કાવ્યા પણ કેમ્પસને પોતાનું ઘર ગણી ને રહે છે. કોરોનાના કારણે સમગ્ર જગતની શાળા, કોલેજ અને રોજગાર બંધ કર્યા હતા તે સમયે આ શિક્ષક દંપતી એ વેસ્ટ પ્લાસ્ટિક જેવા કે નાસ્તાના રેપર, દૂધ ની કોથળી વગેરેનો ઉપયોગ કરી રોપા બનાવીને શાળાના બાળકોનો જન્મદિવસ હોય ત્યારે તેમને શાળા તરફથી એક રોપો ભેટ આપવા વિચાર્યું.

એક વિચાર “૭૦૦૦ રોપા બનાવવા” ને સાકાર કરવા માટે આ દંપતી દૂધ ની કોથળી લાવવી તેને કાપવી, પાણીથી ધોઈને સુકાવવી, પ્લાસ્ટીકની કોથળીમાં માટી ભરવી, શાળાના કેમ્પસ અને ગામમાં જેટલા પણ વૃક્ષો છે તેના બીજ એકત્ર કરી તેને માટી ભરેલ કોથળીમાં ચોપવા, અને સમયસર પાણી આપવું વગેરે કરતા. ગામના ખેડૂત વન ભાઈએ પણ પોતાની વાડીની બાજુની નદીમાંથી ટ્રેક્ટર ના ૧૫ ફેરા માટીના શાળામાં નાખી આપ્યા.
ગામડામાં કોરોના નો માહોલ ઓછો હોવાથી ત્યાં લોકડાઉન ની અસર ઓછી હતી મતલબ ત્યાં લોકો ની અવર-જવર બિલકુલ બંધ નહોતી. શાળાની આજુબાજુ તેમજ વાડીમાં રહેતા અમુક વિદ્યાર્થીઓ ફ્રી સમયમાં શાળા એ આવીને આ મહાયજ્ઞ માં પોતાનો નાનો મોટો ફાળો આપ્યો. કામ કરતા બાળકોને ભૂખ પણ લાગે અને થાક પણ લાગે ત્યારે આ શિક્ષક દંપતી બેસીને અનુભવો વાગોળે અને ચા- નાસ્તો પણ કરે.

જેમ સમય જતો ગયો તેમાં લોકો પણ જોડતા ગયા જેના પરિણામે ૩૦૦૦૦ માટી ભરેલ પ્તાસ્લિક બેગ તૈયાર થઇ ગઈ. લોકડાઉન પૂરું થઈને શાળા જલ્દી શરુ થઇ જશે અને વરસાદની સીઝન પૂર્ણ થઇ જશે તો રોપાનો ઉછેર પણ નહિ અને તૈયાર કરેલ માટીની બેગ પડી રહેશે આથી દરરોજના ૮ થી ૧૦ કલાક સખત પરિશ્રમ કરવા લાગ્યા.
આજે શાળા પાસે અંદાજે ૨૦૦૦૦ જેટલા રોપાઓ છે જેમાં લીમડો, મીઠો લીમડો, આંબો, ચાઈનીજ કેટકી, સ્નેક પ્લાન્ટ, ગુંદા, એગ્લોનીમા સ્નેક પ્લાન્ટ, પીપળો, સ્પાઈડર પ્લાન્ટ, સોનમોર, કુરંડા બ્રાઉન, ચમેલી, ટગર, કરંજ, આસોપાલવ, ફોલીસ્યસ, સીતાફળ, જાંબુ, લેમન બ્રાસ, ફુદીનો, ખુફિયા, બીલાડ પૂંછ, ગોલ્ડન કુંરડા, અરડૂસી, એકેલીફા, જાસુદ, ટેકોમસ યલો, રાતરાણી, અરીઠા, લીંબુ, બોગન, સેતુર, બોરસલી, કમળ કેટકી, પારિજાત, બદામ, લીલી કેવડા, સદા બહાર(બારમાસી) વગેરેનો સમાવેશ થાય છે.

આજે શાળામાં જે પણ વ્યક્તિ આવે તેમને ફ્રીમાં રોપા આપવા વિચાર્યું છે. પણ રોપા લઇ જતા લોકો પણ શાળાના બાળકોને વધુ સુવિધા આપી શકાય તેમાટે ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપી જાય છે. આ પૈસા દ્વારા શાળામાં એક ફંડ ઉભું કરવામાં આવશે જે બાળકો માટે વાપરવામાં આવશે અત્યાર સુધીમાં ૨૩૦૦ રૂપિયા એકત્ર થયા છે. આપ પણ જો આ યજ્ઞમાં આપનું કોઈપણ પ્રકારે યોગદાન આપવા માંગતા હો અથવા તેમને શુભેચ્છા આપવા માંગતા હોય તો 92650 09448 પર સંપર્ક કરી શકો છો.
હર્ષદભાઈ અને તેમના ધર્મપત્ની ની આવજો કહેવાની રીત પણ અલગ છે, “આવજો અને બે વૃક્ષ વાવજો” જે આપના જીવનમાં ઉતારવા જેવી છે. આપના આ નવતર પ્રયાસ ને ગુજરાત પેજ વતી ખુબ ખુબ શુભેચ્છાઓ.

By Sanket Savaliya