હોટલ અને બહારનું જમવાનો શોખ ધરાવતા લોકોએ આ ખાસ વાંચવું જોઈએ.

Life Style

એક સમયે ગામડાના માણસો શહેરમાં ખરીદી કરવા જતા ત્યારે બપોરનો સમયે ના છૂટકે સો ગ્રામ ભજીયા ખાવાની હિંમત કરતા અને તે પણ ડરતા ડરતા. કારણ કે મનમાં એવી ગ્રંથિ હતી કે બજારમાં ખાઈએ તો માંદા પડી જવાય. ત્યારબાદ એવો સમય આવ્યો કે કેટલાક લોકો શહેરમાં જાય તો એમને રોકાવું પડતું હતું. આથી નછૂટકે ખાવું પડે. એટલે અન્ય કોઇ ઉકેલ ન હોવાથી એ લોકો હોટલોમાં અથવા લોજમાં જમતા અને એ રીતે લોજમાં જમવાનું જરૂરી બનતું.

પરંતુ આજે હોટલમાં જઇને ખાવું ફેશન બની ગઈ છે. કોઈપણ જાતના કારણ વગર સમગ્ર કુટુંબ ઘરને તાળુ મારી ગાડીમાં ગોઠવાઈને હોટલોમાં જાય છે. ત્યાં જઈને લાઈનમાં બેસે છે અને પોતાનો નંબર આવે ત્યારે પૈસા ખર્ચીને મોંઘા ભાવના ભોજન ખાય છે. આ ભોજનની પડતર કિંમત કરતાં લગભગ પાંચથી સાત ગણી કિંમત વસૂલવામાં આવે છે.

આ ભોજન માત્ર અને માત્ર મસાલાઓના લીધે જ ચટાકેદાર લાગતું હોય છે. બાકી એની અંદરની હકીકતોથી આપણે સૌ સારી રીતે વાકેફ છીએ. અવારનવાર વર્તમાનપત્રોની અંદર રસોડાના સમાચારો ચમકતા જ હોય છે. વ્યવસ્થિત સાફ ન કરવામાં આવતાં વાસણો અને ગંદા ભોંય તળિયા આ બધું સમાચાર પત્રમાં પ્રકાશિત થાય જ છે. પરંતુ આપણે રસોડામાં ક્યારેય જોવા જતા હોતા નથી કે જોવા માંગતા નથી.

આપણે હંમેશા બહાર રહેલા સોફા ઉપર બેસી અને પોતાની જાતને ધન્ય માનીએ છીએ. આનું એક મહત્વનું કારણ એ છે કે આજકાલ અતિથિ ધર્મ એટલે કે મહેમાન ગતિ સદંતર બંધ થઈ ગઈ છે. હવે કોઈના ઘેર મહેમાન તરીકે કોઈ જતું નથી. આથી ભોજનમાં પણ કોઈ પ્રકારનો ચેન્જ આવી શકતો નથી. આથી ભોજનમાં ચેન્જ લાવવાના હેતુથી નાછૂટકે હોટલમાં જવું પડે છે. શું અતિથિ ધર્મ બંધ કરીને આપણે સારું કર્યું છે?

બીજી વાત એ છે કે હોટલોની અંદર વપરાતું અનાજ તેમજ મસાલા એ અત્યંત નિમ્ન કક્ષાના હોય છે. વારંવાર આ પ્રકારનું ખાવાથી પેટમાં પણ ઘણી ગરબડો થતી હોય છે. પેટને હોટલોના ખોરાક સાથે મેળ આવતો નથી. આથી પેટને આ પ્રકારના ભોજનીયા ભાવતા હોતા નથી. પરંતુ નાછૂટકે આરોગવા પડે છે.

ખરેખર તો કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં હોટલમાં જમવાનું બંધ કરવા જેવું છે. આપણા નાના બાળકોને પણ આપણે જાણતા-અજાણતા ઘરના ભોજન કરતાં હોટલનું ભોજન કંઈક સારું છે એવું શીખવી રહ્યા છીએ. એટલે આવા નાના બાળકો પણ મોટા થઈને હોટલોના ભોજન કરતા થઈ જશે. આમ આપણે એમનામાં ખોટા નીતિ મૂલ્ય પણ રોપી રહ્યા છીએ. એટલે કોઈ પણ પ્રકારના સંજોગોમાં ઘરનું ભોજન જ ઉત્તમ છે એ ખ્યાલ બાળકોના મનમાં રોપવાની જરૂર છે.

આજે તો youtube જેવા સાધનોથી આપણે અનેક પ્રકારની રસોઈ શીખીને આપણી રસોઈમાં વૈવિધ્ય લાવી શકીએ છીએ અને રસોઈને કલાનો દરજ્જો પણ આપી શકીએ છીએ. પરંતુ રસોઈ બનાવવા ની ત્રીસ મિનિટ બચાવવા માટે આપણે હોટલમાં જઇને બે કલાક વેડફી આવીએ છીએ અને સાથે પૈસા અને શક્તિ બરબાદ થાય છે તે જુદા. બાળકોમાં ખોટા નીતિ મૂલ્યો રોપાય છે તે જુદા.મને લાગે છે કે હોટલમાં ખાવા અંગે વિચાર કરવાનો સમય પાકી ગયો છે. આભાર..

સૌજન્ય:- કર્દમભાઈ મોદી, પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *