જાણો સહદેવને ક્યાં કારણે મળ્યું હતું ત્રિકાળ જ્ઞાન અને કોણે આપ્યો હતો શ્રાપ?

મહાભારતની ઘણી બધી ઘટનામાં સબંધ અને જ્ઞાન-વિજ્ઞાનના રહસ્યો છુપાયેલા છે. મહાભારતના દરેક પાત્ર જીવંત છે પછી કૌરવ હોય પાંડવ, હોય કર્ણ હોય કૃષ્ણ હોય કે પછી ધુતરાષ્ટ્ર, શિખંડી અને કૃપાચાર્ય હોય. મહાભારત માત્ર યોદ્ધાઓની ગાથા સુધી જ સીમિત નથી. પરંતુ આમાં એવી કેટલીક માહિતીઓ છે કે જેના વિષે તમે નહીં જાણતા હોવ. મહાભારતમાં દરેક વ્યક્તિ રહસ્યમય હતા. આજે આપણે વાત કરવાની છે ‘સહદેવ’ વિશે, અને તેની પાસે રહેલા ‘ત્રિકાળ જ્ઞાન’ વિશે.

સહદેવ એટલે કે 5 પાંડવોમાના 1 પાંડવ. તે પાંડુપુત્ર કહેવાતા પણ તમને જાણીને નવાઈ લાગશે કે ખરેખર એ પાંડુના પુત્રો નહોતા. પાંડુને એવો શ્રાપ મળેલો કે, જો તે સ્ત્રી સાથે સહવાસ કરશે તો તે મૃત્યુ પામશે. પાંડુના લગ્ન કુંતી સાથે થયા. કુંતીને પુત્ર પ્રાપ્તિનો મંત્ર આવડતો હતો. કુંતીએ મંત્રોના જાપ દ્વારા દેવોની મદદથી યુધિષ્ઠિર અર્જુન અને ભીમ એમ ત્રણ પુત્રોને જન્મ આપ્યા. અને લગ્ન પહેલા તેમણે આ મંત્રથી સૂર્યદેવની આરાધનાથી એક પુત્ર પ્રાપ્ત થયો હતો જેનું નામ કર્ણ હતું.

પાંડુની બીજી પત્ની હતી ‘માદ્રી’. કુંતીએ પુત્રપ્રાપ્તિનો મંત્ર માદ્રીને પણ શીખવ્યો, અને માદ્રીએ અશ્વિનીકુમારની આરાધના કરીને બે પુત્રોની પ્રાપ્તિ કરી. તે પુત્રો હતા નકુલ અને સહદેવ. આમ કુંતીના કર્ણ સહિત ચાર પુત્રો અને માદ્રીના બે પુત્રો અને કુલ છ ભાઈઓ હતા. એમાંથી સહદેવ પાંડવોમાં સૌથી નાનો ભાઈ હતો.

માદ્રીએ અશ્વિનીકુમારની આરાધનાથી આ બે પુત્રોને જન્મ આપ્યા હતા. તો પહેલા આપણે અશ્વિનીકુમાર વિષે જાણી લઈએ કે, જે કોણ હતા. હિંદુ ધર્મના 33 પ્રકારના દેવતાઓ છે. તેમાંના આ દેવતાઓ એટલે અશ્વિનીકુમાર જેને અશ્વિનીના જુડવા પુત્ર માનવામાં આવતા હતા. તેમાં પહેલાનું નામ નાસત્ય અને બીજાનું નામ દસ્ત હતું. જ્યારે નકુલ અને સહદેવ નો જન્મ થયો હતો ત્યારે આકાશવાણી થઈ કે શક્તિ અને રૂપથી ભરપૂર આ બંને ભાઈઓ સ્વયં જુડવા અશ્વિનીકુમારો થી પણ વધારે શક્તિશાળી હશે.

પાંડુ પત્ની માદ્રીના જુડવા પુત્રોનું નામ સહદેવ નકુલ હતું. સહદેવ આકાશવાણીમાં જણાવ્યા મુજબ શક્તિશાળી હતા. સહદેવ પશુપાલન શાસ્ત્રો તથા ચિકિત્સામાં નિપુણતા ધરાવતા હતા. અજ્ઞાતવાસ દરમિયાન સહદેવે પણ વેશપલટો કરીને મહારાજ વિરાટને ત્યાં પશુઓની દેખરેખનું કામ કર્યું હતું. તેઓ ગાયો ચરાવવાનું પણ કામ કરતાં હતાં તેમજ સહદેવ એક સારા એવા રથ યોધ્ધા પણ હતા. એવું માનવામાં આવે છે કે સહદેવ તેમના મૃત્યુ સમયે 105 વર્ષના હતા.

સહદેવે ગુરુ દ્રોણાચાર્ય પાસેથી ધર્મશાસ્ત્ર ચિકિત્સા તેમજ જ્યોતિષ વિદ્યા શીખી હતી. સહદેવને કુલ ચાર પત્નીઓ હતી. દ્રોપદી, વિજ્યા, ભાનુમતિ અને જરાસંધ કન્યા.

તમને એ જાણીને નવાઇ લાગશે કે 5 પાંડવોમાંથી સૌથી વધુ ચમત્કારીક શક્તિ સહદેવ પાસે હતી. તે ત્રિકાળજ્ઞાની હતા એટલે કે તે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ત્રણે કાળનું જ્ઞાન ધરાવતા હતા. તે ભવિષ્યમાં થનારી દરેક ઘટના પહેલેથી જાણી શકતા હતા. તે જાણતા હતા કે યુદ્ધ થવાનું છે અને તેમાં કોણ કોને મારશે. પણ તેમને એવો શ્રાપ હતો કે તે આ જ્ઞાન વિશે કોઈને કહી શકશે નહીં.

સહદેવના પિતા પાંડુ પોતે ખૂબ જ શક્તિશાળી હતા. પરંતુ પાંડુપુત્રો પાડુંના સહવાસથી મેળવેલા ન હતા તેથી પાંડુ રાજાની શક્તિઓ પાંડવોમાં ન હતી. પરંતુ પાડું રાજા એવા ઈચ્છતા હતા કે તેમની શક્તિ પાંડવોને મળે. પાંડુ રાજા દ્વારા અમુક વિધિથી પાંડવોને અમુક શક્તિઓ મળી જેમાંથી સહદેવને પણ આ ત્રિકાળજ્ઞાન ધરાવવાની શક્તિ મળી છે તેમ કહેવાય છે.

અમુક લોકોનું એવું માનવું છે કે, પાંડવોએ તેમના પિતાના મૃત્યુ બાદ તેમના શરીરનું માંસ ખાધું હતું એટલે તેમનામાં પાંડુ રાજાની તાકાત આવી. પણ અમુક લોકોનું માનવું છે કે, તે વખતે માંસાહાર થતો ના હતો એટલે તે લોકો આ વાતને માનતા નથી. અને તે પણ કહે છે કે, કોઈ પુત્ર આવું કૃત્ય ના કરી શકે અને તે પણ મહા જ્ઞાની યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ અને સહદેવ જેવા ધર્મના જાણકારો તો આવું કરી જ ના શકે. તેથી લોકો આ વાત માનવા તૈયાર નથી. પણ સહદેવને પાંડુ રાજા દ્વારા ત્રિકાળજ્ઞાન થયું હતું તેવી વાતને સૌ લોકો પ્રાધાન્ય આપે જ છે.

જયારે સહદેવને ત્રિકાળજ્ઞાનનું જ્ઞાન થયું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને ખબર પડી, અને ભગવાન શ્રી કૃષ્ણને ભવિષ્ય કાળ વિશે થોડી શંકા પેદા થઇ, અને તેમણે સહદેવને શ્રાપ આપ્યો કે તું તારા આ જ્ઞાન વિશે કોઈને પણ સામેથી જણાવી શકીશ નહિ, જો તે માણસ તને પૂછે તો જ તું તેને જણાવી શકીશ. આવો શ્રાપ સહદેવ માટે ખુબ જ દુઃખ દાયી સાબિત થયો, કેમ કે તેને ભવિષ્યનું બધું જ્ઞાત હતું, પણ તે કોઈને કહી શકતા ના હતા. જો કોઈ સામેથી પૂછે તો જ તે કઈ કહી શકવા સમર્થ હતા.

આવો શ્રાપ મેળવીને સહદેવ ત્રીકાળજ્ઞાની હોવા છતાં તેનું જ્ઞાન કોઈને પણ જણાવી શકતા ના હતા.આવું ભવિષ્યનું જ્ઞાન ધરાવતા હતા તો પણ તે આવું મહા વિનાશક મહાભારતનું યુદ્ધ ના રોકી શક્યા. મહાભારતનું યુદ્ધ રોકવા માટે તેનું આ ભવિષ્યનું જ્ઞાન કાંઈ કામમાં આવ્યું નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarat Live