તમે પાંચસો રૂપિયાનો એક સ્ટૅમ્પપેપર મગાવીને દસ્તાવેજ કરી શકો છો કે તમે ‘સુખી’ છો ?

Spiritual

એક સવારે આંખ ખૂલે, ત્યારે તમને ખબર પડે કે હવે તમારી પાસે સાત દિવસ છે… જીવવા માટે!

છેલ્લા સાત દિવસ… અને જો તમને એમ લાગે કે તમારે આ સાત દિવસ ખુશી-આનંદથી, મજા કરીને, શાંતિથી વિતાવવા છે. કોઈ જિજીવિષા, કોઈ ઇચ્છાઓ, કોઈ ઝંખનાઓ એવી નથી, જે પૂરી નહીં થાય તો આ શરીર છોડવાનું અઘરું બની જશે… જો તમને એમ લાગે કે તમે જે જીવ્યા છો તે ભરપૂર જીવ્યા છો. જો તમને એમ લાગે કે તમારી આસપાસ જે કોઈ છે તે સહુને તમે પૂરા હૃદયથી ચાહ્યા છે, તમે કોઈની સાથે અન્યાય નથી કર્યો, તમારાથી આપી શકાય તે બધું જ તમે આ જગતને આપ્યું છે… તો… તમે પાંચસો રૂપિયાનો એક સ્ટૅમ્પપેપર મગાવીને દસ્તાવેજ કરી શકો છો કે તમે ‘સુખી’ છો.

‘સુખ’ એટલે શું? આવો સવાલ લગભગ દરેક માણસને, દરેક ઉંમરે થતો હોય છે. એક નાના બાળક માટે સુખ એટલે ઢગલો રમકડાં… એક યુવાન માટે સુખ એટલે સગવડો, વૈભવ, કારકિર્દી… એક પ્રૌઢ માટે સુખ એટલે સંતાનો, સારી પત્ની,

સત્તા અને સંપત્તિ… એક વૃદ્ધ માટે સુખ એટલે સ્વાસ્થ્ય, સગવડ અને શાંતિ… એક સ્ત્રી માટે સુખ એટલે સલામતી? કે અઢળક સ્નેહ? દરેક ઉંમરે, માણસે માણસે, દરેક મનમાં ‘સુખ’ની વ્યાખ્યા બદલાય છે. અને છતાંય મોટા ભાગનાને પોતાના સુખમાં કંઈ ખૂટતું હોય એવું લાગે છે. મોટા ભાગના લોકોને લાગે છે કે ‘સામેનો’ માણસ વધુ સુખી છે!

‘સુખ શરીર સાથે જોડાયેલું છે કે મન સાથે?’ આવો સવાલ મને હંમેશાં થતો રહ્યો છે. ભૌતિક સુખોમાં તર-બ-તર માણસો દુ:ખી હોવાની ફરિયાદ કરે, તો જેની પાસે શાંતિ, સ્નેહ અને સલામતી હોય એવા લોકો સગવડો અને સંપત્તિઓ ખૂટતી હોવાની ફરિયાદ કરતા જોવા મળે છે! ‘સુખ’ એટલે અભાવની ગેરહાજરી? ‘સુખ’ એટલે સત્ય બોલવાની હિંમત? કશુંય ગુમાવવાનો ભય છોડીને જીવી શકવાની સહજતા! ‘સુખ’ એટલે સ્વતંત્રતા? ફાવે તે કરવાની કે મનગમતું જીવવાની છૂટ?

‘સુખ’ એટલે જે છે તેનો આનંદ… અને જે નથી તેને વિશે અફસોસ નહીં કરવાની આવડત?

આજે વાચકોના અઢળક પ્રેમ અને લોકપ્રિયતાના ‘લેબલ’ સાથે જિંદગીના ચાર દાયકાથી વધુ સમય જીવીને જ્યાં ઊભી છું ત્યાં મને એવું સમજાયું છે કે ‘સુખ’ એ તદ્દન અંગત લાગણી છે. સામેની વ્યક્તિને આપણા સુખ સાથે કોઈ સંબંધ જ નથી… ઈર્ષ્યાનો પણ નહીં! જે ક્ષણે આ સત્ય સમજાય છે એ ક્ષણે જિંદગીના બધા જ સવાલોના જવાબો આપોઆપ પોતપોતાના ખાનામાં ગોઠવાવા લાગે છે. તમે જે મેળવવા માટે દોડતા રહ્યા હો — લગભગ હાંફી જાવ ત્યાં સુધી હાથ લંબાવી લંબાવીને, બૂમો પાડીને, આંખમાં આંસુ સાથે જે માગતા રહ્યા હો એ બધી જ વસ્તુનો તમારી સામે ઢગલો થાય, છતાંય તમને આંખ ઉઠાવીને એના તરફ જોવાનીય ઇચ્છા ન થાય એવી સ્થિતિ આવી જતી હોય છે… આ સ્થિતિને સુખ કહેવાય કે નહીં એની મને ખબર નથી, પરંતુ એ સ્થિતિ આવે છે ત્યારે એટલું ચોક્કસ સમજાય છે કે અત્યાર સુધી જે જીવ્યા, એ બધું જ કુલ મળીને સરવાળે સુખ, અને ફક્ત સુખ જ હતું. નજર પર એક ચશ્માં હતાં — જરૂરતોનાં, છે એનાથી વધારે મેળવવાનાં, જે નથી તે પામવાનાં…

સમયે આ ચશ્માં ઉતારી નાખ્યાં ત્યારે સમજાયું કે સુખ તો નજરમાં જ હતું. આંખની આગળ એક પડ હતું, જેણે નજરને સાચું જોવા દીધું જ નહીં, કદાચ! આજે લાગે છે કે સુખ એટલે મન સાથેની મિત્રતા — એવી મિત્રતા જેમાં સંપૂર્ણ સ્વીકાર હોય. ગમા-અણગમા વગરની એક એવી મન:સ્થિતિ જેમાં સાક્ષીભાવે બનતી ઘટનાઓને જોઈ શકાય. આનો અર્થ એવો નથી કે આંખમાં આંસુ ન આવે… આનો અર્થ એવો પણ નથી કે ગુસ્સો ના આવે… એવો પણ નહીં જ કે કશું મળે ત્યારે એની કિંમત ન હોય કે મેળવવાની ઇચ્છા ન જાગે… હું જે મન:સ્થિતિની વાત કરું છું એ હરિવંશરાય બચ્ચનના શબ્દોમાં કહીએ તો, ‘મન કા હો તો અચ્છા, મન કા ન હો તો ઓર ભી અચ્છા.’

‘મારા સુખ’ની વાત કરતી હોઉં ત્યારે મારે એક નજર મારા અભાવો પર નાખવી પડે. અંધારાને યાદ કરીએ ત્યારે જ અજવાળાનું મૂલ્ય વધુ સ્પષ્ટતાથી સમજાય છે. ક્યારેક વિચારીએ તો સમજાય કે જો અંધારું ઓળખાયું જ ના હોત તો આજનું અજવાળું આટલું રૂપાળું લાગ્યું હોત? મારા ઉછેરથી શરૂ કરીને મારી જિંદગીના ચાર દાયકા એક રોલરકોસ્ટર રાઇડ જેવા રહ્યા… ક્યારેક ઉપરની તરફ સડસડાટ ચડતી ટ્રોલી, તો ક્યારેક તમને ‘અપસાઇડ ડાઉન’ કરીને ગભરાવી મૂકે એવો સમય.

બાળપણમાં લાગતું હતું કે મિત્રો પાસે વધારે વસ્તુઓ છે… એમનું કુટુંબજીવન મારા કરતાં જુદું છે. એમની મમ્મીઓ એમને માટે જે કંઈ કરે છે એવું તો કંઈ મારા માટે થતું નથી! મારા બાપુ સાંજે ઘરે આવતા નથી. અમે દર રવિવારે ફરવા જતાં નથી. ચોથા ધોરણમાં મને વિમાનમાં એકલી બેસાડીને મુંબઈ મોકલી દેવાઈ હતી — ‘ડર’ સાથે મારી ઓળખાણ થઈ જ નહીં. ‘દીકરી’ તરીકે મારા ઉછેરમાં જે કંઈ ‘જુદું’ હોવું જોઈએ એવું મારી સાથે થયું નહીં. ‘છોકરી’ અથવા ‘ભવિષ્યની સ્ત્રી’ તરીકે મને કોઈએ અમુક—તમુક વાતો શીખવી જ નહીં! આને કારણે એવું થયું કે મારી ‘સુખ’ની વ્યાખ્યાઓ આજે પણ બીજી સ્ત્રીઓ કરતાં જુદી છે! પતંગ, દુપટ્ટા, રમકડાં, રંગો કે ફટાકડાને બદલે મને પુસ્તકો આપવામાં આવ્યાં. એ વખતે મારી વ્યાખ્યા ‘વસ્તુઓ એટલે સુખ’ એવી હતી કદાચ! એટલે અભાવ સુખ ને દૂર ધકેલતો રહ્યો.

યુવાનીમાં, સંબંધોની શોધમાં… ‘પ્રેમ’ને પામવા માટે ખૂબ પ્રયાસ અને પ્રવાસ કર્યો. હાંફી જવાય એવી દોડ, પગ છોલાઈ જાય એવા રસ્તા અને શોષ પડે એવી તરસ સાથે જાણીતા-અજાણ્યા, સમજાય તેવા — ન સમજાય તેવા રસ્તાઓ પર ખૂબ ભટકી ત્યારે ‘સુખ’ની વ્યાખ્યા સંબંધોથી શરૂ થઈને, સંબંધોમાં જ પૂરી થઈ જતી હતી. ‘કોઈ’ મને સુખી કરી શકશે એવા ભ્રમ સાથે મેં ઘણા દરવાજા ખખડાવી જોયા. કેટલાક ખૂલ્યા ને કેટલાક બંધ રહ્યા… કેટલાકની ડોકાબારીઓ ઊઘડી, તો કેટલાક ખૂલેલા દરવાજામાંથી પ્રવેશીને મેં એ ઘરોની મુલાકાત લીધી… કેટલાંક ઘરોમાં વસી જોયું. પણ, મારી સૂટકેસ ક્યારેય ખાલી કરી જ નહીં! આગળ પ્રવાસ કરવાનો છે એવી મને ખબર હશે?

પલાંઠી વાળીને… ‘હવે અહીંથી ક્યાંય નથી જવાનું’ એવી નિરાંતથી હું ક્યાંય ગોઠવાઈ શકી જ નહીં. આને માટે મારા પ્રવાસમાં મને મળેલા સહપ્રવાસીઓને દોષ દેવાને બદલે મારી અંદરના ઉચાટ અને અભાવને જ જવાબદાર ઠેરવવાનું આજે મને વધારે યોગ્ય લાગે છે. એમ કહેવાય છે કે કેટલાકના પગમાં ચક્કર હોય છે… મેં ક્યારેય મારાં તળિયાં તપાસ્યાં નથી, મારા પગમાં પણ એક આવું ચક્કર હશે એમ માનું છું! હસ્તરેખા ઘણી વાર તપાસી છે. ઉકેલતાં નથી આવડતી તેમ છતાં મારી હસ્તરેખાને મેં સમયસમયાંતરે બદલાતી જોઈ છે… જે રેખાઓ અધૂરી લાગતી હતી એ ધીમેધીમે જાણે પોતાના નિશ્ચિત મુકામે પહોંચીને પૂરી થતી હોય એવું હવે અનુભવી શકું છું, આને સુખ કહેવાય?

‘લગ્ન’ નામના શબ્દ સાથે મારા મનમાં રોમૅન્ટિક કલ્પનાઓ કરતાં વધારે સલામતી જોડાયેલી હતી. કોઈ એક માણસ તમારી પૂરેપૂરી જવાબદારી લઈ લે એનું નામ ‘પતિ…’ આવા કોઈક હિન્દી સિનેમા અને નવલકથાઓએ મારા મનમાં રોપેલા ભ્રમ સાથે મેં ‘લગ્ન’ના વિસ્તારમાં દાખલ થવાનું નક્કી કર્યું. લગ્ન મને ‘સુખ’ આપશે એવી મને ખાતરી હતી, પરંતુ કાચી સમજને કારણે એવો ખ્યાલ નહોતો કે એ.ટી.એમ.માંથી તો જ પૈસા મળે, જો તમે ખાતામાં જમા કરાવ્યા હોય. ડૅબિટકાર્ડ ત્યાં સુધી જ વાપરી શકાય, જ્યાં સુધી તમારા ખાતામાં બૅલેન્સ હોય…

જમા કરાવવાના નામે કદાચ મેં કશું નહીં જ કર્યું હોય… એટલે, એક દિવસ મારું ડૅબિટકાર્ડ રિજેક્ટ થઈ ગયું. દુ:ખ થયું, પણ સત્ય સમજાયું એનો આજે આનંદ છે. બીજી વ્યક્તિ આપણને સુખી કરી શકશે એવી અપેક્ષા સાથે જે સંબંધમાં દાખલ થઈએ એ સંબંધને આપણે અજાણતાં એટલો અધિકાર આપી દઈએ છીએ કે એ વ્યક્તિ આપણને ઇચ્છે ત્યારે દુ:ખી કરી શકે… કોઈ આપણું ધ્યાન રાખે, કોઈ આપણી ઇચ્છા પૂરી કરે, કોઈ આપણને સમજે, કોઈ આપણને વહાલ કરે એવી ઇચ્છા રાખવાનો આપણને સહુને અધિકાર છે, પણ આવી ઇચ્છા રાખતી વખતે આપણે બધા કન્વિનિયન્ટલી ભૂલી જઈએ છીએ કે સામેની વ્યક્તિને પણ આ જ બધી ઇચ્છાઓ હોઈ શકે!

લગ્ન પાસેથી શું જોઈએ છે અને હું લગ્નને શું આપી શકું એમ છું એ સમજ આવી ત્યાં સુધીમાં ‘લગ્ન’ પૂરું થઈ ગયું… એ શબ્દની બહાર નીકળીને પણ અમે ઉત્તમ મિત્રો તરીકે સાથે રહીએ છીએ. સારાં માતાપિતા છીએ અને ‘જીવનસાથી’ શબ્દને હજી સુધી તો વળગી રહ્યાં છીએ. આ સમજને ‘સુખ’ કહેવાય?

શબ્દનો હાથ પકડીને પહેલું ડગલું ભર્યું ત્યારથી શરૂ કરીને સાદી ભાષામાં જેને ‘સફળતા’ કહેવાય ત્યાં સુધી પહોંચવામાં મારી સાથે રહેલા બધા જ સહપ્રવાસીઓ સાથેના મારા સંબંધો ઘણા ઊબડખાબડ રસ્તેથી પસાર થયા છે. મારી તમામ વિચિત્રતાઓ, અસલામતીઓ, પ્રશ્નો અને પીડાઓમાંથી પસાર થતી વખતે સૌએ મને સાચવી લીધી. પગ પછાડીને કરાયેલી મારી માગણીઓને એમણે યથાશક્તિ—મતિ પૂરી કરી… આ એવા લોકો છે, જેમને હું સ્નેહી કહી શકું, સ્વજન કહી શકું, પ્રિયજન પણ કહી શકું… કશું ન પણ કહું તોપણ એ મારા માટે બહુ જ અગત્યના છે. મિત્રો છે — સખીઓ છે, સાથીઓ છે અને સહપ્રવાસીઓ છે… દરેક શહેરમાં એક ઘર ઊભું થઈ શક્યું છે. અનેક આંખોમાં હું પહોંચું ત્યારે આવકાર, નહીં તો મારી પ્રતીક્ષા અનુભવી શકું છું. ટેલિફોન પર ‘આઈ મિસ યુ’ કહેનારા મને મારા અભાવોમાંથી એક ઝાટકે બહાર ખેંચી કાઢે છે. આંખ મીંચું તો સડસડાટ પસાર થઈ જાય એવા અનેક ચહેરાઓની હાજરી મારી જિંદગીને ભરી દે છે! એને ‘સુખ’ કહેવાય?

આર્થિક સ્વતંત્રતા, પ્રસિદ્ધિ, મારા નામે ઘર કે ગુજરાતી લેખક પાસે ભાગ્યે જ હોય એવી લાઇફસ્ટાઇલ પછી આજે જ્યાં ઊભી છું ત્યાંથી પાછળ વળીને જોઉં છું તો સમજાય છે કે હું જ્યારે જ્યારે મારી રોલરકોસ્ટર રાઇડમાંથી નીચે પડી ત્યારે ત્યારે કોઈ એક વ્યક્તિ કુશન લઈને પહેલેથી જ ત્યાં ઊભી હતી!

જેટલી વાર હું ધ્રુસકે ધ્રુસકે રડી એટલી વાર કોઈ એક ખભો — કેટલીક વાર એકથી વધારે, મને માથું મૂકવા માટે મળ્યા જ છે! જ્યારે મને લાગ્યું કે હું એકલી છું… એ ખરી બપોર હોય કે અડધી રાત… ટેલિફોન પર કે આંખમાં આંખ નાખીને, મારો હાથ પકડીને કે મને ખોળામાં માથું મુકાવીને… મને વહાલથી ભેટીને કે મારા વાળમાં હાથ ફેરવીને મને ‘અસહ્ય’ લાગતી મારી સમસ્યાને સાંભળનારી… એમને સમજાય તેવો ઉકેલ આપનારી, મને ચાહનારી વ્યક્તિઓ કાયમ મારી આસપાસ હતી. આજે પણ છે! એને ‘સુખ’ કહેવાય?

મારી નવલકથા ‘કૃષ્ણાયન’માં મેં કૃષ્ણના જીવનના છેલ્લા કલાકો વિશે લખ્યું છે… ‘કોઈ પણ માણસ જે આટલું અદ્ભુત જીવ્યો હોય, આટલી બધી ઘટનાઓ અને જીવનના સડસડાટ વહેતા પ્રવાહ સાથે વહીને જીવ્યો હોય એ માણસ જ્યારે દેહ ત્યાગે ત્યારે એની લાગણી કેવી હોય? શું એ ફરી પાછો વળીને પોતાના ભૂતકાળને એક વાર જોતો હશે? જિવાઈ ગયેલા જીવન સાથે કોઈ ફેરબદલ કરવા માગતો હશે? એને આ જ જીવન ફરી જીવવાનું કહેવામાં આવે તો એ આ જ રીતે જીવે કે જુદી રીતે?’ આજે મને એક સવાલ થાય છે કે કોઈ મને ‘ઇવાન ઓસોકિન’ ની જેમ ફરી જીવવાનું કહે તો હું આવું જ જીવું? જવાબ છે — હા.

મને જો એમ કહેવામાં આવે કે હવે મારી પાસે જિંદગીના થોડાક જ — છેલ્લા કલાકો છે તો હું મારી ઓફિસમાં જઈને મારી છેલ્લી નવલકથાનું છેલ્લું પ્રકરણ પૂરું કરવાનું પસંદ કરું. મારાં બધાં જ બુકકવર ફાઇનલ કરી નાખું અને મારા ચાલુ ડેઇલી સોપના આવતા મહિનાના શેડ્યૂલના વીસ હપતા તો પૂરા કરી જ નાખું! જેટલા લોકોને મારે ‘થેંક યુ’, ‘આઈ લવ યુ’ કે ‘સોરી’ કહેવાનું બાકી છે, એ બધાને ફોન પર કે રૂબરૂ કહી દઉં.

અને, એક વાર મારાં મા-બાપને, મારાં સાસુ-સસરાને, સંજય અને તથાગતને કહું, ‘તમને મેળવીને મેં સતત સુખ જ મેળવ્યું છે. તમને જે જોઈતું હતું એ આપી શકી છું કે નહીં એની મને ખબર નથી, પરંતુ તમે જેને ‘સુખ’ કહી શકો તે આપવાનો મેં સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. આપણી વ્યાખ્યાઓ જો એક નહોતી તો એ માટે આપણે કોઈ જવાબદાર નથી!’ હવે ‘મારું સુખ’ હું જે કરું છું તેમાં છે… જે ક્ષણે જ્યાં હોઉં છું ત્યાં જ હોય છે… હું જેને મળું છું તે સહુ મને સુખી કરે છે… જે જીવું છું એનું નામ ‘સુખ’ રાખતાં હવે મને આવડી ગયું છે.

લેખક સૌજન્ય:- કાજલબેન ઔઝા વૈધ

Leave a Reply

Your email address will not be published.