નક્કામું સમજવાની ભૂલ ન કરતા આ ઘાસને, છે ખુબજ શક્તિશાળી ગુણોથી ભરપૂર…..

Life Style

જીવનમાં ક્યારેય કોઈ વસ્તુને નિમ્ન ન ગણવી જોઈએ. ઈશ્ર્વરે બનાવેલ પ્રત્યેક વસ્તુ ખજાનાનો ભંડાર ગણાય છે. આપણા વડીલો વારંવાર કહેતા કે ક્યારેય કોઈનું અપમાન ન કરવું કે કોઈ ચીજ કામની નથી તેમ બોલવું પણ નહીં. ક્યારે તે માનવી માટે અતિ-આવશ્યક કે ઉપયોગી બની જાય તે કહી શકાય નહીં. સામાન્ય રીતે અનેક લોકો એવું સમજતા હોય છે કે ‘લીલુંછમ ઘાસ કે ચપટી ધૂળની તો શું જરૂર પડવાની! વાત તો સાચી છે, પણ જ્યારે લીલા ઘાસની અંદર કુદરતે અદ્ભુત સોડમ ભરી હોય ત્યારે તેની કદર તો કરવી જ રહી. ચાલો આજે એક એવા ઘાસની વાત આપણે કરવી છે જેને સૂંઘવાથી મન-મસ્તિષ્ક તરોતાજા બની જાય છે. આ ઘાસનું નામ છે ‘લીંબુ ઘાસ’. જી હાં, લીંબુ ઘાસ. આ ઘાસને અંગ્રેજીમાં ‘લેમન ગ્રાસ’ કહેવામાં આવે છે. લીંબુ જેવી આહલાદ્ક સુગંધને કારણે તેને લીંબુ ઘાસ કે લેમન ગ્રાસ તરીકે ઓળખવામાં આવે છે.

આરોગ્યવર્ધક ગુણોનો ખજાનો સમાયેલો હોવાને કારણે આજકાલ આહારતજ્જ્ઞો તથા આરોગ્ય વિશેષજ્ઞો ‘લેમનગ્રાસ’નો ઉપયોગ છૂટથી કરવાની સલાહ આપતા હોય છે. લેમનગ્રાસની અપ્રતિમ સોડમને કારણે નાની-મોટી પ્રત્યેક વ્યક્તિ તેની દીવાની બનતી જાય છે. અનેક લોકોએ તો લેમનગ્રાસને પોતાના ઘરના બગીચામાં કે બાલ્કનીમાં પણ વાવવાની શરૂઆત કરી દીધી છે. તેનું મુખ્ય કારણ ઘરની શોભા વધારવાની સાથે તબિયતની પણ સંભાળ લેવાઈ જાય છે. ઔષધીય ગુણોનો ભંડાર હોવાને કારણે ઘણા લાંબા સમયથી દેશ-વિદેશમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

લેમનગ્રાસમાં આયર્ન, વિટામિન સી, વિટામિન એ, ફૉલેટ એસિડ, ફોસ્ફરસ જેવાં સત્ત્વ સમાયેલાં છે. તો વળી એન્ટિફંગલ, ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી, ઍન્ટિ-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે કૅન્સર જેવી બીમારીમાં પણ તે ગુણકારી ગણવામાં આવે છે. વળી તેનો છોડ ઘરમાં હોવાને કારણે મચ્છરોના ત્રાસથી પણ બચી શકાય છે. લેમનગ્રાસમાંથી તેલ પણ બનાવવામાં આવે છે જેનો ઉપયોગ સૌંદર્ય ઉત્પાદનોમાં છૂટથી કરવામાં આવે છે. દક્ષિણ-પૂર્વી એશિયામાં લેમનગ્રાસ મોટા પ્રમાણમાં ઊગતું જોવા મળે છે. સામાન્ય ઘાસથી તેની લંબાઈ વધુ હોય છે. વળી તેમાં સુગંધ સમાયેલી હોય છે. ચા બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચા બનાવતી વખતે લાંબા ઘાસને એક ઈંચના ટુકડામાં કાપીને પાંચથી છ ટુકડા ઊકળતા પાણીમાં ભેળવવાથી તેની સોડમ ચામાં આસાનીથી ભળી જાય છે. ચાનો સ્વાદ મનને તરોતાજા કરી દે છે.

લેમનગ્રાસની ખેતી દક્ષિણ ભારતમાં કેરળ, કર્ણાટક, તામિલનાડુમાં જોવા મળે છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાંચલ તથા મહારાષ્ટ્રમાં પણ પુષ્કળ પ્રમાણમાં તેનો પાક લેવામાં આવે છે. અરુણાચલ પ્રદેશ તથા સિક્કિમમાં પણ તેની ખેતી કરવામાં આવે છે. હાલમાં ભારતમાં કુલ 3000 હૅક્ટરમાં લેમનગ્રાસની ખેતી કરવામાં આવે છે.

વાર્ષિક 300-350 ટન પાક મળી રહ્યો છે. તેનો પાક ફક્ત 100 દિવસમાં તૈયાર થઈ જાય છે. ઘરમાં તેને આસાનીથી ઉગાડી શકાય છે. તેના છોડને પૂરતા પ્રમાણમાં પાણી મળે તે જોવું જોઈએ. નાઈટ્રોજનયુક્ત ખાતર લેમનગ્રાસ માટે શ્રેષ્ઠ ગણાય છે.

લેમનગ્રાસની મુખ્યત્વે બે જાતિ જોવા મળે છે – ઈસ્ટ ઈન્ડિયન તથા વેસ્ટ ઈન્ડિયન. ઈસ્ટ ઈન્ડિયન ઘાસની ડાળી સહેજ લાલાશ પડતી હોય છે, જ્યારે વેસ્ટ ઈન્ડિયન ઘાસની ડાળી વધુ લીલાશ પડતી જોવા મળે છે. ઈસ્ટ ઈન્ડિયન લેમનગ્રાસનું વૈજ્ઞાનિક નામ સીમ્બોપોગોન ફ્લેક્ષુઓસસ (Cymbopogon flexuosus) છે, જ્યારે વેસ્ટ ઈન્ડિયન લેમનગ્રાસનું વૈજ્ઞાનિક નામ સીમ્બોપોગોન સાઈટ્રેટસ (Cymbopogon citratus) છે.

લેમનગ્રાસ બહુવર્ષાયુ સુગંધિત ઘાસ છે. લેમનગ્રાસમાં જમીનમાથી વર્તુળાકારે પીલામાંથી નવા રોપા ફૂટ્યા કરે છે, જેથી તેનો ઘેરાવો વધે છે. લેમનગ્રાસ સામાન્ય રીતે ચારથી પાંચ ફૂટ સુધી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. પાન સાદાં, લાંબાં ચાબુક આકારનાં હોય છે. પાનની પહોળાઈ એકાદ ઈંચ જેટલી હોય છે. લેમનગ્રાસના પુષ્પો સૂક્ષ્મ, અગ્રભાગે શાખિત શુક્કીકામાં આવે છે. બીજ સૂક્ષ્મ હોય છે.

પાચનશક્તિ વધારે છે:- લેમનગ્રાસને ઉકાળીને તેની ચા પીવાથી પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે. તેનું મુખ્ય કારણ લેમન ગ્રાસમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ ગુણ હોવાને કારણે ઑક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. પેટમાં અલ્સર કે અન્ય તકલીફ રોકવામાં મદદ કરે છે.

કિડની માટે ગુણકારી:- લેમનગ્રાસમાં મૂત્રવર્ધક ગુણ (ડાયયુરેટિક પ્રોપર્ટીઝ)સમાયેલા છે. લેમનગ્રાસનો ઉકાળો કે તેની ચાનું સેવન કરવાથી વારંવાર પેશાબ કરવાની ઈચ્છા થતી હોય છે જે કિડની માટે ગુણકારી ગણાય છે. વળી ચાનું સેવન કરવાથી પેશાબ વાટે શરીરમાં રહેલ વિષાણુ બહાર નીકળી જાય છે. પથરીની સમસ્યા હોય તો લેમનગ્રાસની ચા પીવાથી ફાયદો થાય છે.

માનસિક તાણમાં લાભકારી:- આજકાલ માનસિક તાણને કારણે લગભગ 90 ટકા લોકો પરેશાન જોવા મળે છે. માનસિક તાણથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય એટલે કે શરીરને પૂરતા પ્રમાણમાં મેગ્નેશિયમ મળતું રહે. 100 ગ્રામ લેમનગ્રાસમાં 60 મિલિગ્રામ મેગ્નેશિયમની માત્રા સમાયેલી છે. લીંબુ ઘાસમાંથી બનાવેલા તેલનો ઉપયોગ અરોમા થેરપી તરીકે કરીને માનસિક તાણથી બચી શકાય છે.

ખીલની તકલીફમાં લાભદાયક:- પ્રત્યેક વ્યક્તિને પોતાનો ચહેરો બેદાગ હોય તેવું ગમતું હોય છે. ફાસ્ટ ફૂડ તથા ઉજાગરાને કારણે આજકાલ યુવાનીમાં ચહેરા ઉપર ખીલ કે નાની નાની ફોડલી ઊપસી આવવાનું પ્રમાણ વધતું જોવા મળે છે. તેનું મુખ્ય કારણ સ્વયંની સંભાળ લેવામાં બેદરકારી પણ ગણી શકાય. લેમનગ્રાસમાં ઍન્ટિ ફંગલ, ઍન્ટિ બૅક્ટેરિયલ ગુણ સમાયેલા જોવા મળે છે. જે મુખ્યત્વે ત્વચા ઉપર જોવા મળતા ખીલ-મુહાસો કે ત્વચાને કીટાણુથી બચાવવામાં મદદ કરે છે.

લેમનગ્રાસ-લીલા સફરજનનું પીણું બનાવીને પીવાથી ગજબના ફાયદાઓ જોવા મળે છે.

સામગ્રી: 1 નંગ લીલું સફરજન, 2 ડાળી લેમનગ્રાસ, 3 ચમચી મધ, એક નાની વાટકી ફુદીનાનાં પાન, એક લીંબુનો રસ, સંચળ સ્વાદાનુસાર, ખાંડ 1 નાની વાટકી, બરફના ટુકડા જરૂર મુજબ, પાણી 1 લિટર.

બનાવવાની રીત: સૌપ્રથમ લેમનગ્રાસને 1 લિટર પાણીમાં ખાંડ ભેળવીને ઉકાળી લો. ઠંડું થાય એટલે તેને મિક્સરમાં ફુદીનાનાં પાન ભેળવીને ક્રશ કરી ગાળી લેવું. તેમાં એક લીંબુનો રસ ભેળવો. લીલા સફરજનને છોલીને છીણીને અથવા ઝીણા ટુકડા કરીને ભેળવો. મધ, સંચળ તથા બરફના ટુકડા ભેળવીને ઠંડું કરીને સર્વ કરો. એક વખત આ સ્વાદિષ્ટ પીણું પીશો તો તેના દીવાના બની જશો તેની ખાતરી છે.

લેમન ગ્રાસનો અન્ય ઉપયોગ:- લીંબુની સોડમ ધરાવતા આ ઘાસનો ઉપયોગ થાઈ તથા કૉન્ટિનેન્ટલ વાનગીમાં મુખ્યત્વે કરવામાં આવે છે. લેમનગ્રાસનો ઉપયોગ કરીને ચા બનાવીને પીવાથી ત્વરિત તાજગી અનુભવાય છે.

લેમનગ્રાસનો ઉપયોગ કરીને બનાવેલી ચામાં બરફને થોડો અધકચરો વાટીને ભેળવી દેવાથી ગરમીમાં ઠંડક આપતી આઈસ્ડ ટીની મોજ માણવા મળશે. વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં મધ તથા લીંબુનો રસ પણ ભેળવી શકાય છે.

ભાત બનાવતી વખતે પણ લેમનગ્રાસને કાપીને થોડો સમય રાખવાથી તેની સોડમ ભાતમાં આવી જાય છે. સૂપ તથા સેલડમાં પણ લેમનગ્રાસનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. હાલમાં તો લેમનગ્રાસની સોડમ ધરાવતાં સાબુ, ફિનાઈલ, સેનિટાઈઝર તથા તેલના ઉત્પાદનમાં ભરપૂર ઉપયોગ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.