આ છે નડિયાદમાં રહેતા બંસરી પટેલ અને તેના સાસુ ઊર્મિલાબેન પટેલ. પાંચ વર્ષ પહેલાં બંસરી પરણીને સાસરે આવી અને થોડા દિવસમાં જ એના સાસુ-સસરા એક અકસ્માતનો ભોગ બન્યા.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સાસુ ઊર્મિલાબેનને પેરાલીસીસ થઈ ગયો અને સંપૂર્ણ પથારીવશ થઈ ગયા.
આવી પરિસ્થિતિમાં ઘરની બધી જવાબદારી બંસરીએ સંભાળી લીધી. ઘરનું બધું કામ કરે અને સાસુનું બધું જ કામ કરે. છેલ્લા 5 વર્ષથી બંસરી એના પિયર ગઈ જ નથી.
બંસરીના સસરા સુમનભાઈ અને સાસુ ઊર્મિલાબેન વારંવાર કહે કે થોડા દિવસ પિયરમાં રહી આવ પણ બંસરી એની સાસુને મૂકીને ક્યાંય જવા તૈયાર જ નથી. બાંસરીના સાસુ ઊર્મિલાબેન કહે છે કે ‘મારા પેટના જણયા દીકરા કે દીકરી કરતા પણ બંસરી મને વધુ સારી રીતે સાચવે છે.’
બંસરી કહે છે કે, ‘જો મારા મમ્મીની આવી હાલત હોય તો હું તેની સેવા કરું એમ આ મારા સાસુ નહીં પરંતુ મારા મમ્મી જ છે એટલે હું દીકરી તરીકે એની સેવા કરું છું. એના વગર મને નથી ચાલતું અને મારા વગર એને નથી ચાલતું એટલે હું એને મૂકીને ક્યાંય બહાર જતી નથી.
મમ્મી પપ્પાને મળવાની ઈચ્છા થાય તો એ અહીંયા આવી જાય એટલે એને મળી લઉં. મારા સાસુની સેવા મૂકીને બહાર જવાનું મન થતું જ નથી.’
ધન્ય છે આ દીકરીની સમજણને. ઘરની વહુને ગૃહલક્ષ્મી કેમ કહેવાતી હશે એ આવી ઘટનાઓ પરથી સમજાય.
લેખક:- શૈલેષ સગપરીયા