અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન શનિવારે સમાપ્ત થઈ ગયું. 44 દિવસીય અભિયાન સાથે જોડાયેલા ટ્રસ્ટે જણાવ્યું કે, આ દરમિયાન 2100 કરોડ રૂપિયાથી વધુની રકમ ભેગી કરવામાં આવી છે.
ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને વિશ્વ હિન્દુ પરિષદ તથા આરએસએસના મોટા દાન અભિયાનમાં આશા કરતા વધુ ધનરાશિ મળી છે. શ્રીરામ મંદિરનો અંદાજિત ખર્ચ 1500 કરોડ રૂપિયા આંકવામાં આવી રહ્યો હતો.
જ્યારે શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણમાં 44 દિવસના આ અભિયાનમાં જ 2100 કરોડથી વધુની ધનરાશિ એકત્ર થઈ ચુકી છે. હજુ ચેકથી મળેલા દાનની રકમ ગણવાની બાકી છે. તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ હવે આગામી અભિયાન હેઠળ વિદેશથી પણ દાનની રકમ લેવાની તૈયારીમાં છે.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન શનિવારે સમાપ્ત થઈ ગયું. 44 દિવસીય અભિયાન સાથે જોડાયેલા ટ્રસ્ટે જણાવ્યું કે, આ દરમિયાન 2100 કરોડ રૂપિયાથી વધુનો સંગ્રહ કરવામાં આવ્યો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે 15 જાન્યુઆરીએ પરિસરના નિર્માણ પર 1500 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન લગાવ્યું હતું.
આ અભિયાનોમાં ખર્ચથી આશરે 600 કરોડ રૂપિયા વધુ પ્રાપ્ત થઈ ગયા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ રામ ગિરીએ જણાવ્યુ કે, ધન એકત્ર કરવા માટે સંપૂર્ણ ભારતમાં અભિયાન 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ચલાવવામાં આવ્યું હતું. આ હેઠળ શનિવારે સાંજ સુધી પ્રાપ્ત કુલ દાન 2100 કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે.
કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી કહે છે કે હાલના અનુમાન પ્રમાણે ખર્ચ 1500 કરોડ રૂપિયા સુધી થઈ શકે છે. તેવામાં જરૂરથી વધુ દાન મળી ગયું છે. મંદિરના પાયાની યોજનામાં ફેરફાર થવાને કારણે ખર્ચમાં ફેરફાર થશે. ખર્ચ વધવા પર દાન અભિયાન ફરી શરૂ કરવામાં આવી શકે છે. સ્વામી ગોવિંદ દેવ ગિરીએ કહ્યુ કે, વિદેશોમાં રહેતા લોકો માંગ કરી રહ્યાં છે કે બીજા દેશોમાં પણ આ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવે.
તેવામાં તે લોકો પાસે કઈ રીતે દાન લેવામાં આવે તેનો નિર્ણય મંદિર ટ્રસ્ટ પદાધિકારીઓની બેઠકમાં થશે. તો ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું કહેવુ છે કે હજુ કોઈ મર્યાદા નથી કે તેનો ખર્ચ કેટલો થશે. મંદિર બન્યા બાદ તેનો વિસ્તાર પણ થવાનો છે. હજુ ઘણા દાનદાતાની રકમ ચેકથી મળી છે. હજુ હિસાબ તૈયાર કરવામાં થોડો સમય લાગશે.
ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રએ જણાવ્યુ કે, દોઢ લાખ ટોલિઓ આ અભિયાનમાં લાગી હતી. જેમાંથી 45 હજાર નિધિ ડિપોઝિટર બન્યા છે. આ લોકો હજુ ધનરાશિને બેન્કોમાં જમા કરાવી રહ્યાં છે, જેમાં પણ સમય લાગી શકે છે. કેટલી રકમ આ અભિયાનથી મળી છે, તેનો વિશ્વસનીય અને સાચો આંકડો હજુ ટ્રસ્ટને મળ્યો નથી. બધી બેન્કોમાં પ્રાંત પ્રમાણે ધનરાશિ જમા કરાવવામાં આવી રહી છે.
ટ્રસ્ટનો હિસાબ માર્ચના અંત સુધી તૈયાર કરી લેવામાં આવશે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો રામ મંદિર નિર્માણ અભિયાનમાં જોડાયા છે. આ સાથે જાતિ સંપ્રદાય પંથ તથા ધર્મના બંધનો તૂટ્યા છે. બધાએ રામ મંદિર માટે દાન આપ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો પણ સામેલ છે.
પાછલા વર્ષે ડિસેમ્બરમાં રામ જન્મભૂમિ પર પરિસરના નિર્માણ માટે 1100 કરોડ રૂપિયાની ખર્ચનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, જે જાન્યુઆરીમાં વધીને 1500 કરોડ થઈ ગયું હતું. ટ્રસ્ટ સાથે જોડાયેલા સભ્યોનો પ્રયાસ છે કે દાનમાં મળેલી રકમનો પ્રયોગ નિર્માણ કાર્યમાં થાય. આ સાથે ધનનો ઉપયોગ અયોધ્યાના વિકાસ માટે થાય. દેશના કરોડો રામ ભક્તો પાસેથી મળેલા દાનનો દુરૂપયોગ ન થાય.