રોડ પર માં સાથે બંગડી વેચતો આ યુવાન કેવી રીતે બન્યો IAS અધિકારી

Story

10 વર્ષની ઉંમરે, આ બાળક, જેણે તેની માતા સાથે બંગડી વેચી હતી, તેણે ખરેખર કમાલ કરી બતાવ્યો. આજે આ છોકરાની ઓળખ દેશના ટોચના આઈએએસ અધિકારી તરીકે થાય છે પરંતુ તેની અહીં સુધી પહોંચવાની યાત્રા ખુબ સંઘર્ષથી ભરેલી છે. મા-દીકરો આખો દિવસ બંગડીઓ વેચતા, અને જે કમાણી થતી તેના પિતા એ પૈસા દારૂમાં ઉડાવી દેતા. રોટલી માટે આતુર આ બાળકે પોતાનો સંઘર્ષ ચાલુ જ રાખ્યો.

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાની વારસી જીલ્લાના નાના ગામ મહાગામમાં જન્મેલા રમેશ ઘોલપ આજે ભારતીય વહીવટી સેવાનો જાણીતો ચહેરો છે. રમેશનું બાળપણ અભાવો અને સંઘર્ષોમાં વીત્યું. 2 રોટલા માટે, માતા અને પુત્ર આખો દિવસ બંગડીઓ વેચે, અને તેમાંથી એકત્રિત કરેલા પૈસાથી તેમના પિતા દારૂ પીતા હતા. પિતાની પાસે એક નાની સાઇકલ રીપેરની દુકાન હતી, જેમાંથી એક સમયનું ભોજન પણ શક્ય નહોતું. ન ખાવા માટે ખોરાક, ન રહેવા માટે ઘર, ન તો ભણવા માટે પૈસા, આનાથી વધુ સંઘર્ષ બીજું કઈ ન હોય શકે.

રમેશ તેની માતા સાથે તેની માસી ઇન્દિરાના ઘરે રહેતો હતો. સંઘર્ષની પ્રક્રિયા આ રીતે ચાલુ જ રહી. મેટ્રિકની પરીક્ષાના એક મહિના પહેલા તેના પિતાનું અવસાન થઇ ગયું. આ સમાચારથી રમેશને ઘણો આઘાત લાગ્યો હતો પરંતુ હાર માન્યા વગર તેણે મેટ્રિકની પરીક્ષા આપી અને તે પરીક્ષામાં 88.50% ગુણ મેળવ્યા. પુત્રનું ભણતર ચાલુ રાખવા માટે સરકારી લોન યોજના અંતર્ગત ગાય ખરીદવાના હેતુસર તેની માતાએ 18,000 રૂપિયાની લોન પણ લીધી હતી.

રમેશ તેની માતા પાસેથી થોડા પૈસા લઈને આઈએએસ બનવાનું સપનું લઈને તે પુણે પહોંચ્યો હતો. અહીં તેણે સખત મહેનત કરવાનું શરૂ કર્યું. આખો દિવસ કામ કરી, તેમાંથી પૈસા ઉભા કર્યા અને પછી આખી રાત અભ્યાસ કર્યો, પૈસા ભેગા કરવા માટે, તે દિવાલો પર નેતાઓની ઘોષણાઓ, દુકાનની જાહેરાતો, લગ્નના ચિત્રો વગેરે બનાવતો હતો, તે પેહલા પ્રયાસમાં નિષ્ફળ ગયો, પરંતુ તે અડગ રહ્યો. વર્ષ 2011 માં, ફરીથી યુપીએસસીની પરીક્ષા આપી અને 287 મોં ક્રમાંક મેળવ્યો. એટલું જ નહીં, રાજ્ય સેવાની પરીક્ષામાં તેણે પ્રથમ સ્થાન મેળવ્યું.

તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે તે ત્યારે જ પોતાના ગામ પાછા જશે જ્યારે તેને તેમના લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. 4 મે 2012 ના રોજ, અફસર બન્યા પછી તેણે પહેલી વાર એજ ગલીઓમાં પગ મુક્યો જ્યાં તે પેહલા બંગડીઓ વેંચતા હતા, ત્યારે ગ્રામજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે સફળતાપૂર્વક તેણે એસડીઓ બર્મોના રૂપમાં તાલીમ મેળવી. હાલમાં તેમની ઝારખંડના પાવર મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ છે.

રમેશ તેના ખરાબ સમયને યાદ કરતાં કહે છે કે આજે જ્યારે પણ તે કોઈ નિરાધારને મદદ કરે છે ત્યારે તે તેની માતાની પરિસ્થિતિને યાદ કરે છે કે તેની માતા અધિકારીઓના દરવાજા પર પોતાના પેન્શન માટે કરગરતી હતી. પોતાના ખરાબ સમયને ક્યારેય ભૂલ્યા વગર, રમેશ હંમેશા જરૂરતમંદોની સેવા માટે તૈયાર રહે છે. આટલું જ નહીં રમેશે યુવાનોને અત્યાર સુધી 300 થી વધુ સેમિનારો કરીને વહીવટી પરીક્ષાઓમાં સફળ થવાની ટીપ્સ પણ આપી છે.

રમેશની વાર્તા લાખો યુવાનો માટે પ્રબળ પ્રેરણા બની શકે છે. જે સિવિલ સેવાઓમાં પ્રવેશ મેળવીને દેશ અને સમાજની સેવા કરવા ઇચ્છતા હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *