સત્ય ઘટના: જયારે ગર્ભપાતથી બચી ગયેલી દીકરીએ બાપનો જીવ બચાવવા પોતાનો જીવ આપી દીધો…

Story

ગામનું નામ શું હતું, પાકું યાદ નથી, ઝર પણ હોઈ શકે. કોઈ તાલુકાનું ગામડું, ગામડે ફરવાનું સર્વિસના ભાગરૂપે બપોરનો સમય, એ ગામમાં મુકામ કરવાનું થયું, માણસો મળતા હતા વાતો થતી હતી મને સમસ્યાઓ અને સમાધાન વચ્ચે ડોકાતા ચહેરા જોવાની ટેવ. એકા એક એક અત્યંત કુરૂપ ચહેરો સામે આવ્યો.

જોતા વેત સમજાયું કોઈએ એસીડ છાંટ્યો હશે એના મોઢા ઉપર, બળી ગયેલા હાથ, બળી ગયેલું મોઢું અને તેની પાંપણ વગરની આંખો, દીકરી વગરના ઘર જેવી લાગે. સમસ્યા એમની જમીન બાબતની હતી. ભાવ પ્રદર્શિત કરવાની ચહેરાની શક્તિ નહિ, પૂછવું ઠીક પણ ના લાગે, પણ જમીનની સમસ્યાના મૂળ સુધી જતા વાત બહાર આવી…. એક ગુનાની…

નામ એમનું કુપો. રળિયાત સાથે એમના લગન થયેલા કુપનનાં બાપા પાસે સારી એવી જમીન હતી ….કુપાએ કહેવાનું શરુ કર્યું, સાહેબ સો વીઘા ભો હશે…

સાત બહેનો વચ્ચે કુપો એકનો એક. ગ્રામ્ય જીવનની બધી અગવડતા વચ્ચે દીકરીયોને કુપા ના બાપુએ સારી રીતે પરણાવી. દીકરીઓને પરણાવવામાં ખર્ચો તો આવે જ કુપા નાં બાપે દીકરીઓને પરણાવવા જમીન વેચવાનું શરુ કર્યું સો વીઘા જમીન વેચતા વેચતા… બાર વીઘા બાકી રહી.

દીકરીયો ના લગન માં જમીન ટુકડે ટુકડે વેચાય ગઈ. પરિણામ એ આવ્યું કે એકનો એક કુપો નાની ઉમરે જમીન વિહોણો થઇ ગયો. કૂપો અને તેના ગામના  બે ત્રણ જણા ટ્રક-ટેન્કરોમાં કામ કરવા લાગ્યા, ટેન્કરો માં કુપો ગામો ગામ ફરે, કંડક્ટરી તેને ફાવી ગઈ, ધીમે ધીમે ડ્રાયવીંગ પણ શીખવા મંડ્યો, કૂપો હૈ વે  ઉપર ફરતો  થયો, જેટલા સ્થાનકો આવે ત્યાં પગે લાગવાનું પાક્કું. કુપા ની શ્રદ્ધા અને વિશ્વાસ તો ઉપરછલો હતો પણ તેની મહેનત ખડક જેવી પાકી, ગાંધીધામ કંડલા પોર્ટ થી ઠેઠ ટીમ્બી સુધી કૂપો ટેન્કર લઇ જતો.

તેનો મહેનત કશ ચહેરો રૂપાળો હતો. તે રૂપાળો હતો ત્યારે તેના ચહેરા ઉપર  તમામ ભાવો છતાં થતા હતા. કઈ પણ છુપાવી શકવું અશક્ય ! રૂપાળો  ચહેરો શું છુપાવે ? તેના રૂપાળા ચહેરા ઉપર, ક્રુરતા પણ ક્યારેક ક્યારેક તે હસતો ત્યારે દેખાતી. ક્રુરતાની વાત કરુતો, પહેલી વખત કુપા એ ટેન્કર ચલાવ્યું ત્યારે, બિલાડી આડી ઉતરી હતી અને કુપા એ તેને કચડી મારી.

કૃપાનો ચહેરો ટ્રકના રિઅર વ્યુ માટે રખાયેલા કાચમાં તેનેજ બિહામણો લાગ્યો હતો. ટ્રક  નીચે બિલાડી આડી ઉતરે તે પહેલા કચડી નાખવાની ક્રુરતા, શુકન-અપશુકનમાં માનતા કૃપાને ચોઘડિયાની રમત લાગતી. ચોઘડિયા બદલ્યું સારા દિવસો આવ્યા. કૃપા નું લગ્ન રળિયાત સાથે થયું, રળિયાત એવી રૂપાળી કે ક્રુરતાથી હસતા કુપા સામે તેની પત્ની રળિયાતનું હાસ્યતો પતંગિયા જેવું લાગે, બંને હસતા રહેતા અને પ્રસન્ન રહેતા ગામ આખું તેમના પ્રસન્ન દામ્પત્યનું સાક્ષી હતું.

ધીમે ધીમે ઘર માં ધન વધવા માંડ્યું, રળિયાત અને કૂપો મેડી માં રેવા લાગ્યા, ઘર માં બે સંતાનો થયા પહેલી દીકરી અને પછી દીકરો. ટેન્કરો પણ વધ્યા અને ધંધામાં હરીફાઈ પણ વધી, હવે કુપો… કુપો સેઠ તરીકે ઓળખાય. જટુભા એના હરીફ, ટેન્કરો ના ધંધા માં મનદુઃખ થયેલું. કુપાનાં વધતા વસતાર અને વિસ્તાર વચ્ચે વેરનું એક ઝેરીલું ઝાડ એટલે જટુભા.

કુપા સેઠની સમૃદ્ધિ  દેખાવા લાગી, જમીન પણ ખરીદી, વાડી વઝીફો…શેઠ વખણાય, બધે… કૂપો શેઠ કૂપો શેઠ થાય. દીકરી પંદર વરસ ની દીકરો તેર વરસનો થયો. હોળી પછી ના દિવસો હતા, ટેન્કરો માં એસીડ ભરી ને વહન કરવાનો કરાર કુપા સેઠ ને મળ્યો , જટુભા હાથ ઘસતા રહી ગયા ..!

ધંધા ની હરીફાઈ અને વેર ની આગમાં જલતા હતા જટુભા !! જટુભા મોકો ગોતતા હતા, કુપા શેઠ ના સગડ દબાવે. સાંજનો સમય, કુપા ની એક આંગળીયે દીકરો બાબુ અને દીકરી હીરબાઈ પાછળ ચાલી આવે. જટુભા ના માણસો કૃપાને ઘેરી વળ્યા દીકરો બાબુ હેતબાઈ ગયો.

કૃપાએ ધક્કો મારી બાબુને દૂર હડસેલ્યો.. બોલાચાલી, બુમરાણ અને ચીસ !!

બાપુ….. બાપુ …..ચીસ હીરબાઈની હતી કુપા શેઠની પંદર વરસની દીકરી હીરબાઇની. કુપા ઉપર એસીડ ફેકાયો, દીકરી હીરબાઈ બાપ ને બચાવવા   ,કુપા ને …બાપુ કહી ને બાથ ભરી ગઈ… કુપા નો દેહ બચી ગયો, હીરબાઈ ન બચ્યા, કુપા ના મોઠા ઉપર એસીડ પડ્યો, શરીર હીરબાઈ ના કારણે કોરું રહ્યું, કુપો કુરૂપ થયો. હીરબાઈ એ ખોળિયું છોડ્યું, વાત ત્યાં અટકતી નથી.

દાઝેલું ચહેરો લઈને ફરતો કૂપો ભૂત જેવો લાગે. ધંધે પાણી એ પણ એ ઘસાય ગયેલો તોય હજુ ગામ માં અમલદાર આવે તો કુપો ચા પીવા લઈ જાય.

અને ક્યારેક કોઈ ની સાથે ડૂસકું ભરી વાત યાદ કરે, ધંધાની… એસીડની, વેરની અને હીરબાઈના વ્હાલની. કોઈ વખત કોઈ અમલદારની પાસે ડૂસકું ભરવાને બદલે પોક મુકીને રુવે અને એક વધારાની વાત પણ કહે….

સાહેબ, મને અફસોસ એ છે કે હીરબાઈ પહેલા પણ મારી રળિયાતે બે વખત ગર્ભવતી બની હતી, સાત બહેનોના ભારમાં મારા ડૂબી ગયેલા બાપુને મેં જોયા હતા. કદાચ દીકરી તરફ નો કટુભાવ ત્યારેજ મારામાં રોપાયેલો એટલે રળિયાત ના પાડતી રહી પણ મેં આ હીરબાઇ પહેલા બે દીકરીઓને ગર્ભ પરિક્ષણ પછી ગર્ભપાત… કૂપો ડૂસકું ભરી ગયો… મેં પાપ કર્યું.. કોઈને ખબર નથી, ત્રીજી હીરબાઇ જન્મી… હીરબાઈ ને પણ..  હું તો પેટમાંજ મરાવી નાખવાનો હતો પણ મને બચાવવા તે બચી ગયી…

કુપાએ હીરાબાઈના નામની પોક મૂકી, બધા કંપી ગયા….. વાત ઘણા વખત સુધી મનમાં હતી, આજે લખી…

લેખક:- અતુલ રાવ

Leave a Reply

Your email address will not be published.