ચૂલાનાં અજવાળે જોયેલી સ્ત્રી: અડધી રાતે જ્યારે સૌ જપી જાય ત્યારે ઊંઘી ગયેલા પુરુષની કામ વાસના જાગે તો એને ય ઊંઘમાથી જાગીને આ સ્ત્રીએ સંતોષવી પડે…

Spiritual

બાપે જ્યાં પરણાવી હતી એ સાસરિયાંથી બસો-પાંચસો કિલોમીટર દૂર રહીને ચણિયો-બ્લાઉઝ અને અડધી સાડી પહરેલી એ સ્ત્રીઓ સવારે પાંચેક વાગે જાગીને પાણી ભરે-ચા બનાવે-રોટલા-શાક બનાવે-સાથે રોતા છોકરાને સંભાળે-સમજાવે, સૌને શિરામણ કરાવે, એના બે-પાંચ વાસણ ધોવે અને સાતેક વાગે પોતાના પુરુષો સાથે રોટલાં-શાક બાંધીને-કાખમાં છોકરા લઈ મજૂરીએ ઉપડી જાય, છોકરાને ક્યાંક સરખી જગ્યાએ રમતા મેલીને પુરુષ સાથે ત્રિકમ-પાવડા-તગારા ઉપાડવા જેવું શરીર તોડી નાખે એવું કામ કરે, બાળકો સામે નજર કરતી જઈને કામ કરતી એ સ્ત્રીઓ બપોરા ટાણે સૌને ખાવાનું કાઢી આપે, છોકરાઓને ખવડાવે-પોતે ઉભડક ઉભડક ખાય, ઘડીક બેસીને ફરી સાંજ સુધી એ જ કામ ચાલુ, સાંજે એના ક્યાંક રોડના કાઠે કે ક્યાંક ખુલ્લા મેદાનમાં રહેવાનાં ઠેકાણે આવીને એ સ્ત્રી રોજ રોજનું પચાસ-પોણો સો રૂપિયાનું સીધું લાવે, (એ ય રેગ્યુલર દુકાનોએથી , સરકારી સસ્તા અનાજની દુકાને એમના માટે કઇ નથી હોતું.) વળી ક્યાંક નજીક કે આઘેથી પાણી ભરે, બળતણ લાવે, ને ફરી તાવડી આખા સમાય જાય એવા રોટલા ઉતારે, બસ એ કોરા રોટલા અને શાક ખાય અને બધાને સુવડાવીને એ છેલ્લે સુવે. 

એના પુરૂષોએ ય મહેનત કરે છે, પણ મજૂરી જતાં પહેલા અને મજૂરીથી આવીને પુરૂષોને બહુ પળોઝ્ણ નથી હોતી, એ સવારે ઊઠીને એ ય નિરાંતે ઉભડક બેઠા બેઠા આ સ્ત્રીએ બનાવેલી ચા અને બીડી ટેકાવે છે અને રાતે આ સ્ત્રીઓ છૂટ્ક સીધું લેવા નીકળે ત્યારે એ પુરુષો એની ‘પોટલી’ લેવા ઉપડે, એ પોટલી પીવે અને આ સ્ત્રીએ ઘડેલા રોટલાં શાક ખાને સૂઈ જાય. એ સૌ વહેલા સૂઈ જાય સાડા નવ-દસ વાગે.

સ્ત્રી છેલ્લે સુવે અને અને અડધી રાતે જ્યારે સૌ જપી જાય ત્યારે પીઇને એકવાર નિરાતે ઊંઘી ગયેલા પુરુષની કામ વાસના જાગે તો એને ય ઊંઘમાથી જાગીને આ સ્ત્રીએ સંતોષવી પડે. એમાથી કોઈ સ્ત્રીનો ઠીકઠાક ઘાટ કે વાન હોય એને તો મજૂરીએ બીજાની ય એવી નજરો અને એવા ઈરાદાઓ ખાળી શકાય ત્યાં સુધી ખાળવાના… એ સ્ત્રીઓને પિરિયડ આવતા હશે, પણ પિરિયડની એવી રજા નહીં મળતી હોય આ રૂટિનમાથી., આ સ્ત્રીઓનાં નાની ઉમરે લગ્ન થઈ જાય અને કોઈ આયોજન વગરની કેટલીય સુવાવડમાંથી પસાર થવું પડે. આ સ્ત્રીઓને જો એકાદ દિવસની રજા મળી શકે તો એના માટે બધી કહેવાતી કીટીપાર્ટીઓથી ય વિશેષ હોય શકે ને… આ બહેનો સતત મહેનતને લીધે રહે હેલ્ધી પણ સામે પોષણ પૂરતું નહીં હોવાને લીધે પચાસ વર્ષ આસપાસ તો શરીર નંખાય જાય.

મોટાભાગનાં દોસ્તોને ખ્યાલ આવી ગયો હશે કે કઇ મહિલાઓની વાત થાય છે. 

ગઇકાલે ઓફિસે કામ પતાવીને સવારે વહેલો પાંચ વાગે ઘરે જતો હતો તો રસ્તામાં એક જગ્યા આવે છે જ્યાં ગોધરા-દાહોદ બાજુના શ્રમજીવીઓએ ખુલ્લામાં રહે છે, ત્યાં એક જ બાળક જાગેલું દેખાયું બાકી બીજા બાળકો સૂતા હશે , બધા પુરુષો હજુ ઉઠ્યા ના હતા. પણ એમની સ્ત્રીઓ…. એટલી વહેલી સવારમાં એ બધી બેનો ચૂલા સળગાવીને રોટલા ઉતારતી હતી. અત્યારે જ્યાં આટલા બધા શ્રમજીવીઓ સૂતા-જાગતા દેખાતા હતા ત્યાં સવારે સાત એક બાળક ય ના જોવા મળે. પોત પોતાના આછા પાતળા ગોદડા-પથરણાં ઢાંકી ઢુબીને માથે પથરો મૂકીને એ સૌ લોક કામે નીકળી જશે. વહેલી સવારે આ સ્ત્રીઓ બનાવેલા રોટલા-શાક બાંધીને….

ઓફિસેથી લંચમાં બહાર નિકળીએ ત્યારે ક્યારેક મેટ્રોના આસપાસ કામ કરતી આ સ્ત્રીઓ જમીને એકાદ પડીકી કે એના પુરુષ માટે બીડી-બાકસ લઈને જતી જોઉ ત્યારે જો સરખે સરખી બે-ત્રણ મહિલાઓ હોય તો અંદરો અંદરો વાત કરતી-હસતી જતી  દેખું તો થાય કે આ સ્ત્રીઓમાં આટલી શક્તિ ક્યાથી આવતી હશે ?

અમુક વર્ષ પહેલા ચાર રસ્તા આસપાસ માંગતા રહેતા એક પ્રકારના ‘હરામના હાડકાં’ હોય છે એવા રોડ સાઈડ રહેતા લોકો કે જેમને સરકાર ઘર આપે તો ય ફરી રોડ ઉપર જ રહેવા આવી જાય અને એક હાડોહાડ શ્રમ કરતા આ શ્રમજીવીઓની વાત લખી હતી ત્યારે એક વડીલે કહ્યું હતું કે અમારા ઘરની સામેના મેદાનમાં આ શ્રમજીવીઓ રહે છે. ત્યાં લાઇટ ય નથી, (એ રહે ત્યાં નથી જ હોતી.) રોજ સાંજે મજૂરીએથી આવે ત્યાં અંધારું થઈ જાય. એ અંધારામાં એના ત્રણ પથ્થરના બનાવેલા ચૂલા સળગતા હોય એના અજવાસે જ્યારે પણ એમના ચહેરા જોયા તો ક્યારેય કોઈના ચહેરા પણ લાચારી-હતાશા-થાક જોયો નથી. 

હું એ વડીલ સાથે સહમત છું, આ શ્રમજીવીઓનો ઘરથી દૂર રહીને જે સંઘર્ષ છે એમાં એમના મો પર તમને લાચારીના ભાવ નહીં જોવા મળે. અધમ કૃત્ય કરનારા ગુનેગારોને ય માનવ અધિકારોને નામે પોષવા વાળી સંસ્થાઓ છે, પણ આ સ્ત્રીઓ માટે કામ કરનારી કદાચ કોઈ સંસ્થા નથી. (એવી સંસ્થાનો વર્કિંગ ટાઈમ હોય ત્યારે આ સૌ તો પોતાના કામે નીકળી ગયા હોય. ) એ જૂની પોસ્ટમાં લખ્યું હતું કે અનામતનાં પહેલા હકદાર આ લોકો છે, પણ એમને એવું કઈ લઈ લેવાની જાણ-વૃતિ-ઈચ્છા નહીં જોવા મળે. 

પણ… એમને આમ રોડ પર રઝળતા ના રાખીને સરકાર કે જે કઈક કરી શકે એમ છે એવા શક્તિવાન લોકોની ફરજ છે આ શ્રમિકોના  સારા વર્તમાન કે ભવિષ્ય માટે કોઈક પથ તૈયાર કરવાનો પ્રયત્ન થાય. કેમ કે આપણે કોઈ રાતે સૂઈ જઈએ અને સવારે ઊઠીને બહાર નીકળીએ ત્યારે ત્યાં રોડ નવો બની ગયેલો જોઈએ તો રાત જાગીને એ રોડ બનાવનાર આ જ લોકો છે. 

આખો દિવસ પ્લસ રાતે કામ કરીને સવારે પાંચ વાગે થાક્યો પાક્યો ઘરે જતો હતો ને ચૂલાના અજવાળે આ બેહનોના મોં જોઈ મારો થાક ઉતરી ગયો હતો. 

-કાનજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *