ભગવાન શ્રી સહજાનંદ સ્વામીએ પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખેલી પુસ્તિકા ‘શિક્ષાપત્રી’ શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયનો અદ્દભૂત અને અભૂતપૂર્વ ગ્રંથ છે. ભગવાન શ્રી સ્વામીનારાયણની પોતાની વાણી એટલે પરાવાણી એ ‘વચનામૃત’ તથા ‘શિક્ષાપત્રી’ એ બે ગ્રંથોમાં વહે છે.
આ બંને ગ્રંથોની વિશિષ્ટતા એ છે કે સામાન્યમાં સામાન્ય માણસ પણ વાંચી અને સમજી શકે એવી સરળ ભાષામાં લખાયેલો છે. ‘શિક્ષાપત્રી’ માં સદાચારના ઉપદેશનું પ્રાધાન્ય છે. સંવત ૧૮૮૨ નાં મહાસુદી ૫ અર્થાત વસંત પંચમીનાં શુભ દિવસે લખાયેલી આ ‘કલ્યાણ કૃતિ’ એટલે ફકત ૨૧૨ શ્લોકની નાની પુસ્તિકા ‘દેખન મે છોટે લગે, પર ઘાવ કરે ગંભીર’ એવા આ શ્લોકો આ લોક અને પરલોકનો સુખનો માર્ગ બતાવનારા છે.
એટલુ જ નહીં સર્વ જીવ હિતાવહ સંદેશના અર્થાત સર્વ દેવોનું કલ્યાણ કરવા સમર્થ સંદેશના વાહક છે. આ શિક્ષાપત્રીના અંતે ભગવાને સ્પષ્ટ શબ્દોમાં દર્શાવ્યું છે કે અમારા આશ્રિત જે પુરૂષો તથાસ્ત્રીઓ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થની સિદ્ધિને પામશે. ભગવાન સ્વામીનારાયણનાં શબ્દોમાં કહીએ તો આ શિક્ષાપત્રી મનુષ્યોને મન વાંચ્છિત ફળ આપનારી છે.
ભગવાન સ્વામીનારાયણ જયારે આ ભૂમિ પર પધાર્યા ત્યારે એટલે કે આજથી દોઢ સો વર્ષ પહેલા આ ભૂમિ અનિતિ, અસંસ્કાર અને અનાચારનું ધામ બની ગઈ હતી. સામાજીક સુરક્ષાનો અભાવ હતો. હિંસા, અજ્ઞાન, વિષય વાસના, વહેમ અને વ્યસનોમાં સંપૂર્ણ વ્યાપ્ત થયેલો. આ ભૂમિને તેમાંથી મુકત કરવી જોઈએ એવુ શ્રી સ્વામીનારાયણ સહજાનંદ સ્વામીને પ્રથમ દૃષ્ટિએ સમજાઈ ગયું.
ભગવાન સ્વામીનારાયણે ભકિતને જીવનમાં પ્રાધાન્ય આપ્યુ છે. સાથોસાથ ભકિત પણ ધર્મ સહિત કરવી. એવો ઉપદેશ આપી જે ભકિતને ધર્મ સાથે સાંકળી લીધી છે. સદાચાર વિના ભકિત પણ નકામી છે દંભ છે, પાખંડ છે, ગમે તેવો વિદ્વાન હોય પરંતુ એ ભકિત અને સત્સંગ રહિત હોય તો તે અધોગતિને પામે છે.
ભગવાન સ્વામીનારાયણ આ શિક્ષાપત્રીમાં સામાન્યમાં સામાન્ય માણસને અતિ ઉપયોગી થાય તેવી બાબતો જણાવેલી છે. એમાંથી કેટલીક જોઈએ
૧) ભગવાન સ્વામીનારાયણે થૂંકવાના અને સોચ વિધિના નિયમો આપ્યા છે.
૨) મિત્ર, ભાઈ કે પુત્ર સાથે ઘન અંગેના વ્યવહારને લેખિત સ્વરૂપ આપવાનું સુચવ્યુ છે.
૩) પૂછ્યા વિના ફુલ જેવી વસ્તુ પણ ન લેવી જણાવ્યુ છે.
૪) કૃતજ્ઞી, ચોર, પાપી, પાખંડી, કે વ્યસનીનો કદાપી સંગ ન કરવો, એવી આજ્ઞા કરી છે.
૫) ભકિત કે જ્ઞાનના આધારે મહાત્માઓ જોસ્ત્રી કે રસના લોભે કે દ્રવ્યના લોભે પાપ આચરતા હોય તો અને વિદ્વાન હોય તો પણ સંઘ ન કરવા જણાવ્યું છે.
૬) કોઈની થાપણ રાખવી નહીં અને..
૭) કોઈના જામીન પણ થવું નહીં.
૮) આવક પ્રમાણે ખર્ચ કરવો.
૯) આવક જાવકનો દૈનિક હિસાબ રાખવો.
૧૦) ધર્મ માટે પણ શકિત પ્રમાણે ખર્ચ કરવો.
૧૧) પશુની ચાકરી કરી શકાય તો જ પાળવા.
ભારતના સ્વર્ગસ્થ વંદનીય અને વિદ્વાન રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને આ શિક્ષાપત્રીના ઉપદેશની ખૂબ પ્રશંસા કરી છે. શિક્ષાપત્રી એ સદાચારનો ગ્રંથ છે. શિક્ષાપત્રી સર્વજીવ હિતાવહનો ગ્રંથ છે અને સામાન્યમાં સામાન્ય માનવી આ શિક્ષાપત્રીના શ્લોકનું એટલે કે સદાચારનું પાલન કરી ખૂબ ખૂબ સુખી જીવન જીવી શકે છે
લેખક:- પ્રજાપતિ તુષાર “ઝાકળ”