એક વખત શ્રીકૃષ્ણ દ્વારકામાં રાણી સત્યભામા સાથે બેઠા હતા. ગરુડ અને સુદર્શન ચક્ર પણ તેની બાજુમાં જ બેઠા હતા. ત્યારે કંઈક એવી વાત થઇ કે રાણી સત્યભામાએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે ભગવાન! ત્રેતાયુગમાં તમે રામ તરીકે અવતાર લીધો હતો. અને સીતા તમારી પત્ની હતી. પણ શું તે મારા કરતા પણ વધારે સુંદર હતી. ભગવાન શ્રીકૃષ્ણ સમજી ગયા કે રાણી સત્યભામાને તેની સુંદરતા પર અભિમાન આવ્યું છે

રાણી સત્યભામાની વાત પુરી થતા જ ગરુડ બોલ્યા, કે “ભગવાન, દુનિયામાં કોઈ મારી કરતા વધુ ઝડપથી ઉડી શકે છે.” અને પછી, સુદર્શનચક્રનો અહંકાર પણ જાગ્યો અને તેણે પણ કહ્યું કે ભગવાન, દુનિયામાં મારાથી વધારે શક્તિશાળી કોઈ છે?
શ્રીકૃષ્ણ સમજી ગયા કે આ ત્રણેયને પોતાના પર અભિમાન આવી ગયું છે. હવે એવી કંઈક લીલાઓ કરવી પડશે જેથી આ ત્રણેયના અહંકારને દૂર કરી શકાય, પછી ભગવાને નિર્ણય કર્યો અને ગરુડને કહ્યું કે ગરુડ હનુમાનને બોલાવી આવો અને તેને કેહજો કે ભગવાન રામ અને માતા સીતા તેમની રાહ જોઇ રહ્યા છે. ગરુડ ભગવાનની પરવાનગીથી હનુમાનને બોલાવવા ઉડાન ભરી.

શ્રી કૃષ્ણે સત્યભામને કહ્યું હતું કે દેવી તમે તમારા જેવા વસ્ત્રો ધારણ(પેહરી) લો અને શ્રી કૃષ્ણે રામનું રૂપ લીધું ભગવાન શ્રીકૃષ્ણે સુદર્શન ચક્રને કહ્યું હતું કે તમે મહેલના પ્રવેશદ્વારની રક્ષા કરો અને જ્યાં સુધી તે પોતે બોલાવે નહીં ત્યાં સુધી કોઈને મહેલમાં પ્રવેશવા દેવા નહીં. ભગવાનની પરવાનગી સાથે સુદર્શન ચક્ર દરવાજે બેઠા.
બીજી બાજુ ગરુડ હનુમાન પાસે પહોંચ્યા અને ભગવાનનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે વાનરરાજ ભગવાન રામ અને માતા સીતા દ્વારકામાં તમને મળવાની રાહ જોઈ રહ્યા છે. તમે તરત જ મારી સાથે આવો અને હું મારી પીઠ પર બેસાડીને તમને તરત જ ત્યાં લઈ જઈશ. હનુમાને કહ્યું તમે જવા દો હું આવું છુ. ગરુડે વિચાર્યું કે હનુમાનજી તો વૃદ્ધ થઇ ગયા છે અને જલ્દી કેવી રીતે પહોંચશે. હનુમાનજીની વિનંતીથી ગરુડ દ્વારકા જવા રવાના થયા. પરંતુ મહેલમાં પ્રવેશતાની સાથે જ ગરુડના હોશ ઉડી ગયા. હનુમાનજી તેમની સામે બેઠા હતા. જે તેની પહેલા રાજમહેલમાં પહોંચી ગયા હતા. આ જોઈને ગરુડનું માથું શરમથી નમી ગયું.

હનુમાનજીને જોઇને શ્રીરામે તેમને પૂછ્યું કે પવનપુત્ર! પરવાનગી વગર તમે મહેલમાં કેવી રીતે પ્રવેશ કર્યો. તમને કોઈએ રોક્યા નહીં તેથી હનુમાનજી નમ્રતાપૂર્વક માથુ ઝુકાવી અને તેમના મો માંથી સુદર્શન ચક્ર બહાર કાઢી તેમની આગળ મૂકી દીધું. સુદર્શન ચક્ર સોંપ્યા પછી, હનુમાનજીએ કહ્યું કે ભગવાન આ ચક્રએ મને રોક્યો હતો, પણ મેં તેને મારા મોંમાં મૂક્યો અને તમને મળવા આવી ગયો. ભગવાન આ જોઈને હસી પડ્યા. હનુમાનજી અહીં અટક્યા નહીં, તેમણે ભગવાનને કહ્યું કે આજે માતા સીતાને બદલે કોઈ દાસીને એટલો આદર આપ્યો છે કે તે તમારી સાથે ગાદી પર બેઠી છે. આ સાંભળીને રાણી સત્યભામાનું અભિમાન તૂટી ગયું
આ રીતે ભગવાન શ્રીકૃષ્ણએ ત્રણેયનો અહંકાર એક સાથે તોડ્યો ભગવાનની સામે ત્રણેય શરમ અનુભવતા હતા. બધાએ ભગવાન પાસે માફી માંગી અને તેઓ આ વાત સમજી ગયા.