સંત અને સગર્ભા: આ કોઈ વાર્તા નહી પણ સત્ય ઘટના છે.

Dharma

અડધી રાતે કૂવા પાસે કોઈ રૂપાળી સુંદર સ્ત્રી ઊભેલી, એ કૂવામાં પડતું મૂકે એ પહેલા કોઈએ એનું બાવડું ઝાલ્યું, સ્ત્રીએ ચાંદાના અજવાળામાં એ વ્યક્તિને ઓળખ્યો કે, “આ તો અમરેલી ગામની ભિક્ષા પર નભતો, નવરો બેઠો ભજનો લલકારતો. દાઢી-ધોતીધારી બાવો મૂળદાસ…”

બાવાએ પુછ્યું કે, “બાઈ, આટલી રાતે આ દેહ પાડી નાખવા કેમ આવી છો, દીકરી ?”

બાઈએ કહ્યું, “બાપુ, મને કુવામાં પડીને પૂરી થવા દો, હું આ ગામની નીચા કુળની વિધવા છું, અને ભૂલ કરી બેઠી છું, મારા પેટમાં એક જીવ છે, જેના બાપનું નામ કોઈને આપી શકું એમ નથી…”

બાવા મૂળદાસે કહ્યું, “અરે, બસ આટલી જ વાત…એમાં તો જીવનના દીવાનું તેલ ખૂટે એ પહેલા તું એને ફૂંક મારવા આવી છો, આવ દીકરી, કોઈ પૂછે તો કહી દેજે કે તારા બાળકનો પિતા આ બાવો મૂળદાસ છે.”

“પણ બાપુ, તમને અમરેલી મારશે…!”

“દીકરી, ભલે ગામ મારે મને, પણ એના માટે બે-બે જીવને પૂરા નહીં થવા દઉં. કલંકનો ડાઘ મૂળદાસ ખમી લેશે, પણ હું જોવા છતા તને બેજીવીને પૂરી થવા દઉં તો એનો ડાઘ મૂળદાસ નહીં ઝીરવી શકે…”

બીજે દિવસે અમરેલીએ જાણ્યું કે, ‘ઓલ્યો બાવો મૂળદાસ તો મહાલંપટ નીકળ્યો, ગામની વિધવાને અભડાવી…”

અમરેલી મૂળદાસને માર્યો, ખાસડાનો હાર પહેરાવ્યો, મોઢે મેષ ચોપડી અને મૂળદાસ અને એ વિધવા બાઈ બેઉને ગામ બહાર કાઢી મૂક્યા, મૂળદાસે ગામની બહાર ઝૂંપડી વાળી, એ બાઈ અને બાળકને જેમ તેમ કરીને પોષણ કર્યું, ગામે ભિક્ષા આપવાની ય બંધ કરી દીધેલી.

પણ એક દી’ વહેલી સવારે હજુ અમરેલીના દરવાજા બંધ છે અને આજુબાજુના ગામડામાંથી ખેતપેદાશો વેચવા આવતા ખેડૂતો વહેલા આવી ગયા છે તો, ગાડા છોડી, તાપણા કરી બેઠા છે, એમાં બે ખેડૂત મૂળદાસની ઝૂપડી પછવાડે જઈ ચડ્યા, વહેલી સવારની નીરવ શાંતિમાં ઝૂપડીમાં બાપ-દીકરીની જેમ રહેતા મૂળદાસ અને એ બાઈ વાતો કરતાં હતા. બાઈ અફસોસ કરતી હતી કે, “બાપુ, મુજ પાપી માટે તમે કેટલું અપમાન ખમ્યું…” મૂળદાસ એને બની વાત ભૂલી જવા સમજાવતા હતા. પછવાડે બેઉ ખેડુની આંખ ભીની થઈ ગઈ, એણે જઈ બીજા ખેડૂતોને વાત કરી, ખેડૂતોએ ગામમાં જઈ અમરેલીને વાત કરી કે તમે ગામે કેવડી મોટી ભૂલ કરી છે મૂળદાસને ઓળખવામાં…

ગામે સત્ય જાણ્યું, જે મૂળદાસને મેષ ચોપડી હતી એના પગમાં અમરેલી આખું પડી ગયું, જેને ગામ બાવો મૂળદાસ કહેતું એ મૂળદાસ સદકાર્ય માટે ગામ આખાના હાડોહાડ માર-અપમાન સહન કરીને હવે એ જ ગામ અને ઇતિહાસ માટે ‘સંત’ મૂળદાસ લેખાયા. પણ મૂળદાસને ક્યારેય કોઈ ફર્ક નહોતો પડતો કે ગામ એને બાવો કહે કે સંત…!

અમારા ગામનો તાલુકો લાઠી અને જિલ્લો અમરેલી થાય, અમરેલી શહેરનું નામ પડે એટ્લે કોઈ રાજકારણનું જાણકાર હોય તો એને ગુજરાત રાજયના પહેલા સીએમ જીવરાજ મહેતા યાદ આવી શકે, કોઈ કવિતા-સાહિત્યના રસિયાને તરત ઝબકારો થાય:છ અક્ષરનું નામ:રમેશ પારેખ. બીજા કોઈએ કદાચ કઈ યાદ આવતું હશે, મારુ કહું તો મને મૂળદાસ યાદ આવે…

તાજેતરના ધાર્મિક માહોલમાં સ્ત્રીઓના પિરિયડ્સને લઈને જે વાત-ચર્ચા ચાલે એની સાથે આમ તો આ વાતને સીધી રીતે કઈ લેવા દેવા નથી પણ હા, સંત મૂળદાસે જે સગર્ભા સ્ત્રીનો જીવ બચાવેલો, એ સ્ત્રીને જે બાળક થયું,, એનું નામ રાધા હતું, એ રાધાને પરણાવી અને એના કુખે જે બાળક થયો, એનું બાળપણનું નામ હતું: મુકુંદદાસ, જે બાળક મોટો થઈ સ્વામિનારાયણ સંપ્રદાયના શિરમોર પરમહંસ બન્યા : “શ્રી મુક્તાનંદ સ્વામી”.

લેખક:- કાનજી મકવાણા, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *