દરેક દેશ પોતાની સુરક્ષા અને દુશ્મન દેશની હિલચાલ પર નજર રાખવા માટે જાસૂસી એજન્સીઓ રાખતી હોય છે. અને તેમાં અનેક સિક્રેટ જાસુસો કામ કરતા હોય છે. એક જાસૂસનું જીવન ખૂબ જ અઘરૂ હોય છે. કારણ કે તે કોઈ પણ સમય કે કોઈ પણ સ્થિતીમાં પોતાની ઓળખ જાહેર ના કરી શકે. જેના કારણે જાસૂસ બન્યા બાદ તેની અંગત જીવન અને પ્રોફેશનલ લાઈફ બન્ને અલગ-અલગ થઈ જતી હોય છે. ત્યારે, જાણો ભારતના એક એવા જાસૂસની કહાની કે જેને બ્લેક ટાઈગર તરીકેની ઓળખ મળી હતી.
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં જન્મેલા રવિન્દર કૌશિક રંગમંચના અદભૂત કલાકાર હતા. નાટકમાં એમને અપાયેલા પાત્રને એ રંગમંચ પર જીવંત કરતા. એક વખત લખનૌમાં રાષ્ટ્રિય કક્ષાના નાટયોત્સવનું આયોજન થયું હતું. રવિન્દર કૌશિકની સ્ટોરી અહીં થી શરૂ થાય છે. રવિંદર 23 વર્ષનો હતો અને તેને એક્ટિંગનો ખૂબ ક્રેઝ હતો. જેના કારણે તે રંગમંચ સાથે જોડાયેલો હતો.
રવિન્દર પણ પોતાની કલા બતાવવા આ ઉત્સવમાં આવેલા. ત્યારે ત્યાં ભારત સરકારની ગુપ્તચર સંસ્થા એટલે કે Reserch and Analysis Wing જેને ટૂંકા નામથી RAW તરીકે ઓળખવામાં આવે છે તેના અધિકારીઓ પણ આવેલા એમને રવિન્દરનો અભિનય ખૂબ ગમ્યો. દેશ સેવાની વાત સાંભળીને રવિંદરે RAW તરફથી મળેલી તક હસતા હસતા સ્વીકારી હતી અને ત્યારબાદ શરૂ થઈ રવિંદર કૌશિકથી જાસૂસ બ્લેક ટાઈગર બનવાની આખી કહાની…
રવિંદરે 1971માં દિલ્લીમાં ટ્રેનિંગ લીધી હતી. જે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયાને થોડો સમય વીત્યો હતો. જેના કારણે ભારતને ડર હતો કે પાકિસ્તાન ફરીથી આવું કોઈ કાવતરૂ કરી શકે છે. જેના કારણે તેને પાકિસ્તાનમાં એક સિક્રેટ મિશન માટે મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેણે પાકિસ્તાન આર્મીની ગોપનીય જાણકારી ભારતને પહોંચાડવાની હતી. રવિંદર કૌશિકનો ધર્મે હિન્દુ હતો અને તેને પાકિસ્તાન જેવા મુસ્લીમ દેશમાં જઈને મુસ્લીમ ઓળખ ઉભી કરવાની હતી.
રવિંદર એક્ટિંગમાં તો માહિર હતો પણ તેણે એક મુસ્લીમનો રોલ કરવાનો હતો. જેના માટે રવિંદર કૌશિકે ઉર્દુ ભાષા શીખી હતી અને તેના પર કોઈને શંકા ન જાય તેના માટે તેણે ખતના પણ કરાવ્યું હતું અને તે સંપૂર્ણ રીતે દેશ હિત અને દેશની સુરક્ષા માટે મુસ્લિમ રંગમાં રંગાઈ ગયો હતો.
તમામ રીતે તૈયાર થયા બાદ રવિંદર કૌશિક નબી અહેમદ શાકીર બનીને પાકિસ્તાનમાં પહોંચી ગયો હતો. અને મિશન તરફ આગળ વધતા તેણે બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરીને કરાંચી યુનિવર્સીટીમાં વકીલાતનો અભ્યાસ શરૂ કર્યો હતો. અને વકીલાતની ડિગ્રી મેળવી. અભ્યાસ, પૂર્ણ કર્યા બાદ રવિંદરે એ ડિગ્રીના આધારે બીજા બોગસ ડોકયુમેન્ટ બનાવી લીધા અને તે પાકિસ્તાનનો નાગરિક બની ગયો ત્યાર બાદ તેને પાકિસ્તાન આર્મીમાં અરજી કરી હતી અને તેની અરજી સ્વીકારાતા તેની પાકિસ્તાન આર્મીમાં ભરતી થઈ હતી.
રવિંદર પાકિસ્તાની આર્મીમાં જોડાયો અને તેણે ઘણી બધી ગુપ્ત માહિતી ભારતીય સિક્રેટ એજન્સીને આપવાની શરૂ કરી. હેરાન કરે એવી વાત તો એ છે કે રવિંદર એટલી ખૂફિયા રીતે કામ કરતો હતો કે કોઈ દિવસ પાકિસ્તાની આર્મીને તેના પર શંકા નહોતી ગઈ. રવિંદર દરેક કામ પોતાની સુજબુજથી કરતો અને કોઈ પણ પગલા લેવા પહેલા વિચારતો. માત્ર આટલું જ નહીં પણ સમય જતા રવિંદર પાકિસ્તાની આર્મીનો મેજર પણ બની ગયો હતો.
રવિંદર તેના મિશન દરમિયાન એક સ્વરૂપવાન પાકિસ્તાન યુવતી અમાનત સાથે પ્રેમમાં પડ્યો હતો અને થોડા જ સમયમાં તેણે અમાનત સાથે નિકાહ કર્યા હતા. જ્યારે, થોડા સમય બાદ તેની પત્નીએ બાળકને જન્મ આપ્યો હતો. તેની જિંદગી હવે 2 ફાંટામાં ફંટાઈ ગઈ હતી એક તરફ દેશ પ્રેમ અને બીજી બાજુ પરિવાર પ્રેમ. જેમાં, એક દિવસ રો પાસેથી રવિંદરને મેસેજ આવ્યો હતો કે તેની મદદ માટે, રો વધુ એક સહયોગી મોકલી રહી છે. જેની સહમતી રવિંદરે આપી હતી.
રવિંદરનો સહયોગી ઈનાયત મસિહા પાકિસ્તાન પહોંચી તો ગયો પણ તેવું કવર ખુલી ગયું હતું અને તે પકડાઈ ગયો હતો. પકડાયા બાદ તે ઈનાયતે લાંબા સમય સુધી યાતનાઓ સહન કરી હતી. પરંતુ, આખરે તે ટૂટી ગયો અને તેણે રવિંદરની ઓળખ તેમજ મિશન વિશેની માહિતી પાકિસ્તાન આર્મીને આપી દિધી. જેના કારણે રવિંદર કૌશિકની ઓળખ ખુલી પડી ગઈ હતી.
1983માં રવિંદરની ઓળખ ખુલી થઈ હતી અને તે વાત પાકિસ્તાન આર્મીમાં ચારોકોર ફેલાઈ ગઈ હતી. જેના કારણે રવિંદર પાકિસ્તાની આર્મીમાંથી ભાગી છુંટયો હતો અને તેણે ભારત પાસે મદદ માંગી હતી. પરંતુ, એક એજન્ટની ઓળખ થાય તો કોઈ પણ દેશ તેનો સાથ નહીં આપે તેવી જ રીતે ભારતે પણ તેને મદદનો ઈન્કાર કર્યો હતો. જેના પગલે તે પાકિસ્તાની સુરક્ષા એજન્સીના હાથે પકડાયો હતો અને તેને સિયાલકોટની જેલમાં પુરી દેવામાં આવ્યો હતો. અનેક વર્ષ સુધી તેના પર યાતનાઓ ગુજારવામાં આવી. પરંતુ તેનો દેશ માટે પ્રેમ ક્યારેય ઓછો થયો ન હતો અને પાકિસ્તાન તેની પાસેથી કોઈ માહિતી કઢાવી ના શક્યું.
1985માં પાકિસ્તાન આર્મી દ્વારા રવિંદર પર કેસ ચલાવવામાં આવ્યો અને તેના પર અનેક આરોપ લગાવવામાં આવ્યા હતા. જેમાં, તેને કોર્ટે ફાંસીની સજા સંભળાવામાં આવી. જો કે પાકિસ્તાની સુપ્રિમ કોર્ટે આ સજાને ઉમર કેદની સજામાં ફેરવી હતી. ત્યારે, 16 વર્ષની લાંબી કેદ બાદ 2001માં બ્લેક ટાઈગરનું પાકિસ્તાનની જેલમાં ટ્યુબરક્લોસીસની બિમારીથી મૃત્યુ થયું હતું.
રવિંદરના મૃત્યુ બાદ તેનું શરીર પણ ભારતીય સરકારે સ્વીકાર્યું ન હતું. જે સમયે રવિંદરની ધરપકડ થઈ હતી તે સમયે ઈન્દીરા ગાંધીની સરકાર હતી અને તે સરકારે તમામ રેકોર્ડ નષ્ટ કરી નાખ્યા હતા. રવિંદર જ્યારે જેલમાં હતો ત્યારે તેણે પોતાના પરિવારને અનેક પત્ર લખ્યા હતા. જેમાં તેણે તેના પર કરવામાં આવતી યાતનાઓ વિશે પણ જણાવ્યું હતું.