આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકરોએ રાતોરાત યોગી ગાર્ડનનું નામ બદલી પાટીદાર ગાર્ડન કરી નાખ્યું, નામને લઈને શરુ થયો વિવાદ

News

સુરત મહાનગર પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 27 સીટો કબજે કરી હતી. સુરત પાલિકામાં હવે આમ આદમી પાર્ટી વિરોધ પક્ષ બની ગઈ છે. આ જીત બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઘણી ઉત્સાહિત છે, તો આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સુરતમાં આવી રોડ શો કર્યો હતો. આ જીત બાદ આપના કોર્પોરેટરો ઉત્સાહમાં છે.

સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલા ગાર્ડનનું નામ ઘણા સમયથી પાટીદાર ગાર્ડન કરવાની માંગ લોકો કરી રહ્યાં હતા. વોર્ડ નંબર 17માં કોર્પોરેટર તરીકે ચૂંટાયા બાદ કાર્યકરો અને લોકોએ મળીને રાત્રે કોર્પોરેટરોનો બોલાવ્યા હતા. તેઓ ન જઈ શકતા લોકોએ મળી ગાર્ડનનું નામ બદલી નાખ્યું હતું.

કોઈપણ ઠરાવ વગર નામ બદલી નાખ્યા બાદ વિવાદ શરૂ થતા આપના કોર્પોરેટરે કહ્યું કે, હવે અમે કમિશનર પાસેથી સહમતિ લઈશું અને ત્યાર બાદ ગાર્ડનનું નામ બદલીને પાટીદાર ગાર્ડન કરીશું.

જો ગાર્ડનનું નામ બદલવું હોય તો પાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ પસાર થયા બાદ નામ બદલવું જોઈએ. આવી રીતે સુરત મહાનગર પાલિકાની કોઈ પણ જગ્યાનું નામ બદલી શકાય નહિ. નવા નામ અંગે વિવાદ શરૂ થતા ફરી પાટીદાર ગાર્ડન નામ હટાવી જૂના નામનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું.

યોગી ચોક વિસ્તારમાં આવેલું ગાર્ડન પાલિકાએ બનાવ્યું છે. ત્યાં આમ આદમી પાર્ટીના ઉત્સાહી કાર્યકરોએ નામ બદલી નાખ્યું હતું. આપના કોર્પોરેટર ધર્મેન્દ્ર ભંડેરી અને આપના કાર્યકરો તથા સ્થાનિક લોકોએ સાથે મળી રાત્રે જ ગાર્ડનનું નામ બદલી નાખ્યું હતું. આમ ગાર્ડનના નામને લઈને પણ સુરતમાં રાજકારણ શરૂ થઈ ગયું છે.

આ અંગે વાત કરતા આપના કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ કહ્યુ કે, યોગી ચોક વિસ્તારમાં પાટીદારોની વસ્તી વધારે છે. આ ગાર્ડનનું નામ પાટીદાર ગાર્ડન લોકોએ જ આપ્યું હતું. તેમણે કહ્યું કે, લોકોની લાગણી જોઈને આ પાટીદાર નામ કરી દેવામાં આવ્યું હતું. આપ નેતાએ કહ્યું કે, હવે અમે કમિશનર સાથે મુલાકાત કરી લોકોની માગ પ્રમાણે નામ રાખવામાં આવે તેમ કરીશું.

Leave a Reply

Your email address will not be published.