માત્ર આ કારણને લીધે શરૂ થઇ હતી હોન્ડા કંપની, કારણ જાણીને લાગશે નવાઈ…

Story

જાપાનમાં રહેતા સોઇચિરો નામના એક ઇજનેરે કારમાં વપરાતા પિસ્ટનની ખાસ ડીઝાઇન તૈયાર કરી. આ પિસ્ટનની ડીઝાઇન તૈયાર કરવામાં એણે પોતાની જાત હોમી દીધી હતી. રાત-દિવસના ઉજાગરા પછી તૈયાર કરેલી આ ડીઝાઇન સોઇચિરો માટે સર્વસ્વ હતું. 

પિસ્ટનની ડીઝાઇન લઇને એ તે સમયની કાર ઉત્પાદનમાં અવલ્લ ગણાતી ટોયેટો કંપનીના એન્જીનિયર્સને મળ્યો. સોઇચિરોનું સપનું હતુ કે ટોયેટો કંપની એની ડીઝાઇન સ્વીકારે અને ડીઝાઇન મુજબના પિસ્ટન પુરા પાડવાનો કંપની તરફથી એમને ઓર્ડર મળે. કંપનીના ઇજનેરોએ ડીઝાઇન પર નજર નાંખ્યા વગર જ ડીઝાઇનને રીજેક્ટ કરી દીધી. સોઇચીરો હિંમત હાર્યા વગર વારંવાર કંપનીનો સંપર્ક કરતા રહ્યા.

વારંવારના પ્રયત્નોના પરિણામરુપે એ ટોયેટો કંપનીના ટોપ મેનેજમેન્ટને મળવામાં અને સમજાવવામાં સફળ રહ્યા. કંપની તરફથી એમની ડીઝાઇન સ્વીકારવામાં આવી અને પિસ્ટન પુરા પાડવાનો ઓર્ડર આપવામાં આવ્યો. 

સોઇચિરોને પોતાનું સપનું સાકાર થતું હોય એમ લાગ્યુ. પોતાની બધી જ સંપતિનું રોકાણ કરીને પિસ્ટન બનાવવા માટેની ફેકટરી નાંખી. હજુ તો ઉત્પાદન શરુ થાય એ પહેલા જાપાનમાં ભયંકર ભૂકંપ આવ્યો અને ઉભી થયેલી ફેકટરી જમીનદોસ્ત થઇ ગઇ. ફેકટરી પડી ભાંગી પણ સોઇચિરોની હિંમત અણનમ હતી. એણે સગાસંબંધીઓ અને મિત્રો પાસેથી ઉછીના નાણા લઇને ફરીથી નવી ફેકટરી ઉભી કરી. 

ભગવાન પણ જાણે કે એની કસોટી કરતા હોય એમ ફેકટરી તૈયાર થઇ તે જ સમયે બીજુ વિશ્વયુધ્ધ શરુ થયુ. એક બોંબ સોઇચિરોની ફેકટરી પર પડયો અને બધુ જ ખતમ થઇ ગયુ. આ માણસ હિંમત હાર્યા વગર ફરીથી મંડી પડ્યો. બેંક પાસેથી લોન મેળવીને ત્રીજીવાર ફેકટરી ઉભી કરી. પિસ્ટનનું ઉત્પાદન પણ શરુ થઇ ગયુ પણ હવે એક નવી સમસ્યા આવી. સમયસર પિસ્ટન પૂરા ના પાડવાને કારણે ટોયેટો કંપનીએ પિસ્ટન પૂરા પાડવાનો ઓર્ડર જ રદ કરી દીધો. 

સોઇચિરોએ પોતાની મુશ્કેલી સમજાવી પણ કંપની તરફથી કોઇ પ્રતિભાવ ના મળતા પિસ્ટનનો ઉપયોગ કરવા પોતે જ હવે કાર બનાવશે એમ નક્કી કર્યુ. આ માટે એણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો પણ પોતાના બનાવેલા પિસ્ટનનો ઉપયોગ કરવા માટે સોઇચિરો હોન્ડાએ સ્થાપેલી કાર ઉત્પાદન કરનારી કંપની “હોન્ડા” આજે ટોયેટોથી પણ આગળ નીકળી ગઇ છે. 

નિષ્ફળતા દરેકના જીવનમાં આવે છે પણ જે માણસ નિષ્ફળતાથી ડરી જવાના બદલે નિષ્ફળતાઓને જ ડરાવી દે છે એને સફળતા વરમાળા પહેરાવે છે.

શૈલેષ સગપરીયા 

Leave a Reply

Your email address will not be published.