ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનના યુદ્ધનું એક કારણ આ મસ્જિદ પણ છે, જાણો કેમ બન્ને ધર્મના લોકો માટે છે મહત્વનું…

News

હાલના દિવસોમાં, કોરોના સિવાય જો કોઈ વાતની ચર્ચા થઈ રહી હોય તો એ ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચેના સંઘર્ષને લઈને ચાલી રહી છે. આ હિંસામાં અત્યાર સુધીમાં લગભગ 50 લોકોનાં મોત નીપજ્યાં છે. એક તરફ પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ દ્વારા ઇઝરાઇલ પર રોકેટ હુમલો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ઇઝરાયલે પણ હવાઈ હુમલો કરીને ગાઝા પટ્ટીમાં આવેલી ઇમારતોને નિશાન બનાવી છે. ઇઝરાઇલે દાવો કર્યો છે કે તેના હુમલામાં 43 લોકોનાં મોત નીપજ્યાં છે અને તેમાંથી ઘણા હમાસના ઉચ્ચ કમાન્ડર પણ છે. ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો આ સંઘર્ષ જેરુસલેમની અલ અક્સા મસ્જિદને કારણે છે. ચાલો જાણીએ, અલ અક્સા મસ્જિદને લગતો આ વિવાદ શું છે.

અલ-અક્સા મસ્જિદ કેમ મહત્વની છે?

અલ-અક્સા મસ્જિદ ઇસ્લામના અનુયાયીઓ માટે એક પવિત્ર સ્થળ છે. આ મસ્જિદ 35 એકરમાં બનાવવામાં આવી છે અને મુસ્લિમો તેને હરામ અલ-શરીફ તરીકે ઓળખે છે. યહુદીઓનું મંદિર માઉન્ટ પણ આ સ્થળે સ્થિત છે. અલ અક્સા મસ્જિદ જેરુસલેમના જૂના શહેરમાં સ્થિત છે, જે ત્રણેય ધર્મ એટલે કે મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને યહૂદીઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે. ઇસ્લામિક માન્યતા મુજબ 620 એડીમાં મોહમ્મદ પેગમ્બરે ઈસ્ત્રા અને મિરાજનો અનુભવ કર્યો હતો. ઇસ્લામી માન્યતાઓ અનુસાર, પયગંબર એક જ રાતમાં મક્કાથી અક્સા સુધીની મુસાફરી કરી હતી. અરબી ભાષામાં અક્સાનો અર્થ ખૂબ જ દૂર થાય છે. અહીં દર વર્ષે હજારો મુસ્લિમો ઇબાદત માટે પહોંચે છે.

યહુદીઓ માટે આ સ્થાન કેમ છે પવિત્ર

યહુદીઓ આ સ્થાનને ટેમ્પલ માઉન્ટ કહે છે. પ્રાચીન સમયમાં બાંધવામાં આવેલા બે મંદિરો અહીં સ્થિત છે. બાઇબલ મુજબ, પ્રથમ મંદિર રાજા સુલેમાન દ્વારા બનાવવામાં આવ્યું હતું અને બેબીલોનના લોકોએ તેનો નાશ કર્યો હતો. આ પછી બીજું મંદિર બનાવવામાં આવ્યું, જે રોમન સામ્રાજ્ય દ્વારા પ્રથમ સદીમાં નાશ પામ્યું હતું. યુનેસ્કોએ જેરુસલેમના ઓલ્ડ સિટીને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કર્યું છે.

અલ અક્સા મસ્જિદના નિયંત્રણમાં કોણ છે?

ઇઝરાઇલે અરબ દેશો સાથેના સંઘર્ષ દરમિયાન 1967 માં, જૂના શહેર સહિત, પૂર્વ જેરૂસલેમ કબજે કર્યું હતું. આ પછી જ ઇઝરાયેલે આખું યરૂશાલેમને તેની રાજધાની તરીકે ઘોષીત કરી દીધું હતું પણ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે મંજૂરી મળી નહીં. જુના જેરૂસલેમમાં જ અલ-અક્સા મસ્જિદ છે, તેથી એક રીતે તેના પર ઇઝરાઇલનું જ નિયંત્રિત છે, પરંતુ પરસ્પર સંમતિથી તેનો વહીવટ વકફ બોર્ડ પાસે છે. જેનું ભંડોળ અને કન્ટ્રોલ જોર્ડન દ્વારા કરવામાં આવે છે. 1994 માં, જોર્ડન સાથે આ સંદર્ભમાં ઇઝરાઇલ સાથે કરાર પણ કરવામાં આવ્યો હતો.

હવે કેમ વિવાદ થયો છે

છેલ્લા કેટલાક દિવસોમાં અલ-અક્સા મસ્જિદ નજીક યહૂદીઓ અને પેલેસ્ટાઇનના લોકો વચ્ચે વિવાદ થયો હતો. એવો આરોપ છે કે ઘણા પેલેસ્ટાઈન લોકોએ યહૂદીઓ પર હુમલો કર્યો હતો. આ પછી, એક યહૂદી જૂથે આરબ મુર્દાબાદના સૂત્રોચ્ચાર કરતાં એક રેલી કાઢી હતી. આ ઉપરાંત પેલેસ્ટાઇનોએ પણ રમઝાન પ્રસંગે મસ્જિદમાં પ્રવેશ ન કરવા દેવાનો આરોપ લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અલ અક્સા મસ્જિદ ઉપરાંત, પેલેસ્ટાઈનોને શેખ જારરાહથી હટાવવાને કારણે પણ વિવાદ થયો છે.

Leave a Reply

Your email address will not be published.