પૃથ્વીને બચાવવા માટે ભગવાન વિષ્ણુને લેવો પડયો વરાહ અવતાર…

Dharma

સનાતન ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. સનાતન પરંપરા મુજબ આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. એ કારણ છે કે ઘણા બધા લોકો એકાદશીને હરી વાસર કે પછી હરીનો દિવસ કહે છે. હિંદુ પંચાંગના દરેક મહિનામાં બે એકાદશી આવે છે. આ વર્ષે 2021 માં 7 મે ના રોજ વુરુથીની એકાદશી ઉજવવામાં આવશે.

વરુથીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજા થાય છે. માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન વરાહની કથા સાંભળવા કે વાંચવાથી વ્યક્તિને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુના વરાહ અવતારમાં જન્મ લેવા પાછળ એક ઘણી જ રસપ્રદ કથા રહેલી છે. અને આજે અમે આપણે આ લેખમાં ભગવાન વરાહના જન્મની કથા વિષે જાણીશું.

માન્યતા છે કે, વૈકુંઠ લોકના બે દ્વારપાલો એટલે જય અને વિજયને સપ્તર્ષિએ શ્રાપ આપ્યો હતો. શ્રાપ એ હતો કે, આવનારા ત્રણ જન્મ સુધી તે પૃથ્વી ઉપર દૈત્યના  રૂપમાં જન્મ લેશે. આ શ્રાપને કારણે જ બંને દ્વારપાલ પહેલા જન્મમાં કશ્યપ ઋષિ અને તેમની અર્ધાંગીની દિતિના પુત્રોના રૂપમાં જન્મ લીધો હતો. જેમાંથી એકનું નામ હિરણ્યાક્ષ જયારે બીજાનું હિરણ્યકશિપુ હતું.

હિરણ્યાક્ષ શબ્દ બે શબ્દો માંથી મળીને બને છે : હિરણ્ય અને અક્ષ. હિરણ્યનો અર્થ છે સ્વર્ણ એટલે સોનું જયારે અક્ષ આંખને કહેવામાં આવે છે. આ રીતે હિરણ્યાક્ષનો અર્થ બીજાની ધન સંપત્તિ ઉપર આંખ એટલે કે નજર રાખવા વાળા.

દૈત્ય હિરણ્યાક્ષે યજ્ઞ અને તપસ્યા કરી પોતાનું બળ વધાર્યું અને ધરતી અને દેવતાઓ ઉપર અત્યાચાર કરવાનું શરુ કરી દીધું. હદ તો ત્યારે થઇ ગઈ જયારે તેણે પૃથ્વીને સમુદ્રમાં સંતાડી દીધી.

હિરણ્યાક્ષ દ્વારા પૃથ્વીને સંતાડી દીધા પછી બધા દેવતા પરમપિતા ભગવાન બ્રહ્મા પાસે ગયા અને તેમની પાસે સૃષ્ટિને હિરણ્યાક્ષથી મુક્ત કરવાની પ્રાર્થના કરી. પરિણામ સ્વરૂપ ભગવાન બ્રહ્માના નાક માંથી વરાહ નારાયણનો જન્મ થયો. ભગવાન વિષ્ણુનો આ અવતારમાં જોઈ બધા દેવતાઓએ તેમને પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરીને તેમની પાસે મદદની પ્રાર્થના કરી. ભગવાન વરાહે તેમના નાકની મદદથી તે સ્થાન શોધ્યું જ્યાં હિરણ્યાક્ષે પૃથ્વીને સંતાડી હતી.

બીજી તરફ હિરણ્યાક્ષ પાતાળ લોક પહોંચી ગયો હતો અને ત્યાં વરુણ દેવતાને યુદ્ધ  કરવા માટે પડકાર્યા. વરુણ દેવતાએ તેનો પડકાર સાંભળીને તેને જણાવ્યું કે, તે આટલા બળવાન દૈત્ય સાથે લડવા સક્ષમ નથી.

તેમણે હિરણ્યાક્ષને સલાહ આપી કે, તે જઈને ભગવાન વિષ્ણુ સાથે યુદ્ધ  કરે. હિરણ્યાક્ષ ભગવાન વિષ્ણુને શોધવા નીકળી પડ્યા. રસ્તામાં દેવર્ષિ નારદ મળ્યા તો તેમણે જણાવ્યું કે, ભગવાન વિષ્ણુ વરાહ અવતાર લઇ ચુક્યા છે અને આ સમયે પૃથ્વીને સમુદ્ર માંથી બહાર કાઢી રહ્યા છે. આ સાંભળીને હિરણ્યાક્ષ તે સ્થાન ઉપર પહોંચ્યો જ્યાં તેણે પૃથ્વીને સંતાડી હતી. ત્યાં ભગવાન વરાહ નારાયણ પહેલાથી જ હાજર હતા અને પોતાના દાંતથી પૃથ્વીને ઉપાડીને લઇ જઈ રહ્યા હતા. તે જોઈ હિરણ્યાક્ષે ભગવાન વરાહ સાથે યુધ્ધ કર્યું, જેમાં ભગવાન વરાહે દૈત્ય હિરણ્યાક્ષના પેટને પોતાના દાંત અને જડબાથી ફાડીને તેનો નાશ  કરી દીધો. ત્યાર પછી ભગવાન વરાહે પૃથ્વીને તેના મૂળ સ્થાન ઉપર સ્થાપિત કરી અને અંતર્ધાન થઇ ગયા. 

માન્યતા છે કે, ભગવાન વિષ્ણુએ 24 અવતાર લીધા છે. આ 24 અવતારોમાં વરાહ અવતાર ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર માનવામાં આવે છે. આ પહેલા બે અવતાર મત્સ્ય અને કચ્છપ હતા. વરાહ અવતાર લેવા સાથે જ પહેલી વખત ભગવાનના ચરણ મનુષ્યના રૂપમાં પૃથ્વી ઉપર પડ્યા હતા. ભગવાન વિષ્ણુનો વરાહ અવતારનું માથું ભૂંડનું હતું જયારે દેહ મનુષ્યનો હતો. એ કારણ છે કે ભગવાન વિષ્ણુના આ અવતારનું સનાતન ધર્મમાં ઘણું મહત્વ છે.

Leave a Reply

Your email address will not be published.