ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં પુષ્કળ વરસાદ પડે છે. પરંતુ ડુંગરાળ અને પથરાળ વિસ્તાર હોવાને કારણે અહીં તમામ સરકારી યોજનાઓ કામ કરતી નથી અને આખરે લોકોને માઇલો દૂર કોતરોમાં પાણી મળે છે.પાણીની અછતથી ડાંગની મહત્તમ વસ્તી માટે ખેતી કરવી મુશ્કેલ બને છે. પરંતુ વસુર્નાના એક ખેડૂતે પોતે 32 ફૂટ કૂવો ખોદી પાણીની વ્યવસ્થા કરી.
ખેડૂતે કહ્યું કે જાતે કૂવો ખોદ્યો છે, પરંતુ હવે સરકાર કૂવાની અંદર બહાર પાકું બાંધકામ કરી આપે તો પાણી માટે પડતી સમસ્યા દૂર થઈ જશે.
ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવાથી 17 કિમી દૂર આવેલા વાસુર્ણા ગામમાં રહેતા 60 વર્ષીય ખેડૂત ગંગાભાઈ જીવલ્યાભાઈ પવારને ખેતી કરવા કુવાની જરૂર હોઈ 20 વર્ષથી સરપંચનો સંપર્ક કરતા હતા. સરકાર પાસે વારંવાર કૂવાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ તેમની માંગણી સ્વીકારવામાં આવી ન હતી. તેને જાતે કૂવો ખોદવાનું શરૂ કર્યું, પહેલો કૂવો 10 ફૂટ ખોદ્યા પછી ખડક બહાર આવી એટલે તેને પડતો મૂકીને બીજો કૂવો ખોદવાનું શરૂ કર્યું અને તેમાં આઠથી નવ ફૂટ ખોદ્યા પછી ખડક જોવા મળતા તેને મૂકીને તેણે ત્રીજો કૂવો ખોદવાની શરૂઆત કરી.
ત્રીજા કૂવામાંથી 15 ફૂટ પાણી નીકળ્યું, પરંતુ સિંચાઈ યોજનામાં અન્ય ખેડૂતોને ફાળવ્યા બાદ ગંગાભાઈએ ચોથો કૂવો ખોદવાનું શરૂ કર્યું. રાત-દિવસ જોયા વિના જયારે પણ આંખ ખુલી જાય ત્યારે કૂવો ખોદતાં હતા. એકલા હાથે 14 મહિના સુધી સખત મહેનત કરી 32 ફૂટનો કૂવો ખોળ્યાં પછી ખેડૂતની મેહનત રંગ લાવી. 32 ફૂટનો કૂવા માં પાણી નીકળતા ખેડૂતનો 14 મહિનાનો થાક પાણીને જોતા પળવારમાં દૂર થઈ ગયો હતો.
આ સાંભળીને તેના પરિવારના સભ્યો ખૂબ ખુશ થઈ ગયા. ગ્રામજનોની સાથે-સાથે લોકો પણ તેમના કૂવા જોવા ઉમટી પડ્યા હતા, લોકોએ કુવામાં ઉતરીને ખાતરી કરી હતી અને ખેડૂતની મહેનતને બિરદાવી હતી. આ અંગે ગામના સરપંચ ગીતાબેન ગાવિતને જાણ થતાં તેઓ પણ તેમના કૂવા પર દોડી ગયા હતા અને તેમની મહેનતના વખાણ કર્યા હતા.