સુરતની રોજ થતી મ્યુઝીકલ નાઈટ, સંગીતકાર બનવાના અધૂરા રહેલા સપનાને કરે છે પુરા, દરેકને મળે છે ગીત ગાવાનો મોકો

Story

આપણે સામાન્ય રીતે ફિલ્મી ગીતોના કે પ્રાદેશિક સંગીતકારોના સ્ટેજ શો જોઈને મંત્રમુગ્ધ થઈ જઈએ છીએ. કેટલીક વાર પોતાની પણ સ્ટેજ ઉપર ગાવાની ઈચ્છાઓ હોય છે, પરંતુ, જીવનમાં એ મોકો ક્યારે મળી શક્યો નથી હોતો. પરંતુ સુરતમાં તમને જાણીને નવાઈ લાગશે કે, આવા અધૂરા રહી ગયેલા સપનાઓને પૂર્ણ કરવાનું કાર્ય રોજ સુરતના અડાજણના ગાર્ડનમાં થાય છે. જી હા, અહીં જીવનનો એક પડાવ પૂર્ણ થઈ ગયા પછી પણ સંગીતકાર બનવાનું સ્વપ્ન સેવી રહેલા કલાકારોને અનેરો ગીતો ગાવાનો મોકો આપવામાં આવે છે.

ગાર્ડનમાં રોજ રાત્રે કરાઓકે સિસ્ટમ પર ગીતો ગાવા માટે જીવનના એક પડાવ પછીના સંગીતકારો મધુર સંગીત પીરસે છે જેને સાંભળી ગાર્ડનમાં ફરવા આવનારા લોકો પણ મંત્રમુગ્ધ થઈ જાય છે. સુરતના આ ગાર્ડનમાં રોજ મ્યુઝિકલ નાઈટ જોવા અને સાંભળવા મળે છે.

રોજ બે કલાક મનોરંજનના ગીતો ગાય છે
ટીવી રેડિયો કે મોટા સ્ટેજ ઉપર સારા સારા સંગીતના ગીતો સાંભળી સાથે આપણે પણ ગણગણતા હોઈએ છીએ. પોતાને પણ જાહેરમાં ગીતો ગાવાનો અને લોકો તેને સાંભળે તેવી ઈચ્છા થતી હોય છે. પરંતુ, તેમાં ભવિષ્ય નહીં બને તેવું માની જીવનમાં ક્યારેય પ્રથમ સ્થાન સંગીતને આપ્યું નહીં હોય અને જીવનનું આ સ્વપ્ન મનમાં જ અને એકલા એકલા જ ગીતો ગણ ગણીને પૂરું કરી નાખીએ છીએ. પરંતુ જીવનનું અધૂરું રહી ગયેલું સંગીતકાર બનવાનું આ સપનું જીવનના એક પડાવ પૂર્ણ થઈ ગયા બાદ પણ પૂરું કરી શકાય છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા જ્યોતિન્દ્ર દવે બાગમાં આવા અધૂરા રહી ગયેલા સપનાને પૂરું કરવા માટે સમભવ વરિષ્ઠ નાગરિક મંડળ કામ કરી રહ્યું છે. રોજ કરાઓકે સિસ્ટમ પર બગીચામાં ભેગા થઈને બે કલાક મનોરંજનના ગીતો ગાવામાં આવે છે.

સંગીતકારના સપના પૂરા કરવાનું કામ કરે છે
સુરતના અડાજણમાં દરેક લોકો જે કરાઓકે સિસ્ટમ પર ગીતો ગાયને મનોરંજન કરી રહ્યા છે, તેઓ સમભાવ વરિષ્ઠ નાગરિક મંડળ હેઠળ જોડાયેલા છે. આ ગ્રુપ લોકોના સંગીતકાર બનવાના જીવનના અધુરા સપનાને પૂરું કરવા માટે બનાવ્યું છે. જાહેરમાં જેને ગીતો ગાવાનો શોખ હતો પરંતુ તે જીવનના કોઈને કોઈ કારણોસર પૂરો ન થઈ શક્યો હોય તેવા માટે સમભાવ વરિષ્ઠ નાગરિક મંડળ આશાનું કિરણ બની જીવનના અંતિમ પડાવમાં પણ અધૂરો રહી ગયેલો શોખ પૂરું કરવાનું કાર્ય કરે છે. બાગમાં આવતા સંગીતપ્રેમી લોકોને જાહેરમાં ગીત ગાવાનો મોકો આપે છે અને એક ઉત્તમ પ્લેટફોર્મ વિના મૂલ્ય પૂરું પાડે છે.

5 લોકોથી શરૂ થયેલું ગ્રુપ આજે 100ને પાર
આજથી અંદાજે સાડા ત્રણ વર્ષ પહેલા સમભાવ વરિષ્ઠ નાગરિક મંડળ શરૂ કરવામાં આવ્યું હતું. આ મંડળની રચના પણ એક બાગમાં જ કરવામાં આવી હતી. આ મંડળની શરૂઆત માત્ર 5 લોકોથી થઈ હતી. સંગીતના શોખીન અને મંડળના સંચાલન કરતા રાજુભાઈ ઠક્કર અને પરેશભાઈ ગાંધી દ્વારા કરાઓકે સિસ્ટમ પર જાહેરમાં ગીત ગાવા માટેની શરૂઆત કરવાની રજૂઆત કરાઈ હતી. ગ્રુપના સભ્યો આજથી અંદાજે સાડા ત્રણ ચાર વર્ષ પહેલાં નાનકડા એવા એક શાંતિકુંજ બાગમાં નવરાશના સમયે મનની શાંતિ મેળવવા ભેગા થતા હતા અને પોતાના મોબાઈલમાં ગીતો વગાડી ગણગણતાં હતા.

સંગીતના શોખીન રાજુભાઈ ઠક્કર, પરેશભાઈ ગાંધી, ભુપેન્દ્રભાઈ ઠક્કર, દીપક જરીવાલા, ડોક્ટર મનોહર, અતુલ દાદવાલા… આ તમામ દ્વારા એક સમભાવ વરિષ્ઠ નાગરિક મંડળ ગ્રુપ બનાવી તે જ નાના બાગમાં કરાઓકે સિસ્ટમ પર જાહેરમાં ગીતો ગાવાનું શરૂ કર્યું હતું અને ખૂબ જ આનંદ અને મનોરંજન મેળવતા હતા.ધીમે ધીમે આ ગ્રુપમાં સંગીતના શોખીનકારો જોડાવા લાગ્યા. જેને જીવનમાં ગીત ગાવાનો શોખ હતો પણ ગાય ન હોતા શક્યા તેવાને આ ગ્રુપ પ્લેટફોર્મ આપતું રહ્યું અને આજે 100 કરતાં પણ વધુ સંગીત શોખીન જોડાઈ પોતાનો શોખ પૂરો કરી રહ્યા છે.

જુદા-જુદા તમામ વર્ગના લોકો ગીતો ગાવા આવે છે
સમભાવ વરિષ્ઠ નાગરિક મંડળના સભ્ય પરેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે, અમે શરૂ કરેલું આ કાર્ય દરેક પોતાની રીતે ગીત ગાઈ શકે અને શોખ પૂરો કરી શકે તે માટે કર્યું છે. અમારું આ મંડળ પાંચ લોકોથી શરૂ થયા બાદ તેમાં ધીમે ધીમે 35 થયા અને ત્રણ વર્ષ બાદ આજે 100 થી પણ વધુ સંગીત પ્રિય લોકો જોડાઈ ગયા છે. જેને પણ જીવનમાં ગાવાનો શોખ હતો, તેને અમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. પછી તેમાં તમામ વર્ગના લોકો જોડાયા છે.

અમારા આ ગ્રુપમાં વેપારી, નોકરીયાત, ડોક્ટરો, શિક્ષકો, વકીલો, સરકારી નોકરીના કર્મચારીઓ જેવા તમામ જુદા જુદા વર્ગના સંગીત પ્રિય અને શોખીન પોતાના અધુરા સપના પૂરા કરવા અહીં ગીતો ગાવા આવે છે. હું પોતે ટેક્સટાઇલ વેપારી છું અને બોમ્બે માર્કેટમાં કાપડનો વેપાર કરું છું મારી જેવા બીજા અનેક હીરાના અને ટેક્સટાઇલના વેપારી છે જે દૂર દૂરથી અહીં ગીતો ગાવા માટે આવે છે.

35થી લઈને 75 વર્ષ સુધીના સંગીત પ્રિય લોકો જોડાયા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મંડળની શરૂઆત કોઈપણ ઉંમરના સંગીત પ્રિય લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે બનાવવામાં આવ્યું છે. જે પણ વ્યક્તિને ગીત ગાવાનો શોખ હોય અને તેને ગીત જાહેરમાં ગાતા ન પણ આવડતું હોય તો તેઓને જોડાઈને શીખવાડવામાં પણ આવે છે. અમારા આ ગ્રુપમાં 35 વર્ષથી લઈને 75 વર્ષ સુધીના સંગીત પ્રિય કલાકારો જોડાયેલા છે. 60થી 75 વર્ષની ઉંમરના કલાકારો પણ તેમની આ ઉંમરે અદભુત સ્વર સાથે કરાઓકે પર ગીતો ગાય છે અને લોકોને મંત્રમુગ્ધ કરી મૂકે છે. અમને ખૂબ જ આનંદ થાય છે. જ્યારે આટલી મોટી ઉંમરના વ્યક્તિઓને તેમના ઉંમરના અંતિમ પડાવ ઉપર તેમનું અધૂરું રહી ગયેલું સપનું જ્યારે પૂરું થાય છે અને તેમનો ગાવાનો શોખ માટે અમે એક માધ્યમ બનીએ છીએ.

દરેક સંગીત પ્રિય કલાકારોને મોકો આપવા માટે બનાવ્યું છે મંડળ
તેમણે ઉમેર્યુ હતું કે સમભાવ વરિષ્ઠ નાગરિક મંડળ દરેક સંગીત પ્રિય કલાકારોને એક મોકો આપવા માટે બનાવવામાં આવ્યું છે. કોઈપણ ધર્મની નાત જાત જોયા વગર સંગીતના કલાકારો માટે આ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. કારણ કે આજથી સાડા ત્રણ વર્ષ પહેલા મારી સાથે એવી ઘટના બની હતી કે, ફરવા લાયક સ્થળ પર એક ગ્રુપ દ્વારા આ જ રીતે કરાઓકે સિસ્ટમ પર ગીતો ગવાઈ રહ્યા હતા. હું સંગીતનો શોખીન તેઓને જોઈને મને પણ એક ગીત ગાવાનું મન થયું હતું. જેથી મેં તેમની પાસે એક ગીત ગાવા માટે મોકો માંગ્યો હતો, ત્યારે તેમણે મને પોતાનું ખાનગી ગ્રુપ હોવાનું કહી મોકો આપવાની ના પાડી હતી

જેથી અમારું જ્યારે આ મંડળ બન્યું ત્યારે અમે નક્કી કર્યું હતું કે, મારી સાથે બન્યું તે બીજા સાથે ન બને અને મારા જેવા બીજા જે પણ કોઈ સંગીત પ્રિય કલાકારો હોય કે જેમને મોકો જોઈતો હોય તેવા દરેકને આ ગ્રુપ થકી મોકો આપવા આવશે તેવું નક્કી કરાયું હતું. અને મારી જેમ અન્યના જીવનના અધુરા સપના પૂર્ણ કરવાનું કાર્ય કરવામાં આવશે.

મ્યુઝિકલ નાઈટ માટે દૂર દૂરથી સંગીત પ્રેમીઓ આવે છે
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા જ્યોતિન્દ્ર દવે બાગમાં સમભાવ વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા દરરોજ બે કલાક મ્યુઝિકલ નાઈટ ચલાવવામાં આવે છે. રાત્રે 9 વાગ્યાથી શરૂ કરી 11 વાગ્યે બાગ બંધ થાય ત્યાં સુધી મ્યુઝિકલ નાઈટ ચાલે છે. કરાઓકે સિસ્ટમ પર મોટા મોટા સંગીતકારોને પણ શરમાવે તે અદા અને ખુમારીથી સંગીત પ્રિય કલાકારો દ્વારા ગીતો ગાવામાં આવે છે. જેને સાંભળવા દૂર દૂરથી લોકો આવે છે. ગ્રુપના સભ્ય પરેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે, 20- 20 કિમી દૂરથી અમારા ગ્રુપમાં માત્ર બે કલાક માટે ગીતો ગાવા માટે આવે છે. જ્યારે 6થી 7 કિમી દૂરથી ગીતો સાંભળવા માટે પણ લોકો અહીં આવે છે, ત્યારે અનપ્રોફેશનલ કલાકારો જ્યારે સંગીતના ગીતો ગાયને પૂરું કરે છે, ત્યારે સાંભળનારાઓની તાળીઓ મળે એટલે મંડળને આનંદ આનંદ થઈ જાય છે.

પહેલી વખત જાહેરમાં ગીત ગાયું તો ડર લાગ્યો હતો
સમભાવ વરિષ્ઠ નાગરિક મંડળમાં જોડાઈને ગીતો ગાવાનો શોખ પૂરો થતો હોય તેવા અનપ્રોફેશનલ કલાકાર 33 વર્ષીય પલ્લવી માધવાચાર્ય પોતે બ્યુટીશિયન છે અને બ્યુટી પાર્લર ચલાવે છે. ત્યારે પલ્લવીએ જણાવ્યું હતું કે, મને નાનપણથી જ ગાવાનો શોખ હતો. નાનપણથી જ રેડિયોમાં ગીતો સાંભળતી હતી. પણ ક્યારેય ખુલીને ગાઈ શકી ન હતી અને વર્ષ 2016થી ગાવાનો શોખ ફરી એક વખત મને ચડી ગયો હતો. મારા ગાવાના શોખને પૂરો કરવા હું ઘરે એકલા એકલા ગીતો ગાયા કરતી હતી. મારા શોખને જોઈ મારા પતિએ કરાઓકે સિસ્ટમ ખરીદી ઘરે લઈ આવ્યા હતા.

હું રોજ એકલા એકલા જુદા જુદા પ્રકારના ગીતો ગાયા કરતી હતી. પરંતુ, એક દિવસ મારા પતિ સાથે જ્યોતીન્દ્ર દવે બાગમાં ફરવા આવ્યા હતા, ત્યારે આ ગ્રુપને જાહેરમાં કરાઓકે સિસ્ટમ પર જ ગાતા જોયું હતું. જેથી તેમની સાથે મારા શોખન વાતો કરી તો તેમણે મને તેમના ગ્રુપમાં જોઈન કરીને તાત્કાલિક ગીત ગાવાનો મોકો આપ્યો હતો. 8 થી 10 મહિના પહેલા પહેલી વખત મને જાહેરમાં આ ગ્રુપ દ્વારા ગીત ગાવાનો મોકો મળ્યો હતો. ત્યારે હું તમામની વચ્ચે ગાવા માટે નર્વસ થઈ ગઈ હતી. ડર પણ લાગ્યો હતો. પરંતુ, હવે કોઈપણ ગીત ડર વગર ગાઈ શકું છું. દરરોજ ગીત ગાવા હું અને મારા પતિ અહીં આવીએ છીએ.

બાગમાં ચાલવા આવ્યા ને ગાવાનો શોખ પૂરો થયો
સંગીત પ્રિય કલાકાર હેમલતા પોરીયાએ જણાવ્યું હતું કે, આજે હું જાહેરમાં ગીતો ગાઈ શકું છું, તો મને ખૂબ જ આનંદ થાય છે. સારું લાગે છે, એકથી દોઢ વર્ષ પહેલા હું અને મારા પતિ ગાર્ડનમાં માત્ર વોકિંગ કરવા માટે જ આવતા હતા. અહીં જુદા જુદા ફિલ્મના ગીતો પર રોજ જુદા જુદા લોકોને સાંભળ્યા કરતા હતા. તેઓને ગાતા જોઈ મને પણ મારો જૂનો શોખ પૂરો કરવાનું મન થતું હતું. પણ તેમને કહેતા હિંમત થતી ન હતી. એક વખત મારા પતિ સાથે આ ગ્રુપના સભ્યોને ગીત ગાવાનો મોકો આપવા માટે વાત કરી હતી. જેથી ગ્રુપના સભ્યોએ મને ગાવાનો મોકો આપ્યો હતો.

એટલું જ નહીં તેમણે મને અને મારા પતિને તેમના ગ્રુપ સાથે જોડી દીધા હતા અને જ્યારે પણ ગીત ગાવું હોય ત્યારે રાત્રે 9 થી 11 તેમની સાથે જોડાવાની અનુમતિ આપી દીધી હતી. હું સ્કૂલમાં ભણતી હતી, ત્યારે ક્યારેક ક્યારેક ગીતો ગાઈ લેતી હતી. પછી તો વર્ષોથી ગીતો માત્ર સાંભળવાના જ રહ્યા હતા. જોકે વર્ષો બાદ આટલેથી મારો જુનો શોખ પૂરો થયો છે.

ગીત ગાવાથી મનનો અને કામનો ભાર દૂર થઈ જાય છે
રોજ ગાર્ડનમાં કરાઓકે સિસ્ટમ પર ગીતો ગાવા આવનાર 45 વર્ષીય દિવ્યાંગ મોદી ક્રિમિનલ અને સિવિલના વકીલ છે, તેમણે જણાવ્યું હતું કે, ગીત ગાવાનો તો મને નાનપણથી શોખ હતો. પરંતુ, સંગીતમાં ભવિષ્ય બનાવી શકાશે નહીં. જેથી તેને ક્યારે જીવનમાં પ્રથમ સ્થાન આપ્યું ન હતું અને જીવનની કારકિર્દી બનાવવા પાછળની દોટ પર લાગી ગયો હતો. આજે હું સુરત કોર્ટમાં સિવિલ અને ક્રિમિનલનો વકીલ છું. પરંતુ, હજુ પણ દિલમાં ગાવાનો શોખ તો જીવંત જ છે, ત્યારે જ્યોતિન્દ્ર દવે ગાર્ડનની નજીકમાં જ રહું છું અને ગાર્ડનમાં આવીને આ ગ્રુપમાં જોડાઈને વર્ષો જૂનો સંગીતનો મારો ખરો શોખ આખરે હવે પૂરો થયો ખરી એવું હું માનું છું.

આ ગ્રુપ સાથે હું છેલ્લા એકાદ વર્ષથી જોડાયો છું. પણ ખરેખર અહીં જોડાયા પછી મને અહેસાસ થયો કે, મ્યુઝિક એક અદભુત થેરાપી છે. મને રોજના કોર્ટ, કચેરીના ક્રિમિનલ, સિવિલ કેસના અનેક ટ્રેસ હોય છે. તે રોજ બે કલાકમાં મનનો અને કામનો તમામ ભાર સંગીત સાંભળવાથી અને ગીતો ગાવાથી દૂર થઈ જાય છે. ખરેખર સંગીત સાધના છે અને તે તન અને મનને અમૂલ્ય શાંતિ અપાવે છે.

સંગીત સાંભળવા ઉધનાથી અડાજણ આવીએ છીએ
ગાર્ડનમાં રોજ યોજાતી મ્યુઝિકલ નાઈટને માણવા માટે દૂર દૂરથી સંગીત પ્રિય લોકો આવે છે. ક્યારેય ન નામ સાંભળ્યા હોય તેવા સંગીતકારોને સાંભળવા આવનાર મોનિકા પટેલે જણાવ્યું હતું કે હું ઉધના ભાઠેના રહું છું અને ત્યાંથી મારા પતિ સાથે રોજ જ આવું છું. અમને અહીં ખૂબ જ સરસ લાગે છે.એવું લાગતું જ નથી કે આ તમામ કોઈ અનપ્રોફેશનલ સિંગરો છે. અમે અહીં છેલ્લા 7 મહિનાથી રોજ આ તમામના ગીતો સાંભળવા આવીએ છીએ. વરસાદ હોય કે અન્ય કોઈ પણ પરિસ્થિતિ હોય રોજ બે કલાક અહીં આવવાનું એટલે આવવાનું જ.

કોઈ વાર તો ઓફિસથી મોડું થઈ જાય તો રસ્તામાં વડાપાઉં કે, કાંઈ પણ ખાઈ લઈએ પણ આટલે સંગીત સાંભળવા તો આવવાનું જ. અહીં આવવાથી ખૂબ જ સારું લાગે છે. પરિવાર જેવો માહોલ લાગે છે અને દિવસ દરમિયાન નો મગજ પરનો ભાર અને થાક દૂર થઈ જાય છે. અમારું માઈન્ડ એકદમ ફ્રેશ થઈ જાય છે.

હિન્દુ મુસ્લિમ તમામ સાથે મળીને આનંદ કરે છે
રાંદેરથી સ્પેશિયલ ગાર્ડનની મ્યુઝિકલ નાઈટ સાંભળવા આવનાર હિના પઠાણે જણાવ્યું હતું કે, અમે સ્પેશિયલ રોજ રાંદેરથી અડાજણ અહીં આ તમામના ગીતો સાંભળવા આવીએ છીએ. આ તમામના ગીતો સાંભળીને અમારા મનને ખૂબ જ સુકુન મળે છે. આ બધા ગીતો ગાય છે, ત્યારે બહુ જ એન્જોય કરવામાં આવે છે. અહીં નાત જાત નથી જોવા મળતા, હિન્દુ મુસ્લિમ બધા સાથે મળીને આનંદ કરવામાં આવે છે. જેથી અહીં ખૂબ ખૂબ સુકન મળે છે.આખા દિવસનું ટેન્શન દૂર થઈ જાય છે. અને આ તમામ લોકો જ્યારે ગાય છે, ત્યારે લાગતું જ નથી કે અમે સામાન્ય બાગમાં સાંભળીએ છીએ.

Leave a Reply

Your email address will not be published.