મોટાભાગના ભારતીય ઘરોમાં રોટલી મુખ્ય ભોજનનો એક ભાગ છે. રોટલી શરીરને જરૂરી એવા કાર્બોહાઈડ્રેટ અને એનર્જી પૂરી પાડે છે. પરંતુ જો તમે વજન ઓછુ કરવા માગતા હોવ, તો ઘઉંની રોટલીના બદલે કેટલાક ખાસ પ્રકારના લોટમાંથી બનાવેલી રોટલી ખાવાનું શરૂ દો. તમારા માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે. જ્યારે પણ વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે આપણે સૌ પ્રથમ ભાત અને રોટલી ખાવા પર પ્રતિબંધ મુકીએ છીએ. આપણને લાગે છે કે, તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘટાડવાથી વજન સરળતાથી ઘટી જશે. તમે રોટલીનું સેવન કરવાનું બંધ કરો, તેના કરતા સારું છે કે, તમે રોટલીને એક હેલ્ધી વિકલ્પ બનાવો. પણ કેવી રીતે? શું આમ કરવુ શક્ય છે? જી હાં બિલકુલ શક્ય છે. તમે તમારી રોટલીને ફાઈબરથી ભરપૂર અને ઓછી કેલરીવાળી બનાવી શકો છો.
સામાન્ય રીતે તમે ઘઉંની રોટલી ખાઓ છો, જે ક્યાંકને ક્યાંક તમારું વજન વધારવા માટે જવાબદાર છે. પરંતુ વજન ઘટાડવા માટે, તમે ચોક્કસ પ્રકારના લોટથી બનેલી રોટલી પસંદ કરી શકો છો. બજારમાં વિવિધ પ્રકારના લોટ ઉપલબ્ધ છે. જેમાંથી બનાવેલી રોટલી તમારું વજન ઘટાડી શકે છે. તો અહીં અમે તમને રોટલીને હેલ્ધી બનાવતા કેટલાક ખાસ પ્રકારના લોટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
બદામનો લોટઃ- બહુ ઓછા લોકો આ વિશે જાણે છે. બદામનો લોટ વજન ઘટાડવામાં મદદરૂપ થતા લોટમાંથી પૈકીનો એક છે. ઘઉંના લોટથી વિરુદ્ધ બદામના લોટમાં કાર્બોહાઇડ્રેટ્સની માત્રા ખૂબ જ ઓછી હોય છે. તેમાં પ્રોટીન, હેલ્ધી ફેટ અને વિટામિન ઈનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. બદામનો લોટ ગ્લૂટેન ફ્રી છે. તેને મેગ્નેશિયમ, આયર્ન અને કેલ્શિયમનું પાવરહાઉસ માનવામાં આવે છે. બદામના લોટની સૌથી સારી બાબત એ છે કે, તેમાં ફાઈટિક એસિડની માત્રા ખૂબ જ ઓછી હોય છે. એટલે જ્યારે તમે બદામના લોટમાંથી બનાવેલી રોટલી ખાશો ત્યારે ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી રહેશે.
કેવી રીતે બનાવવીઃ- પૌષ્ટિક બદામના લોટની રોટલી બનાવવા માટે એક ચોથાઈ કપ બદામના લોટમાં 3/4 કપ ઘઉંનો લોટ મિક્સ કરો. બદામની રોટલી નિયમિત રૂપે ખાવાથી વજનને નિયંત્રિત કરવામાં મહદંશે મદદ કરે છે.
બાજરીનો લોટ:- બાજરાની રોટલી ઠંડીના દિવસોમાં મોટાભાગના લોકો ખાય છે. પરંતુ જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે બાજરાની રોટલી કોઈ વરદાનથી ઓછી નથી. જે લોકો રોટલી ખાવાના શોખીન છે તેઓ પોતાની ઈચ્છાને માર્યા વગર બાજરીની રોટલીનો વિકલ્પ અપનાવી શકે છે. બાજરાની રોટલી પારંપરિક ગ્લૂટન ફ્રી ફૂડ છે. જે પ્રોટીન, ફાઈબર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વોથી ભરપૂર છે. બાજરાની રોટલી લાંબા સમય સુધી તમારુ પેટ ભરેલુ રાખે છે. આ રોટલીની ખાસિયત એ છે કે, તેને ખાધા પછી તમને અન્ય કંઈ ખાવાની ક્રેવિંગ નથી ઉપડતી. જે વજન નિયંત્રિત રાખવામાં મદદરૂપ છે.
કેવી રીતે બનાવવીઃ- બાજરાની રોટલી બનાવવા માટે અડધો કપ બાજરીનો લોટ અને એટલો જ ઘઉંનો લોટ લો. તમને આ લોટમાંથી બનેલી રોટલી ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને તમને તમારા વજનમાં પણ ફેર દેખાશે.
રાગી + ઘઉંનો લોટ:- રાગી વધુ એક ગ્લુટેન ફ્રી ઓપ્શન છે, જે ફાઈબર અને એમિનો એસિડથી ભરપૂર છે. રાગી લોટના આ ગુણધર્મો ભૂખ શાંત કરવામાં અને ચમત્કારિક રીતે વજન ઘટાડવામાં મદદરૂપ છે. નિષ્ણાંતો કહે છે કે રાગી સ્થૂળતા ઘટાડે છે, એનર્જી આપે છે, પાચન સુધારે છે અને હૃદયરોગની બીમારીઓથી પણ બચાવે છે.
બનાવવાની રીતઃ- રાગીના લોટમાંથી બનેલી રોટી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને બનાવવા માટે, 1/4 કપ રાગીના લોટને 3/4 કપ ઘઉંના લોટ સાથે મિક્સ કરો. રાગીના લોટમાંથી બનેલી રોટી એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
જુવાર + ઘઉંનો લોટ:- જુવાર એક ગ્લૂટન ફ્રી લોટ છે. જે પ્રોટીન, ડાયટ્રી ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, વિટામિન બી અને વિટામિન સી થી ભરપૂર હોવાના કારણે વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. જુવાર પાચનતંત્ર સુધારવામાં મદદરૂપ હોવાની સાથે સાથે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હૃદયના સ્વાસ્થ્યને સુધારવા માટે પણ જુવારનો લોટ ગુણકારી છે.
કેવી રીતે બનાવવીઃ- જુવારની રોટલી બનાવવા માટે, તમે અડધો કપ જુવારના લોટમાં અડધો કપ આખા ઘઉંના લોટને મિક્સ કરીને રોટલી બનાવી શકાય છો. આ રોટલી નિયમિત ખાવાથી તમારું વજન ઝડપથી ઘટશે.