કોરોના વાયરસના કારણે મુંબઇ સહિત દેશભરમાં લોકડાઉન થતાં લાખો લોકોને બેરોજગાર રહેવું પડુયું છે. તેમાં બોલિવૂડના ઘણા કલાકારો પણ શામેલ છે. 22 વર્ષ પહેલા આમિર ખાન અને રાણી મુખર્જીની ફિલ્મ ‘ગુલામ’માં કામ કરનાર અભિનેતા “જાવેદ હૈદરને” શાકભાજી વેચવાની ફરજ પડી છે.

જાવેદની આ હાલત ત્યારે સામે આવી હતી, કે જ્યારે ડોલી બિન્દ્રાએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ટિકટોક પર બનેલા આ વીડિયોમાં જાવેદ લિપ-સિંક કરી અને ‘દુનિયા મેં રહના હૈ તો કામ કર પ્યારે’ ગીત ગાઈને શાકભાજી વેચતો જોવા મળ્યો.
જાવેદ હૈદરે બાળ કલાકાર તરીકેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘બાપ નંબરી બેટા દસ નંબરી’ ફિલ્મથી કરી હતી. આમાં તેણે કાદર ખાનના પુત્રની ભૂમિકા ભજવી હતી. જાવેદે સુરમા ભોપાલી, ખુદગર્જ, ચાંદની બાર, લાઇફ કી એસી કી તૈસી માં પણ કામ કર્યું છે.

જાવેદ હૈદરે શમા સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે. પુત્રનું નામ આશિક હૈદર અને પુત્રીનું શિફા છે. જાવેદ, અભિનેતા જગદીપનો સબંધી પણ છે.
જાવેદ હૈદર પહેલો અભિનેતા નથી કે, જે લોકડાઉનમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. તેમના પહેલાં આયુષ્માન ખુરનાની ‘ડ્રીમગર્લ’ અને સુશાંત રાજપૂતની ‘સોનચિડિયા’માં કામ કરનારા અભિનેતા સોલંકી દિવાકરને પણ દિલ્હીની શેરીઓમાં ફળો વેચવાની ફરજ પડી છે. સોલંકી દિવાકરે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે ફિલ્મ્સનું શૂટિંગ અટકી ગયું છે. જેના કારણે તેમને પરિવારને ખવડાવવા આ કાર્ય કરવું પડ્યું.

દિવાકર કહે છે કે, મારે ઘરનું ભાડુ ચૂકવવું પડશે અને મારા પરિવારના પેટ ભરવા પડશે. આથી જ હું દક્ષિણ દિલ્હીની શેરીઓમાં ફળો વેચી રહ્યો છું.
આ પહેલા રાજેશ કરીરે પણ ભાવનાત્મક વીડિયો શેર કરીને મદદની વિનંતી કરી હતી. વીડિયો વાયરલ થતાંની સાથે જ રાજેશને આર્થિક મદદ મળી. 19 માર્ચથી બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં શૂટિંગ બંધ કરાયું હતું. જોકે, હવે શૂટિંગ સાથે સંબંધિત માર્ગદર્શિકા જાહેર થયા બાદ કેટલાક ટીવી શોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.