અપના હાથ- જગન્નાથ, કેમ અને કેવી રીતે ?

Life Style

વાયરસ ફરી વકરી રહ્યો છે,ગરમી આ વખતે દિવાળી કરીને જ જશે એવું લાગે છે. જીવાણુઓ ને ફૂલવાફાલવા માટે હુંફાળું ભેજ વાળું સરસ વાતાવરણ મળી રહ્યું છે ત્યારે એનાથી બચવાના એક એવા ઉપાય ની ચર્ચા કરીશું… એ છે હાથોં કી સફાઈ… અપને હાથો કો કૈસે જગન્નાથ બનાયે?…૧૫ મી ઓકટોબર Global Hand Washing Day ઉજવામાં આવે છે,શું આપણે આપણી નજીક ની સ્કુલ ના બાળકો ને હાથ ધોવાની સાદી પદ્ધતિઓ અંગે સમજાવી ન શકીએ???

દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો પર પાણીપૂરી વાળા ના ટોઇલેટ વાળા હાથો થી લઈ રાજપાલ યાદવ લઘુશંકા કરી વગ્ગર હાથ ધોયે સહુ ને હાથ મિલાવે એ દ્રશ્યો ધ્રુણા અને હાસ્ય ઉપજાવે છે એ ચોક્કસ પણ એના આરોગ્ય ના પરિપેક્ષ્ય માં શું મુલ્યો છે તેની ગંભીરતા ક્યારેય બતાવતી નથી.કેન્સર કે એઇડ્સ ના હાઉ ની સાથે જ હાથ ધોવા જેવી નાના માં નાની અને પાયાની બાબતો ની અવેરનેસ અંગે જાગૃતતા ક્યારેય બ્રોશરો સુધી પહોંચતી નથી.અને આખરે આ નાની નાની કુટેવો હેલ્થ સેક્ટર માં મોટા પાયે આર્થિક અને માનવીય ભોગ લેતી જાય છે…મૂળભૂત ફરજો માં હાથ ધોવા અને મૂળભૂત હકો માં હાથ ધોવા માટે સાબુ-પાણી મળી રહે એવું આવરી લઈએ તો આરોગ્યની ૫૦% સમસ્યાઓ નું નિરાકરણ થઇ જાય.

૧૮ મી સદી ના અડધા ભાગ માં વિએના ની એક હોસ્પિટલ માં એવું બન્યું કે ડોકટરો ના હાથે પ્રસુતિ પામતી મહિલાઓ ના વોર્ડ માં અચાનક તાવ આવીને મૃત્યુ થવા લાગ્યા, એની સામે જે દાયણ નર્સો ડીલીવરી કરાવતી એવી મહિલાઓ ના મૃત્યુ નું પ્રમાણ નહિ બરાબર હતું.ડોક્ટર્સ સ્કીલ્ડ હતા એટલે ગફલત ને કોઈ ગુંજાઈશ ન હતી પણ કારણો પણ જડતા ન હતા.અંધશ્રદ્ધા એ વખતે જોરમાં હતી ભૂત ભુવા ને જોગણી જેવા સ્પીરીટ ના ખ્યાલો ત્યાં પણ રાજ કરતા હતા.એ બધું અપનાવ્યા પછી પણ મૃત્યુ નું પ્રમાણ યથાવત હતું.એટલા માં એક તાવ ના દર્દી નું પોસ્ટમોર્ટમ કરતી વખતે એક ડોક્ટર ની આંગળી કપાઈ અને તાવ થી તેનું મૃત્યુ થયું. ત્યાં ઇગ્નાઝ સેમીલ્વીસ નામના ડોકટરે આનું કારણ શોધી કાઢ્યું.એ સમયે મૃતદેહો ની તપાસ અને ડીલીવરી બન્ને કામ સાથે કરતા ડોક્ટર્સ હતા મૃતદેહો ની તપાસ કરતા ડોક્ટર્સ એવા જ હાથે આવી ને ડીલીવરી કરતા જેથી મૃતદેહો ના જીવાણુંઓ નો ચેપ માતાઓ માં પણ લાગતો જેથી સંક્રમણ વધતા તાવ આવી માતાઓ નું મૃત્યુ થતું, જેથી ડોક્ટર્સ ને ફરજીયાત ક્લોરીન થી હાથ અને ઓજારો સાફ કરીને દર્દી ને અડવાનું કહેણ મોકલાયું અને આશ્ચર્યજનક રીતે મૃત્યુદર લગભગ નહિ બરાબર થઇ ગયો…પણ માનવજાત, અમુક વિઘ્નસંતોષી ડોક્ટર્સ એનો વિરોધ કરતા કે પાણીજન્ય સંક્રમણ નું પ્રમાણ કે હાથ ધોવા વપરાતા દ્રવ્યો થી થતા સંક્રમણ નું પ્રમાણ પણ હજુ સુધી તપાસ્યું નથી તો આ તુક્કા બંધ કરવામાં આવે… હાય રે માનવજાત Hand Washing ના આ પિતા ને પાગલ બનાવી દેવાની કક્ષા સુધી હેરાન કરાયો અને જે સંક્રમણ થી લોકો ને બચાવવા લડ્યો એવા જ એક સંક્રમણ થી ૪૭ વર્ષ ની નાની ઉમર માં એ મૃત્યુ પામ્યો…

જેમતેમ આ ગાડું ગબડ્યું છેક ૧૯૮૦ સુધી.ટુકડે ટુકડે પ્રસુતિ થી લઇ વાઢકાપ ની હોસ્પિટલો સુધી અને ઘવાયેલા સૈનિકો ની સારવાર સુધી હાથ ને જીવાણુંમુક્ત કરવાનું ચાલુ રહ્યું.પણ ૧૯૮૦ માં અનેક રોગો થી બચવાના ભાગ રૂપે એક મોટી ઝુંબેશ સ્વરૂપે અમેરિકા એ હાથ ધોવાના સ્ટેશન ઉભા કર્યા,મોલ અને મોટી મોટી જગ્યાઓ ની બહાર હાથ ધોવાના નળ અને લીક્વીડ સોપ લગાવી હાથ ધોવું એક ફરજીયાત ક્રિયા રૂપે લઈ આરોગ્યસેક્ટર ને મજબુત બનાવ્યું…ને ૨૦મી સદી ની શરૂઆત માં આલ્કોહોલ યુક્ત દ્રવ્યો થી હોસ્પિટલ માં હાથ સાફ કરવા ફરજીયાત કરવામાં આવ્યા.પણ આજેય ઘણી હોસ્પિટલ માં હાથ ન સાફ કરવાથી દર્દી ને લાગતા ચેપ નું પ્રમાણ ઊંચું છે.આજેય રોજના હજારો લોકો માત્ર હાથ ન સાફ કરવાથી લાગતા ચેપ થી મૃત્યુ પામે છે.

જીવાણું ને શરીર માં પ્રવેશવા નો સહુ થી સહેલો રસ્તો એટલે હાથ. કોઈ પણ ક્રિયા કે કોઇપણ સ્પર્શ થી સંપર્ક માં આવેલ જીવાણું શરીર ના છિદ્રો કે શરીર ના લોહી-ગળફા જેવા દ્રવ્યો ના સંપર્ક માં આવીને તાત્કાલિક શરીર પર હુમલો કરે છે.પરિણામે હાથ પરથી ધૂળ-કચરો વગેરે ને દુર કરી હાથ ને જીવાણુંમુક્ત કરવા અનિવાર્ય બની જાય છે.સાબુ કે અન્ય દ્રવ્ય ન મળે તો આજે પણ ચોખ્ખી ધૂળ-માટી કે રાખ ને હાથ સાફ કરવા માટે એકદમ વિશ્વસનીય ગણવામાં આવે છે.

હાથ ક્યારે ક્યારે ધોવા?

મળમૂત્ર ત્યાગ પહેલા અને પછી, જમ્યા પહેલા અને પછી, બાળકો ના મળમૂત્ર-ડાયપર સાફ કરતા પહેલા અને પછી, કપડા-વાસણ-ચીજવસ્તુ સાફ કર્યા પછી, જાહેર જગ્યા ના હેન્ડલ,રેલીન્ગ્સ કે વસ્તુઓ જેવીકે લીફ્ટ ના બટન વગેરે ને અડક્યા પછી.

બાળકો ને ખવડાવતા પહેલા તેમજ જમવાનું બનાવતા પહેલા, શાક-ફળ-માંસ વગેરે ખાવાની વસ્તુઓ ને અડતા પહેલાશરીર માંથી નીકળતા લોહી-પરુ જેવા દ્રવ્યો ને સાફ કરતા પહેલા અને પછી, કોઈ પણ દર્દી ને મળતા પહેલા અને પછી, રમવું,બાગ-બગીચા વગેરે ની સફાઈ વગેરે કામ કર્યા પછી, પાળેલા પશુ વગેરે ને અડ્યા પછી

હાથ સાફ કરવા સહુ થી શ્રેષ્ઠ?

આલ્કોહોલ યુક્ત હેન્ડ સેનેટાઇઝર બેસ્ટ છે.સાદા સાબુ કરતા પ્રવાહી સાબુ શ્રેષ્ઠ છે, જેમ ફીણ વળે તેમ જીવાણું ફીણ ની સાથે નીકળવાના ચાન્સ વધુ હોય છે. વળી આશરે ૫-૭ મિલી લીક્વીડ વાપરવાથી બન્ને હાથ સારી રીતે ધોઈ શકાય છે.હાથ સાફ કર્યા પછી કોરા ચોખ્ખા નેપકીન થી સાફ કરવાથી જીવાણું નું પ્રમાણ નહિ બરાબર રહે છે.પરંતુ ગરમ હવા ફેંકતા સાદા ડ્રાયરથી ઉલટા નું જીવાણું નું પ્રમાણ વધવાની શક્યતાઓ રહેલી છે, આની ઉપર પણ પ્રયોગો થઇ સિદ્ધ થયેલું છે.

કેવી રીતે હાથ ધોવા?

સહુ પ્રથમ ૫-૭ મિલી લીક્વીડ સાબુ લઈને કાંડા કે કોણી સુધી લગાડવો, પછી એક હાથ ઉંધો કરી તેના તેની આંગળીઓ ફેલાવીને તેની વચ્ચે રહેલી જગ્યા પર બીજો હાથ મૂકી આંગળીઓ ઘસવી… બાદ, મુઠ્ઠીઓ વાળતા હોય એમ આંગળીઓ પરોવીને ક્રોસ દિશા માં ઘસવી, પછી આંગળીઓ ના ટેરવા પણ હથેળી માં ઘસી લેવા.

હવે એક એક આંગળી ને બીજા હાથ થી ભૂંગળું બનાવી તેમાં નાંખી ને ગોળ-ગોળ ઘસી લેવી, છેલ્લે બંને કાંડા કે કોણી સુધી ના ભાગ ને ગોળ ગોળ દિશામાં ઘસી લેવો…

આ હાથ ધોવાની શ્રેષ્ઠ રીત છે,ભલે આમાં ૨-૫ મિનીટ જાય પણ આનાથી રોગ મુક્ત ભારત બનાવી ને આપણે દેશ ની મોટી સેવા કરીશું વળી આપણી આજુબાજુ ના લોકો ને કે શાળા ના બાળકો ને આ પદ્ધતિઓ શીખવાડીશું તો જાત જાતના તાવ-માથું-શરદી જેવા સીઝનલ રોગો થી બાળકો નો બચાવ થશે.શાળાએ જતા બાળકો ને પેટ માં સંક્રમણ થી ૫૦% કિસ્સા ઓ માં માત્ર હાથ ધોવાથી બચાવી શકાય છે.પાણી થી થતા ઝાડા અને ફેફસા માં લાગતો ચેપ આ બે કારણો થી બાળકો ના મૃત્યુ નું પ્રમાણ ખુબ જ ઊંચું છે.હાથ સારી રીતે સાફ કરવાથી બાળકો ને આ બે રોગ થતા નથી.આપણું બાળક ઋતુજન્ય રોગચાળા થી પણ બચે છે. નવજાત શિશુ ને પણ આવા રોગો થી બચાવી શકાય છે.બાળકો ને હાથ ધોવાનું સારી રીતે શીખવાડવાથી હોસ્પિટલ ના ખોટા ખર્ચ બચે છે અને બાળક તંદુરસ્ત બની સરવાળે દેશ નો વિકાસ થાય છે.

છેલ્લે, હાથ ધોઈ બીજા માટે ઉપયોગી વસ્તુ કે વ્યક્તિ ના સંપર્ક માં આવવું એ આપણી નૈતિક ફરજ છે આવો એ જાણીએ અને હાથ ધોવાના આંદોલન ની પાછળ હાથ ધોઈને પડી જૈયે જેથી ક્યારેય આપણને આપણા આરોગ્ય થી હાથ ધોવા ન પડે… ને ઝાઝા હાથ રળીયામણા ખાલી મારા તમારા થી આ શક્ય બનવાનું નથી એક હાથે તાલી નહિ જ પડે, હાથ થી હાથ જોડીએ…

માત્ર હાથ ધોવા જેવી સહુથી સાદી, સસ્તી અને સુલભ ક્રિયા આપના કુટુંબ નું બજેટ ખોરવતા રોકી શકશે એ યાદ રહે… દરેક હાથ જગન્નાથ બને એ આશા સાથે….

લેખક:- વૈદ્ય ગૌરાંગ દરજી

Leave a Reply

Your email address will not be published.