આજે હું એમ કહું કે દિવાળીને તો હજી વાર છે એટલે આજે શ્રી રામની નહિ પણ રાવણની વાત કરીયે તો? નવાઈ લાગી ને? હા ! આજે એક એવા લંકેશની વાત કરવી છે જેને અસલ જિંદગીમાં પણ લોકો રાવણ સમજી બેઠા હતાં. ‘લંકેશ’ નામ એક ઉપનામ તરીકે જેમની સાથે કાયમ માટે જોડાઈ ગયું છે એવા શ્રી અરવિંદ ત્રિવેદીએ ઉર્ફ ‘લંકેશે’ આજે રંગભૂમિ અને સિને જગતને સદાયને માટે અલવિદા કહ્યું છે.
રંગભૂમિ, રૂપેરી પડદો, રામાયણ સિરિયલ, રાજકારણ, અને સમાજસેવાનાં વિવિધ ક્ષેત્રો ગજાવનાર પડછંદ દેહ, પ્રભાવશાળી વ્યક્તિત્વ, અને ગર્જનાસમી વાણીનાં સ્વામી શ્રી અરવિંદ ત્રિવેદીની અણધારી વિદાયથી રંગભૂમિએ આજે ફરી એક માતબર અભિનેતા ગુમાવ્યો છે. આ દિગ્ગ્જ કલાકાર સાથે જોડાયેલી થોડીક રસપ્રદ વાતો જે મેં વાંચેલી અને સાંભળેલી એ આપ સહુ સાથે વહેંચવાનું આજે મન થઇ આવ્યું.
આ માતબર અભિનેતાને કયા પાત્ર તરીકે સદાય યાદ રાખવા એ બહુ અઘરું કામ છે. ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’નાં ‘દાદાજી’ તરીકે પણ એમનો ચેહરો તરત આંખ સામે તરવરી ઉઠે કે પછી ‘કુંવર બાઈનું મામેરું’ યાદ આવે તો નરસિંહ મહેતા તરીકે એમનું ભજવેલું પાત્ર ઉપસી આવે કે પછી જેને લોકો ખરેખર લંકેશ સમજી બેઠા છે એવું રામાયણનું અમર પાત્ર ‘રાવણ’ આંખ સામે નહિ હૃદયમાં અંકિત થયેલું લાગે. એટલી હદ સુધી કે જયારે સીરિયલમાં રાવણવધ થયો ત્યારે રીતસર એમના વિસ્તારમાં શોક મનાવાયો હતો.
જો રાવણ આત્મકેન્દ્રિત હોત તો ખુદ હિરણ બનીને મોક્ષ પ્રાપ્ત કરી લીધો હોત. રાવણ પોતે પણ ખૂબ જ જ્ઞાની અને સિદ્ધાંતવાદી હતો. અહંકાર છોડીને રાવણ પાસેથી પણ ઘણું બધું શીખવા જેવું છે પણ આજે વાત કરવી છે આપણા સૌના હૃદયમાં બિરાજેલા લંકેશ એટલે કે શ્રી અરવિંદ ત્રિવેદીની.
ઉજ્જૈનનાં મહાકાલેશ્વરનાં સમીપે ઈંદોરમાં ૮ નવેમ્બર ૧૯૩૮માં બ્રાહ્મણ કુળમાં જન્મેલા શ્રી અરવિંદ ત્રિવેદીએ ગળથૂંથીમાં જ ધાર્મિક સંસ્કારો મેળવ્યા છે. પિતા ઈંદોરની અગ્રગણ્ય મિલનાં મેનેજર પદેથી નિવૃત્ત થયા એટલે મોટાભાઈ ભાલચંદ્રનાં સાથ સહકારથી ઉપેન્દ્રભાઈ અને અરવિંદભાઈ મુંબઈ આવ્યા. મોટાભાઈ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીને રંગભૂમિ પર અભિનય કરતાં જોઈને એમને પણ રંગભૂમિ તરફ લગાવ લાગ્યો અને તેમણે પણ અભિનય કરવાનું શરૂ કર્યું.
ભવન્સ કૉલેજમાં ભણતાં ભણતાં ‘વિજય મિત્ર મંડળ’ અને ઈન્ટર કૉલેજિયેટ નાટ્ય સ્પર્ધામાં અભિનયનાં શ્રીગણેશ કર્યા. અભિનય પ્રત્યેની નિષ્ઠાએ ક. મા. મુન્શીનાં ભારતીય વિદ્યાભવનમાં ૧૯૬૦માં મેનેજર તરીકે જોડાયા એટલે ભવન્સની સાંસ્કૃતિક અને નાટ્ય પ્રવૃત્તિને વેગ આપવા તનતોડ પરિશ્રમ અને નિષ્ઠાપૂર્વક આગળ વધતાં વધતાં એક-બે નહીં પણ સત્તર વર્ષ સુધી મેનેજર પદે રહીને છૂટા થયા.
રંગભૂમિ જૂથનાં ચાંપશીભાઈ નાગડા, વિષ્ણુકુમાર વ્યાસ, લાલુ શાહ, ચંદ્રિકા શાહ, પ્રતાપ ઓઝા, લીલા જરીવાળા અને વિજય દત્તનાં સથવારે એ જમાનાનાં અવેતન નાટકોમાં પ્રતિભા દાખવીને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ઝવેરચંદ મેઘાણીની વિખ્યાત નવલકથા ‘વેવિશાળ’નાં નાટ્યરૂપાંતર ‘વેવિશાળ’ નાટકનાં ૭૫ પ્રયોગો કર્યા. વસંત કાનેટકરનાં ગુજરાતી રૂપાંતર ‘પારિજાત’માં ખુંધિયા ખલનાયક તરીકે ઉપેન્દ્રભાઈ સામે આબાદ ટક્કર ઝીલીને વાહવાહ મેળવી.
મો.ગ. રાંગણેકરનાં તો ‘મી નવ્હેચ’નાં ૫૦૦ પ્રયોગી વિક્રમસર્જક ગુજરાતી નાટ્યરૂપાંતર ‘અભિનય સમ્રાટ’ માં પોલીસ ઈન્સ્પેક્ટર બન્યા. ‘દર્શક’ની ઉત્કૃષ્ટ નવલકથા ‘ઝેર તો પીધા જાણી જાણી’માં અનોખી ભૂમિકા અદા કરી. આ ઉપરાંત એમના મનગમતા બીજાં બે નાટકો રવીન્દ્રનાથ ટાગોરનાં બંગાળી પરથી ગુજરાતીમાં અવતરેલા ‘નૌકા ડૂબી’ અને ‘પરિવાર’માં અરવિંદભાઈનાં અભિનયની પ્રતિભા દર્શકો અને વિવેચકોને ડોલાવી ગઈ. (આ માહિતી ચિત્રલેખાનાં ફિલ્મ મેગેઝિન ‘જી’નાં નવેમ્બર, ૧૯૯૮નાં અંકમાં વ્રજ શાહ લિખિત લેખમાંથી મળી આવી.)
ગુજરાતી ફિલ્મોનાં સુવર્ણયુગનાં એક સર્જક મનહર રસકપૂરે ૧૯૫૯માં ઝવેરચંદ મેઘાણીની લોકકથા પર આધારિત ફિલ્મ ‘જોગીદાસ ખુમાણ’માં માત્ર એક જ લાઈનનો સંવાદ આપીને અરવિંદ ત્રિવેદીનો ફિલ્મમાં શુભારંભ કરાવ્યો. એ જ ફિલ્મનું ૧૯૭૪માં ફરી રિમેક થયું ત્યારે અરવિંદ ત્રિવેદીએ જોગીદાસની મુખ્ય ભૂમિકા ભજવીને પ્રતિભાની પ્રતીતિ કરાવી દીધી હતી.
એમની હીરો તરીકે ‘કુંવરબાઈનું મામેરુ’માં નરસિંહ મહેતા, ભક્ત ગોરા કુંભાર, ગોપીચંદ, ભર્તુહરી છેલભાઈ દવેની જીવની પરથી બનેલી સત્યઘટનાત્મક ‘સૌરાષ્ટ્રનો સિંહ’ યાદગાર ફિલ્મો રહી. ‘રામાયણ’ માટે કામ કરતાં પહેલાં તેમણે ‘વિક્રમ-વેતાલ’ ટી.વી. શ્રેણી માટે પણ કામ કર્યું હતું. તેમણે અનેક ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં પણ કામ કરેલું છે. ગુજરાતી ફિલ્મ ‘દાદા દેશ રે જોયા પરદેશ રે જોયા’ માં દાદાજીનો રોલ કર્યો હતો જે ફિલ્મે અનેક રેકોર્ડ્સ બ્રેક કર્યા હતા.
એમને સાત એવૉર્ડ પણ મળ્યા છે. ‘સંતુ રંગીલી’ માં સંતુનાં પિતાનાં રોલ માટે, ‘ભર્તુહરી’ માં ગોરખનાથ માટે, ‘કુંવરબાઈનું મામેરું’માં નરસિંહ મહેતા, ‘જેસલ તોરલ’માં જેસલ જાડેજા, ‘મચ્છુ તારા વહેતા પાણી’માં ખલનાયક ભક્ત ગોરાકુંભાર માટે અને હરકિસનભાઈની મારી સૌથી મનગમતી નવલકથા પર આધારિત ‘જોગ સંજોગ’માં રાજા બાબુએ એવોર્ડ અપાવ્યો. નિર્માતા તરીકેની એમની ફિલ્મ ‘દાદાને વ્હાલી દીકરી’માં સંસ્કૃતમાં શિવ તાંડવ સ્તોત્ર એમણે જાતે ગાયું છે.
તેમણે મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ૨૫૦થી વધુ ગુજરાતી અને હિન્દી ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તેમની કારકિર્દી ૪૦થી વધુ વર્ષોમાં પથરાયેલી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ટેલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ આ બંને ભાઈઓએ બહુ મોટું યોગદાન આપ્યું છે.
લોકડાઉન દરમિયાન ટેલિવિઝન પર રામાયણ ફરીથી ચાલ્યા બાદ ટીવી શોને નવી રિલીઝ મળી. ૩૩ વર્ષ પછી ફરીથી પ્રસારિત, રામાયણે વૈશ્વિક સ્તરે સૌથી વધુ જોવાયેલા મનોરંજન કાર્યક્રમ બનીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો. રાવણની ભૂમિકા ભજવનારા અભિનેતા શ્રી અરવિંદ ત્રિવેદીએ ખરેખર આ ધાર્મિક શોની રાવણની ભૂમિકામાં જીવ રેડી દીધો હતો.
આપણને જાણીને આશ્ચર્ય થશે કે રાવણ બનીને દુનિયાભરમાં જાણીતાં થયેલાં શ્રી અરવિંદ ત્રિવેદીએ કેવટની ભૂમિકા ભજવવા માટે ઓડિશનમાં ભાગ લીધો હતો. મેં એમના જોયેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેમને ખબર પડી કે રામાનંદ સાગર રામાયણ બનાવી રહ્યા છે અને જોરશોરથી કાસ્ટિંગ કરે છે તો તેઓ ઓડિશન આપવા માટે ગુજરાતથી મુંબઈ આવ્યા હતાં. રામાયણમાં તેઓ કેવટની ભૂમિકા ભજવવા માંગતા હતા.
કાસ્ટિંગ કરનારી ટીમમાં મોટાભાગનાં લોકો ઈચ્છતા હતા કે આ સિરિયલમાં રાવણની ભૂમિકા અમરિશ પુરી ભજવે. પરંતુ જ્યારે તેમણે કેવટની ભૂમિકા માટે ઓડિશન આપ્યું અને જ્યારે તેઓ જવા લાગ્યા તો એમની બોડી લેન્ગવેજ અને એટિટ્યુડ જોઈને રામાનંદ સાગરજીએ કહ્યું કે ‘મને મારો રાવણ મળી ગયો.’ એમના પરીવારના ત્રણ સભ્યોએ રામાયણમાં ભૂમિકા ભજવી હતી. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે, રામાયણ સિરીયલમાં તેમની મોટી બહેન વિદ્યાબેનનાં પુત્ર સંજય જાનીએ શ્રવણ તરીકે જયારે તેમના ભત્રીજા કૌસ્તુભ ભાલશંકર ત્રિવેદીએ કેવટ તરીકેનો અભિનય કર્યો હતો.
મજાની વાત એ છે કે અસલ જીવનમાં તેઓ ભગવાન રામ અને ભગવાન શિવનાં પરમ ભક્ત છે. આથી તેઓ જ્યારે પણ શુટિંગ પર જતા હતાં ત્યારે ઘરેથી હંમેશા ભગવાન રામની પૂજા કરીને જતા હતા. તેમના અભિનય દરમ્યાન ભગવાન શ્રી રામને ‘વનવાસી, તુચ્છ માનવ, વનમેં ભટકને વાલા ભિખારી…’ જેવા અપશબ્દો કહેવા પડતાં હતા જેથી તેમના મનમાં ભારે દુઃખ થતું હતું. પરંતુ રાવણનું પાત્ર જ એવું હતું એટલે માટે તેઓ પાપમાં પડતા હતા.
અને માટે જ તેઓ શૂટિંગમાં જતાં પહેલાં ભગવાન શ્રી રામને મનોમન વિનંતી કરીને કહેતા હતાં કે તેઓ ‘જે કાંઈ કરે છે, તે તેમનું કર્મ છે. અભિનય કાજે ભગવાનને અપશબ્દો કહેવા પડે છે માટે મને માફ કરજો.’ અને તે દરમિયાન તેમણે કરેલા સંકલ્પ અનુસાર તેમણે ઈડરનાં સાપાવાડા ખાતે હિંમતનગર હાઈવે પર ‘અન્નપુર્ણા’ ભવનનું નિર્માણ કર્યુ અને જૂન ૨૦૦૧ માં પૂ.મોરારીબાપુના હસ્તે શ્રી રામજીની મૂર્તિ પ્રતિષ્ઠા પણ કરાવી હતી.
તેઓ પોતે જયારે આ સીરિયલનું રિપીટ ટેલિકાસ્ટ જોઇ રહ્યા હતા ત્યારે એક વાયરલ થયેલાં વીડિયોમાં આ સીન જોઇને તેઓ ભાવુક થઇ ગયા જયારે રાવણે સીતાને ઉંચકીને પોતાના વાહન પર બેસાડ્યા હતાં. આ સીન જોતા જ તેઓ ભાવુક થઇ ગયા અને તેમણે હાથ પણ જોડ્યા હતાં અને લોકોની માફી પણ માગી હતી. માત્ર એક કિરદાર નિભાવાની વાત નથી પણ આ બધા પ્રસંગ પરથી હું ચોક્કસ એમ માનું છું કે તેઓ એ પાત્ર સદાયને માટે જીવી ગયા.
તેઓ ૧૯૯પથી દર વર્ષે રામનવમીએ પરીવાર સાથે શ્રી રામની ભવ્ય પૂજાપાઠ કરે છે અને સાંજે સુંદરકાંડ પણ કરે છે જેમાં ઈડર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિત આસપાસનાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. છેલ્લાં રપ વર્ષથી તેઓ રામનવમી નિમિત્તે ભવ્ય પાટોત્સવ કરીને ઉજવણી કરે છે તથા સાંજનાં સમયે જાહેર જનતા માટે સુંદરકાંડ પાઠનું આયોજન પણ કરે છે. ભાદરવી પૂનમે અંબાજી દર્શન કરવા જતાં લાખો માઈભક્તો માટે સતત ચાર દિવસ સુધી તેમના ઈડર ખાતેનાં અન્નપુર્ણા ભવન ખાતે જમણવાર અને આરામ કરવા માટે ૧૯૯પ (છેલ્લા રપ વર્ષ)થી વિસામાનું આયોજન પણ કરે છે.
આવા અનોખા વ્યક્તિવનાં માલિક અને રાવણનું પાત્ર માત્ર ભજવી જ નહિ પણ જીવી જાણનાર એવા પરમ શિવ અને રામ ભક્ત એવા શ્રી અરવિંદ ત્રિવેદીને ગુજરાતી રંગભૂમિ અને સિને જગત સદાય યાદ રાખશે.
ફરી એકવાર આપણા સૌના લોકલાડીલા એવા લંકાપતિ રાવણ શ્રી અરવિંદ ત્રિવેદીને ભાવભરી શ્રદ્ધાંજલિ ઈશ્વર એમના પવિત્ર આત્માને પરમ શાંતિ અર્પે એ જ અભ્યર્થના..!!
લેખકઃ- વૈભવી જોષી