ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરીને તેમને તમિલનાડુના ઓરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. લાંબા સમયની અટકળો બાદ અંતે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિની અચાનક બદલી સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના મહામારીના સેકન્ડ વેવમાં મિસમેનેજમેન્ટનો ટોપલો જયંતી રવિ પર ઢોળીને તેમને ટાઢા પાણીએ કાઢવામાં આવ્યા હોવાનું પણ સ્વર્ણિમ સંકુલના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જો કે તેઓ જે જગ્યાએ જવાના છે તેનું નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલ પર જબરદસ્ત મહત્વ છે. આવો આપણે જાણીએ આ અદભૂત જગ્યા ઓરોવિલ ફાઉન્ડેશન વિશે. જ્યાં એક સમયે પીએમ મોદીએ પણ મુલાકાત લીધી હતી.
ઓરોવિલ એ વૈશ્વિક શહેર તરીકે ઓળખાય છે. જેમાં આશરે 2500 લોકો રહે છે. આજે અહીં દુનિયાના 59 દેશોમાંથી દરેક એજગ્રુપના લોકો આવીને વસ્યા છે. જેમાં સમાજના દરેક વર્ગના, જાતિના અને સંસ્કૃતિના લોકોનો સમાવેશ થાય છે જે માનવ એક્તાના મૂળ સિદ્ધાંત પર આધારિત છે. અહીં માનવ કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ થાય છે. ઓરોવિલ દક્ષિણ ભારતના તામિલનાડુમાં આવેલું છે જે ચેન્નાઈથી લગભગ 150 કિમી દૂર છે. જ્યારે પુડ્ડુચેરીથી 10 કિમી દૂર છે. આ ટાઉનશીપ ઉભી કરવા પાછળનો હેતું એ હતો કે એકબીજા સાથે ભેદભાવ રાખ્યા વગર લોકો ઉચ્ચ અને નીચ જાતિ જેવી વાતો ભૂલીને માનવતાને અનુસરે.
ઓરોવિલની રચના અને તેની સુવિધાઓ અને વ્યવસ્થા જોતા તે એક પોતાનામાં જ સ્માર્ટસિટી જેવું છે. ફ્રેન્ચ ભાષામાં ઓરોનો અર્થ પ્રભાત થાય છે અને વિલનો અર્થ નગર એટલે કે સિટી ઓફ ડોન તરીકે પણ ઓળખાય છે. ઓરોવિલની સ્થાપના 28મી ફેબ્રુઆરી 1968માં યુનેસ્કોના સહયોગથી અરવિંદ સોસાયટીના મા મીરા આલ્ફાસા એ કરી હતી. ભારત સરકારની મંજૂરી બાદ સ્થાપના માટે યુનેસ્કો સમક્ષ રજુઆત કરાઈ હતી. એક રિઝોલ્યુશન પાસ કરીને તેના નિર્માણને મંજૂરી અપાઈ. જેનું સમર્થન ભારત સહિત અનેક દેશોએ કર્યું હતું. ઓરોવિલના ઉદ્ઘાટન સમારોહમાં 124 દેશના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમના માતાપિતા મૂળ ઈજિપ્તના હતા પરંતુ મીરાના જન્મના એક વર્ષ પહેલા ફ્રાન્સ આવીને વસ્યા હતા. મીરા આલ્ફાસાનો જન્મ પેરિસમાં 21 ફેબ્રુઆરી 1878ના રોજ થયો હતો. કિશોરાવસ્થાથી જ તેમને લાગતું હતું કે કોઈ પરમ આધ્યાત્મિક શક્તિ તેમને દોરે છે. તેઓ પહેલીવાર ભારત 1914માં આવ્યા હતા.
પહેલીવાર મીરા આલ્ફાન્સા ભારત આવ્યા અને મહર્ષિ અરવિંદને મળ્યા હતા. તેમને મળ્યા બાદ તેમનો અનુભવ એવો હતો કે તેમને જે નાનપણમાં સપના આવતા હતા તે આ જ છે. ત્યારબાદ તેઓ મહર્ષિ અરવિંદના શિષ્યા બની ગયા. અરવિંદ ઘોષ પણ તેમને માતા કહીને બોલાવતા હતા. આથી તેમના અનુયાયીઓ પણ મીરા આલ્ફાસાને મા કહેતા હતા. મહર્ષિ અરવિંદનું માનવું હતું કે જીવનને આધ્યાત્મિક જીવન તરફ વાળવું જોઈએ. કેમકે આધ્યાત્મિકતાનું જ્ઞાન જ એવું જ્ઞાન છે જે માણસને તમામ બંધનોથી મુક્ત કરાવે છે. વિચારોની સંકિર્ણતા બદલે છે. આમ આ રીતે આ વિચારના પાયે જ માતા મીરાએ એરોવિલ ટાઈનશીપ ઊભી કરી.
આ નગરી દુનિયાની એકદમ અનોખી નગરી છે. અહીં 2500 જેટલા લોકો વસવાટ કરે છે. અહીં કોઈ પોલીસ નથી, કોઈ ગુનેહગાર નથી, કે પૈસાથી પણ કોઈ વહિવટ થતો નથી. કોઈ કરન્સી ચાલતી નથી. આમ છતાં અહીં વસતા લોકો ખુબ જ શાંતિથી પોતાનું જીવન જીવે છે. ઓરોવિલની વિવધ સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ ઉત્પાદન પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન પણ આપે છે.
ઓરોવિલ 6 ભાગમાં વહેંચાયેલું છે જેમાં પીસ એરિયા, ઈન્ડસ્ટ્રિયલ ઝોન, રેસિડેન્શિયલ ઝોન, ઈન્ટરનેશનલ ઝોન, કલ્ચરલ ઝોન અને ગ્રીન બેલ્ટનો સમાવેશ થાય છે. ટાઉનશીપની મધ્યમાં પીસ એરિયા આવેલો છે. જ્યાં સુપ્રસિદ્ધ માતૃ મંદિર અને આજુબાજુ બગીચા, એમ્ફીથીયેટર છે. અહીં એક કળશમાં 124 દેશ અને 23 ભારતીય રાજ્યોની માટી રાખવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25મી ફેબ્રુઆરી 2018ના રોજ ઓરોવિલની મુલાકાત લીધી હતી અને માતૃ મંદિર આવ્યા હતા. PM મોદીએ તે સમયે ભારતને વિશ્વનું ‘spiritual destination’ ગણાવ્યું હતું.
ટાઉનશીપનો 109 હેક્ટરનો એરિયા ઈન્ડસ્ટ્રિયલ ઝોન કહેવાય છે. જેનો મુખ્ય હેતુ ટાઉનશીપને આત્મનિર્ભર બનાવવાનો છે. અહીં સ્મોલ અને મીડિયમ સ્કેલ ઈન્ડસ્ટ્રિઝ, તાલિમ સેન્ટરો, આર્ટ અને ક્રાફ્ટ છે. ટાઉનશીપનો આ વિસ્તાર 189 હેક્ટરમાં ફેલાયેલો છે. જ્યાં 55 ટકા વિસ્તાર હરિયાળી અને 45 ટકામાં બાંધકામ છે. અહીં કુદરતની સાથે સમન્વય જાળવીને બાંધકામ કરાયું છે.
પીસ એરિયાની પશ્ચિમે 74 હેક્ટરમાં આ ઈન્ટરનેશનલ ઝોન આવેલો છે. જ્યાં દેશ વિદેશથી આવતા લોકો હળીમળીને વિવિધતામાં એક્તા પ્રદર્શિત કરે છે. અલગ અલગ દેશના અલગ પેવેલિયન જોવા મળે છે. પીસ એરિયાની પૂર્વમાં 93 હેક્ટર વિસ્તારમાં કલ્ચર ઝોન ફેલાયેલો છે. જે શિક્ષણ, રિસર્ચ અને આર્ટ, રમતને સમર્પિત છે.
ટાઉનશીપમાં એક મોટો ગ્રીન બેલ્ટ વિસ્તાર છે જે 1.25 કિમી ગ્રીન બેલ્ટથી ઘેરાયેલો છે. આ ગ્રીન બેલ્ટ વિસ્તાર હાલ 404 હેક્ટરમાં ફેલાયેલો છે. જ્યાં પશુપાલન અને અન્ય જીવો માટે જગ્યા રખાઈ છે. ભવિષ્યમાં તેને 800 હેક્ટરમાં પણ ફેરવવાનું પ્લાનિંગ છે. આ ઉપરાંત આજુબાજુ સુંદર બીચ પણ છે. અહીં રોકાવવા માટે અરવિંદો આશ્રમના અનેક ગેસ્ટ હાઉસ ઉપરાંત હોટલ છે.
ઓરોવિલ ફાઉન્ડેશનમાં માતા મીરાના નિધન બાદ 1980માં ભારત સરકારે એક ઈમરજન્સી ઓરોવિલ પ્રોવિઝનલ એક્ટ પસાર કર્યો અને મેનેજમેન્ટ પોતાના તાબે કર્યું. સોસાયટીએ સુપ્રીમ કોર્ટમાં પડકારતા સુપ્રીમ કોર્ટમાં પણ સરકારના હસ્તક્ષેપને કાયદેસર ગણવામાં આવ્યું. ત્યારબાદ 1988માં ધ ઓરોવિલ ફાઉન્ડેશન એક્ટ પણ સંસદમાં પસાર થયો. જે મુજબ અહીની તમામ ચલ અને અચલ સંપત્તિ ફાઉન્ડેશનને હસ્તક આવી ગઈ. અહીં ત્રણ સ્તરવાળી ગવર્નિંગ સિસ્ટમ ગવર્નિંગ બોર્ડ, રિસેડન્ટ એસેમ્બલી અને ઓરોવિલ ઈન્ટરનેશનલ એડવાઈઝરી કાઉન્સિલ લાગુ કરાયું. આમ તો ઓરોવિલ ફાઉન્ડેશન મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ હેઠળ આવતું એક ઓટોનોમસ બોડી છે. એટલે ભારત સરકાર હેઠળ હોવા છતાં તે સ્વતંત્ર છે. અહીં ભારત સરકારના પ્રતિનિધિ કે IAS અધિકારીની નિમણૂંક થાય છે. જે અંતર્ગત જયંતિ રવિની ઓરોવિલમાં બદલી થઈ.