આયુર્વેદનાં દિનચર્યા અધ્યાયમાં ઘણી અગત્યની ક્રિયાઓ બતાવી છે જે માનવીને સ્વસ્થ રહેવાં માટે સહાયતા કરે છે પરંતુ સમયનાં આ ચક્રમાં તે ક્યાંક ખોવાઈ જતી હોય છે. આજે વાત કરીશું તેવી જ એક ક્રિયાની કે જે આજનાં સમયમાં ઘણી મદદ કરી શકે તેમ છે. તે છે “ધૂમપાન”. આચાર્ય વાગ્ભટ્ટે અષ્ટાંગ હ્ર્દયનાં દિનચર્યા અધ્યાયમાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે.
ધૂમપાન સાંભળીને આપના મનમાં જરૂર થશે કે આ “ધૂમ્રપાન” એટલે કે બીડી અથવા સિગારેટ પીવાની વાત થઇ રહી છે પરંતુ તેમ નથી. ધૂમપાન તે સંપૂર્ણ અલગ ક્રિયા છે. ધૂમપાન તે ગાંજા જેવી નશાયુક્ત વનસ્પતિઓની સાથે પણ સંકળાયેલ નથી.
1. બીડી અથવા સિગારેટમાં તમાકુનો ઉપયોગ કરવામાં આવે છે જયારે આયુર્વેદનાં ધૂમપાનમાં “ઔષધિઓ” વાપરવામાં આવે છે.
2. બીડી અથવા સિગારેટમાં ઉત્તેજના માટે કે નશા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે જયારે આયુર્વેદોક્ત ધૂમપાનમાં વૈદ્યનાં માર્ગદર્શન હેઠળ ઔષધીઓનો ધુમાડો લેવામાં આવે છે.
3. બીડી અથવા સિગારેટ તે કેન્સર તરફ લઇ જાય છે જયારે આયુર્વેદોક્ત ધૂમપાન સ્વસ્થ બનાવે છે.
શું છે આ ધૂમપાન ? આવો તેનાં વિષે થોડું વધુ સમજીએ.
ધૂમપાનનાં પ્રકાર – આચાર્ય વાગ્ભટ્ટે મુખ્યત્વે ત્રણ પ્રકારનાં ધૂમ બતાવ્યા છે. 1. સ્નિગ્ધ – જે મુખ્યત્વે વાતદોષથી થતાં રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. 2. મધ્ય – જે વાત અને કફદોષનાં રોગોમાં વપરાય છે. તેમાં 3. તીક્ષ્ણ – જે માત્ર કફજ વિકારોમાં ઉપયોગ થાય છે.
આચાર્ય ચરકે, ત્રણ પ્રકારના ધૂમપાન બતાવ્યા છે. 1. પ્રાયોગિક ધૂમપાન , તેમાં યષ્ટીમધુ, ગુગળ, અગર, ચંદન , શલ્લકી, પીપળા અને લોધ્રની છાલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. 2. સ્નૈહિકી ધૂમપાન, જેમાં ઘી અને જીવનીય ગણની ઔષધિઓ વાપરવામાં આવે છે અને 3. શિરોવિરેચન ધૂમપાન , જે અંતર્ગત શ્વેતા, માલકાંગણી વગેરેનો ઉપયોગ કરવાં આવે છે. જેને વાગ્ભટ્ટે દર્શાવેલ ધૂમપાન સાથે સાંકળી શકાય. આચાર્ય સુશ્રુત અન્ય બે પ્રકાર 4. કાસઘ્ન અને વામનીય પણ બતાવે છે.
ધૂમપાનની વિધિ:- સીધા અને ટટ્ટાર બેસીને ધૂમપાનની તરફ મન પ્રવૃત કરીને નાકનાં એક છિદ્રને બંધ કરીને બીજા છિદ્રથી ધૂમપાન યંત્રના ભાગને લગાવીને શ્વાસ અંદરની તરફ લેવો જોઈએ. અને તેનો ધૂમાડો મુખ દ્વારા બહાર કાઢવો જોઈએ. તેવું ત્રણ વખત કરવું જોઈએ. ત્યારબાદ નાકના બીજા છિદ્રથી આ ક્રિયાનું પુનરાવર્તન કરવું જોઈએ. તે પછી ફરીવાર પ્રથમ છિદ્ર દ્વારા.
આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે (અ) જો નાક અને શિર પ્રદેશમાં દોષ વધેલાં હોય તો નાક દ્વારા (બ) જો દોષ ઓછા હોય તો તે માટે પ્રથમ મુખ અને પછી નાક દ્વારા (ક) જો કંઠ પ્રદેશમાં દોષ હોય તો પ્રથમ નાક અને પછી મુખ દ્વારા ધૂમપાન કરવું
પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી કે ધૂમાડો માત્ર અને માત્ર મુખ દ્વારા જ બહાર નીકળવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં નાક દ્વારા તેને બહાર ન કાઢવો જોઈએ. તેનાંથી વિવિધ રોગ ઉત્પન્ન થઇ શકે છે.
ધૂમપાન ક્યારે કરવું જોઈએ:- આચાર્ય ચરકે પ્રાયોગિક ધૂમપાનનાં આઠ કાળ કે સમય બતાવ્યાં છે. 1. સ્નાન 2. ભોજન 3. વમન (ઉલ્ટી) 4. છીંક 5. દાતણ 6. નસ્ય (નાકમાં ઔષધ નાખવાની ક્રિયા) 7. અંજન (આંખમાં ઔષધ લગાડવાની ક્રિયા) અને 8. ઊંઘમાંથી ઉઠ્યા પછી.
આ સમય દરમિયાન વાત અને કફદોષ વધેલાં હોઈ શકે છે અને ધૂમપાનથી તે સમ બને છે અને વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. રાત્રીનાં સમયમાં ધૂમપાન ન કરવું જોઈએ. નિયમ અને માર્ગદર્શન હેઠળ જ તેનો ઉપયોગ કરવો જોઈએ.અકાળમાં અને અતિમાત્રામાં ધૂમપાન કરવાથી વિવિધ રોગોની ઉત્પત્તિ થઇ શકે છે.
ધૂમપાન કોણે ન કરવું જોઈએ:- 1. રક્તપિત્તનાં રોગમાં, 2. પ્રમેહ રોગમાં, 3. તિમિર નામનાં નેત્ર રોગમાં, 4. બસ્તિના પ્રયોગ પછી, 5. માછલી ખાધા પછી, 6. દહીં, દૂધ, મધ અને ઘી પીધા પછી, 7. માથામાં ઇજા થઇ હોય ત્યારે, 8. પાંડુ રોગમાં, 9. રાત્રી જાગરણ પછી, 10. ગર્ભિણી સ્ત્રીઓએ, 11. દારૂનાં સેવન પછી
ધૂમપાનનાં લાભ:- 1. ખાંસી, 2. શ્વાસ ચડવો, 3. શરદી, 4. સ્વરભેદ (અવાજમાં રૂક્ષતા કે બેસી જવો), 5. મુખ અને નાકમાં દુર્ગંધ, 6. કાન, મુખ અને આંખોથી સ્ત્રાવ થવો, 7. માથું ભારે લાગવું, દુખવું કે આધાશીશી (માઈગ્રેન), 8. વધુ આળસ અને ઊંઘ આવવી, 9. વાળ ખરવા, અકાળે સફેદ થવા
આ ઉપરાંત, તે ધૂમ્રપાન છોડવામાં પણ મદદ કરી શકે છે. તેમાં તે ફાયદો આપે છે પણ તેને વ્યક્તિની પ્રકૃતિ અને દોષો અનુસાર જ નજીકનાં વૈદ્યમિત્રનાં માર્ગદર્શન હેઠળ પ્રયોગ કરવો જોઈએ. જાતે જ તેનો પ્રયોગ કરવો તે નુકશાન કરી શકે છે. આજે જ તમારાં વૈદ્યમિત્રનો સંપર્ક કરો અને જાણો ધૂમપાન તમને કઈ રીતે મદદરૂપ થઇ શકે.
લેખક:- વૈદ્ય મિલિન્દ તપોધન, 311 ન્યૂયોર્ક આર્કેડ, ભવ્ય પાર્ક બી.આર.ટી.એસ. પાસે, બોપલ, અમદાવાદ – 380058