આપણી ભારતીય સંસ્કૃતિએ કેટકેટલાય મહાપુરૂષો, સંતો, શૂરવીર, બૌદ્ધિકો આ સમાજને અર્પણ કર્યા છે, અને તે માટે તેમણે કેટકેટલાય પ્રયત્નો કર્યા હતા. સ્વસ્થ અને નિરોગી સમાજ માટે આજે સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને સરકાર પણ વિચાર કરે જ છે અને તેના માટે સતત પ્રયત્નો પણ ચાલે જ છે. અબજો રૂપિયાનું બજેટ આજે WHO દ્વ્રારા પ્રત્યેક દેશને અપાય છે. અલગ અલગ પ્રકારના કેમ્પો, રાહતો અને ફરજિયાત રસીકરણના કાયદા થકી તેમણે સારો પ્રયત્ન કર્યો છે. પણ તે પ્રયત્નની સરખામણીમાં પરીણામ બહુ અલ્પ માત્રામાં જોવા મળે છે. સમાજ માં આરોગ્યના સંદર્ભે સ્વસ્થતા જરૂર વધી છે. પણ માનસિક અને સંસ્કારની સ્વસ્થતાનું શું ?
તો, ખરેખર સ્વસ્થ સમાજ કેવો હોઇ શકે? તેની કલ્પના આપણાં ઋષિઓએ સિદ્ધ કરીને બતાવ્યું છે. તે વખતે પણ આળસુ પ્રજા હશે જ, કે જે આ માટે જાગૃત નહિં જ હોય, તેથી જેમ આજે સરકાર કાયદો કરે છે તેમ તે વખતે કાયદાથી આપેલી વાત લાંબી ટકતી નથી અને તે કાયદો કોઇપણ ફેરવી શકે, તેથી આપણાં ઋષિઓએ આરોગ્ય જાળવણીના ઉપાયને સમજપૂર્વક અને ભાવપૂર્વક સંસ્કારના એક ભાગ રૂપે ગણાવીને તેને જીવનઓ અભિન્ન ભાગ બનાવી દીધો. તેથી જ આપણાં ઘણાં બધાં રિવાજો આજે આપણને સમજાતાં નથી પણ તે રિવાજ સ્વરૂપે એવા તો ગોઠવાઇ ગયા છે કે વડીલોનું માન રાખવા ખાતર પણ આપણે તેને માન્યતા આપીએ છીએ. આજે આપણે તેમાનાં એક સંસ્કારને સમજવાનો પ્રયત્ન કરીશું. અને તે એટલે સુવર્ણપ્રાશન સંસ્કાર…
આયુર્વેદમાં પુષ્ય નક્ષત્રમાં બાળકને સ્વર્ણ પ્રાશન કરાવવાનો ઉલ્લેખ છે. બાળકોના સર્વાંગી વિકાસમાં આ સંસ્કારની મહત્ત્વની ભૂમિકા હોવાનું મનાય છે. આપણે ત્યાં પુષ્ય નક્ષત્ર સાથે સોનાની ખરીદીની સંકલ્પના સંકળાયેલી છે. આ નક્ષત્રમાં સોનું-ચાંદી ખરીદવાથી તમારી સંપત્તિ વધે છે એવી માન્યતા પણ છે તો સ્વાસ્થ્યથી મોટી સંપત્તિ દુનિયામાં કઈ હોઈ શકે?
શું તમને ક્યારેય વિચાર આવે છે કે પેઢી દર પેઢી આપણાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ, પાચનશક્તિ આ બધું નબળું કેમ થતું જાય છે? હવેનાં બાળકો મીઠાઈ, શિયાળાના વિવિધ પાક આ બધું તેમના ઘરના વડીલોની તુલનામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ખાઈ શકે છે. આનું મુખ્ય કારણ વિચારીએ તો આધુનિક ઉપચારોની ઘેલછામાં આપણે આપણા પારંપરિક ખજાના સમાન વેદોમાં લખેલા સંસ્કાર અને ઇલાજને ક્યાંક વીસરી ગયા છીએ. આજની યુવા પેઢી તેમના ઘરના વડીલોને પોતાના ઘરમાં જન્મેલા નાના બાળકને જન્મ પછી અમુક મહિનાઓ સુધી કોઈ પણ ચાટણ કે ઘૂંટી ચટાડવાની પરવાનગી નથી આપતી, પણ આયુર્વેદમાં ઉલ્લેખાયેલા સોળ સંસ્કારમાંથી એક છે જાતકર્મ સંસ્કાર, જેમાં બાળક જન્મે કે તરત સુવર્ણ પ્રાશન આપવાની રીત બતાવી છે. હાલમાં આયુર્વેદ ડૉક્ટર્સને ત્યાં દર મહિને પુષ્ય નક્ષત્રમાં ૦થી ૧૬ વર્ષની ઉંમરનાં બાળકોને આના ડોઝ આપવામાં આવે છે. આજે જાણીએ સુવર્ણ પ્રાશન છે શું અને બાળકોને એ લેવાથી શું ફાયદાઓ થાય છે.
શું છે સ્વર્ણ પ્રાશન?
મુલુંડમાં રહેતા આયુર્વેદ ડૉક્ટર તરીકે વ્યાપક અનુભવ ધરાવતાં ડૉ. માનસી પૂજારા સુવર્ણ પ્રાશન શું છે એની માહિતી આપતાં કહે છે, ‘સુવર્ણ પ્રાશનનો અર્થ છે સુવર્ણ એટલે સોનું અને પ્રાશન એટલે ચટાડવું. કાશ્યપ સંહિતામાં એનો ઉલ્લેખ છે. સુવર્ણ પ્રાશન અથવા મેડિકેટેડ સ્વર્ણયુક્ત ડ્રૉપ્સ અથવા સુવર્ણબિંદુ પ્રાશન કે આયુર્વેદિક ઇમ્યુનાઇઝેશન નામથી આ ઓળખાય છે. આપણે ત્યાં પરંપરાગત રીતે પહેલાં ઘરમાં નાનું બાળક જન્મતું ત્યારે ઘરમાં જે સોનું હોય એને થોડા પાણીમાં ભીનું કરી પથ્થર પર ઘસી અસમાન માત્રામાં મધ અને ઘી ભેળવી બાળકને સુવર્ણ પ્રાશન ચટાડવાનો રિવાજ હતો. આમાં મધ અને ઘી શરીરમાં સોનાની અસર ઝડપી અને વધુ સારી બનાવનાર ઉત્પ્રેરકની ભૂમિકા ભજવે છે. જન્મ પછી લગભગ ચાર દિવસ આ દરરોજ ચટાડવામાં આવતું અને પછી મહિનામાં એક વાર આ અપાતું. આશરે છેલ્લાં પાંચેક વર્ષોથી આ મહત્ત્વની ઔષધીની શરૂઆત અમે ફરી કરી છે. આ સંસ્કાર બાલ્યાવસ્થામાં થાય છે. ચરક ને સુશ્રુત મુજબ બાલ્યાવસ્થાનો સમય જન્મથી ૧૬ વર્ષની ઉંમર સુધીનો દર્શાવ્યો છે. જન્મથી લઈને ૧૬ વર્ષ સુધી બાળકને સતત દર મહિને પુષ્ય નક્ષત્રમાં સુવર્ણ પ્રાશનનાં ડ્રૉપ્સ આયુર્વેદિક ડૉક્ટરને ત્યાં અપાવવાં જોઈએ. આ ઔષધી ૧૬ વર્ષની નીચે કોઈ પણ ઉંમરે શરૂ કરી શકાય છે. જો આમાં કોઈક મહિનામાં આ ઔષધી લેવાનું ભુલાઈ જાય તો કોઈ નુકસાન નથી થતું. સુવર્ણ પ્રાશનની માત્રા બાળકની ઉંમર વધે એમ વધતી જાય છે.’
સોનું જ શા માટે?
સોનું એ માત્ર બાળકો માટે જ નહિં પણ કોઇપણ ઉંમરના વ્યકિત માટે તેટલું જ કારગત અને તે રોગપ્રતિકાર ક્ષમતા વધારનારું છે. આથી જ આપણાં જીવનવ્યવહારમાં પણ સોનાનું એક મહત્વનું સ્થાન છે. કારણ કે મનુષ્ય શરીર માટે સોનું એ એક શ્રેષ્ઠતમ ધાતુ છે. તેથી જ તો તેને શુભ ગણવામાં આવી છે. સોનું કોઈપણ રીતે શરીરમાં જવું જોઇએ. તેથી જ તો આપણે ત્યાં શુદ્ધ સોનાના દાગીના પહેરવાનો રિવાજ છે. સોનાનું દાન શ્રેષ્ઠ દાન ગણાય છે. એટલે જ તો ઘણી વખત મોટેરાં- વડીલો યુવાન બહેનો અને વહુઓ ને ટોકે છે કે ખોટા નહિં પણ સાચા (સોનાના) દાગીના જ પહેરો. કારણ, માત્ર એ જ કે તે દાગીના શરીર સાથે ઘસાઇને ચામડી દ્વારા શોષાઇને શરીરમાં જાય. તેથી જ તો પહેલાના રાજાઓ અને ધનાઢ્ય લોકો સોનાની થાળીમાં જ ભોજન લેતા હતાં. ઘરેણાં પહેરવાનો રિવાજ આપણે ત્યાં જાણ્યે – અજાણ્યે જ પ્રચલિત બન્યો કે બનાવ્યો, પણ તેની પાછળ આ જ દીર્ઘદ્રષ્ટિ રહી હતી. કારણ સોનું એ શરીરમાં રોગપ્રતિકાર શક્તિ તો વધારે જ છે પણ સાથે-સાથે માનસિક – બૌદ્ધિક ક્ષમતા પણ વધારે છે. તે શરીર, મન અને બુદ્ધિનું તેજ વધારનાર તેજસ્વી ધાતું છે. અને તેથી જ તો સમગ્ર દુનિયાનો વ્યવહાર પણ સોના પર જ ચાલે છે. આ પરંપરા પરથી પણ સોનાની અસરકારકતા અને આપણાં જીવનમાં તેના સ્થાનની મહત્તા આપણને સમજાય !!
સુવર્ણપ્રાશન ક્યારે?
બાળકનો જન્મ થાય ત્યારે આપણે ત્યાં એક પરંપરા રહી છે, અને તે એટલે ગળથૂથી પીવડાવવાની. બાળક જન્મે ત્યારે તેની જીભ પર મધ અને ઘી ચટાડવું અને સોનાની સળીથી ૐ લખવું આવી એક પરંપરા આપણે ત્યાં છે. આ જે પરંપરા છે તે જ એટલે આપણો સુવર્ણપ્રાશન સંસ્કાર. સુવર્ણ ચટાડવું એટલે જ સુવર્ણપ્રાશન. આપણે આ કરીએ જ છીએ પણ તે શા માટે તે ખબર નથી !! તે કેવી રીતે આવ્યું? તે ખબર નથી ! પણ તે ટકી રહ્યું છે, તે મોટી વાત છે અને હજારો વર્ષ પછી પણ તે ટકી રહી છે, ત્યારે તેના પાછળ આપણાં ઋષિઓએ કેટકેટલો પરિશ્રમ કર્યો હશે ?? આપણે સુખી થઇએ તે માટે તેમણે પરિશ્રમ ઊઠાવ્યો છે, પણ આપણે ક્યારેય તે સમજવાની પણ તસ્દી લીધી નહિં !!
આ સુવર્ણપ્રાશન માત્ર તે જ દિવસે ચટાડી દેવાથી પતી જતું નથી પણ તે તો તેની શરૂઆત છે, અને તે દિવસથી શરૂ કરીને ઓછામાં ઓછા છ મહિના સુધી દરરોજ આપવું જોઇએ અને જો આપને પોસાય તેમ હોય તો સમગ્ર બાલ્યાવસ્થા સુધી પણ આપી શકાય.
એના લાભ શું?
સુવર્ણ પ્રાશન પુષ્ય નક્ષત્રમાં જ કેમ અપાય છે અને આનાથી બાળકને શું લાભ થાય છે એનો જવાબ આપતાં ડૉ. માનસી કહે છે, ‘જો કોઈ દવા તમારે મહિનામાં એક જ વાર લેવાની હોય તો આયુર્વેદ મુજબ દવા લેવા માટેનું સૌથી સારું નક્ષત્ર પુષ્ય નક્ષત્ર છે. આખા મહિનામાં આ એક એવો દિવસ છે જ્યારે પર્યાવરણ સૌથી વધારે શુદ્ધ હોય છે. આ દિવસે વ્યક્તિનું બળ, તેમનો અગ્નિ વ્યવસ્થિત હોય છે. આખા દિવસમાં આ નક્ષત્રનો નિશ્ચિત સમય હોય છે, જે પંચાંગમાંથી કે આયુર્વેદિક ડૉક્ટર પાસેથી મળી રહે છે. આ સંસ્કાર બાળકના હૃદય માટે અત્યંત મહત્ત્વ ધરાવે છે અને હવે વર્ષોથી લોકો આ નથી કરતા. આયુર્વેદ એમ માને છે કે લોકોમાં હૃદયના વિકારો વધવાનું એક મુખ્ય કારણ આ સંસ્કારનો વિસાર થયો હોવાનું છે. આના અનેક લાભ છે. અમુક આયુર્વેદિક ડૉક્ટર્સ જે બાળકોને લાંબા સમયથી આ દવા આપી રહ્યા છે તેમણે એક ચાર્ટ બનાવ્યો છે અને તેમનું નિરીક્ષણ છે કે તે બાળકને કોઈ પણ ઋતુ બદલાવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ નથી, વાઇરલ ઇન્ફેક્શન નથી થયાં, વારેઘડીએ તેઓ માંદાં નથી પડતાં અને રોગપ્રતિકારક શક્તિ વધી છે. નાનપણથી જ્યારે કોઈ બાળક સુવર્ણ પ્રાશન લે છે તો તેના મગજના વિકાસમાં ખૂબ લાભ થાય છે. બાળકના દરેક વિકાસમાં આની ખૂબ સારી અસર છે.
આપણા શરીરમાં લોહ, ચાંદી, સ્વર્ણ અને તાંબું આ દરેક ધાતુની જરૂર હોય છે. સોનાથી હૃદય સ્વસ્થ બને છે. આનાથી બાળકનો વર્ણ પણ વ્યવસ્થિત થાય છે. સ્વર્ણ પ્રાશન બળવર્ધક, બુદ્ધિવર્ધક, અગ્નિવર્ધક, મેધાવર્ધક એટલે કે યાદશક્તિ વધારનાર છે. જો જન્મથી છ મહિના સુધી બાળકને આ આપવામાં આવે તો છ મહિના પછી એ બાળમાનસ જે સાંભળે એ જલદીથી ગ્રહણ કરી શકે છે. આનાથી સમજાય છે કે તેની સ્મરણશક્તિ સારી થઈ છે. આનો એક લાભ બાલગ્રહમાં પણ થાય છે. ઘણી વાર બાળક રડ્યા કરે છે અને લોકો માને છે કે તે નજરાઈ ગયું છે. આયુર્વેદમાં આને બાલગ્રહ કહે છે. આ ઔષધિથી આવા ગ્રહદોષ દૂર થાય છે. નબળાં બાળકો હોય કે સ્વસ્થ, સુવર્ણ પ્રાશન દરેક બાળક માટે લાભદાયી છે.’
કોરોનાકાળમાં આપણે આયુર્વેદને કારણે નીરોગી રહી શક્યા અને હવે તો આપણે માનવું જ રહ્યું કે ભારત પાસે આયુર્વેદ જેવું ૨૪ કૅરેટનું શુદ્ધ સોનું છે તો આ સોનાનો લાભ બાળકોને આપી આપણા બાળધનને આપણે સ્વાસ્થ્ય અર્પવું જોઈએ.
જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…