બાપના પૈસે લહેર કરતી આ પેઢીએ, આ યુવાનની કહાની જરૂર વાંચવી જોઈએ.

Story

આ કિશન સોમૈયા છે. પિતા અને કાકા સાથે જામનગરમાં રહેતો 20 વર્ષનો ફૂટડો યુવાન. કિશન માત્ર 9 ધોરણ ભણેલો છે. એ ત્રણ વર્ષનો હતો ત્યારે જ માતાનું અવસાન થયું. પિતાની અત્યંત નબળી આર્થિક પરિસ્થિતિને કારણે એ આગળ ન ભણી શક્યો. ઘરે ઘરે પેમ્ફ્લેટ નાંખવા જેવા બીજા સામાન્ય કામ કરીને એ પિતાને આર્થિક ટેકો આપતો.

મારા મિત્ર કાનાભાઈ આહીરની જામનગરમાં એક કંપની છે જેમાં આ છોકરાને બાકીના કર્મચારીઓની જેમ સર્વે કરવાના કામ માટે રાખ્યો. આ સર્વેમાં કંપની દ્વારા વેંચવામાં આવતી પ્રોડક્ટ કઈ કઈ દુકાને રાખવામાં આવે છે ? ગ્રાહકોની માંગ કેવી હોય ? ગ્રાહકોનો વપરાશ પછીનો અનુભવ કેવો હોય ? આવી બધી બાબતો અંગે દુકાનદારને મળીને માહિતી એકઠી કરવાની હોય અને કંપનીને પહોંચાડવાની હોય.

જામનગર શહેરનો સર્વે પૂરો થયા બાદ જામનગર જિલ્લાના ગામડાના સર્વે ચાલુ થયો. ગઈકાલે આ છોકરો એને સોંપાયેલ ગામનો સર્વે કરીને કંપની પર ફીડબેક આપવા આવ્યો ત્યારે ખબર પડી કે 25 કિમી દૂરના એને સોંપાયેલ ગામનો સર્વે કરવા કિશન સાયકલ લઈને ગયો હતો. 25 કિમી જવાના અને 25 કિમી આવવાના એમ કૂલ 50 કિમીનું અંતર એમણે સાયકલ પર જ કાપ્યું કારણકે એના ઘરમાં કોઈ વાહન જ નથી.

કિશન સાથે કંપનીના માલિકે વાત કરી ત્યારે ઘણી એવી બાબતો જાણવા મળી જે આજની યુવાપેઢીને પ્રેરણાદાયક છે. કિશનને જ્યારથી કામ સોંપવામાં આવ્યું ત્યારથી એ પોતાનું કામ કરવા માટે સાયકલનો જ ઉપયોગ કરે છે. થોડા સમય પહેલા એ ત્રણ દિવસ બીમાર હતો આમ છતાં એ અંગે કોઈને કાંઈ કહ્યું નહીં અને ત્રણમાંથી એકપણ દિવસ એણે પોતાની કામગીરી બંધ રાખી નથી. ‘મને કામ કરવાનો પગાર મળે છે તો મારે કંપનીને એનું વળતર આપવું જોઈએ’ એવું માનતો કિશન સમયપાલનની બાબતમાં પણ ચુસ્ત છે.

કામનો જે સમય નક્કી થયો હોય એ સમયે પોતાના કામ પર એ હાજર જ હોય. પરિવારમાં માત્ર પપ્પા અને અપરણિત કાકા છે એટલે રસોઈ બનાવવાનું કામ પણ કિશન કરે. રસોઈ બનાવવાની હોય અને ઘરની સફાઈ પણ કરવાની હોય આમ છતાં આ છોકરો ક્યારેય પોતાના કામ પર મોડો પહોંચ્યો હોય એવું બન્યું નથી. સવારે જાતે બનાવેલો નાસ્તો કરીને કામ પર જતો રહે પછી સાંજે આવીને જમે, બપોરે જમતો પણ નથી.

આટલી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થતો હોવા છતાં એ હંમેશા હસતો જ હોય. એના ચહેરા પર તમને દુઃખના કે પીડાના કોઈ ભાવ જોવા જ ન મળે. પોતાની પરિસ્થિતિ વિશે બીજાને ફરિયાદ કરવાનું એના સ્વભાવમાં જ નથી. આ ફોટો જોઈને પણ સમજાય જાય કે અગવડતાઓ વચ્ચે પણ એ કેવો આનંદમાં છે.

કંપનીના માલિક કાનાભાઈને આ બધી વાતની જાણ થઈ ત્યારે એમણે કંપનીના અન્ય ડિરેક્ટર્સ સાથે વાત કરીને નક્કી કર્યું કે આ છોકરાને આપણે આગળ વધવાની તક આપવી છે અને એની ક્ષમતાઓ વધુ વિકસે એવું કામ પણ આપવું છે. કિશન પણ કામ કરતા કરતા હવે બોર્ડની પરીક્ષા આપવા ઈચ્છે છે.

મિત્રો, આપણા જીવનમાં થોડી સમસ્યાઓ હોય તો પણ આપણે ઉતરેલી કઢી જેવું મોઢું લઈને ફરિયાદો કરતા કરતા જીવીએ છીએ અને કિશન સોમૈયાના જીવનમાં સમસ્યાઓ સિવાય બીજું કાંઈ નથી છતાં પ્રભુએ આપેલા જીવનને ફરિયાદો કર્યા વગર ઉત્સાહ અને આનંદ સાથે માણે છે.

લેખક શૈલેષ સગપરીયા

Leave a Reply

Your email address will not be published.