એક 10 વર્ષનો બાળક સ્કુલમાં સ્ટેજ પરફોર્મન્સ કરી રહ્યો હતો અને તેની માતા ઈન્સ્ટાગ્રામમાં લાઈવ કરી હતી, પછી થયું એવુ કે….

Uncategorized

મારા એક ખાસ મિત્રનો દસ વર્ષનો દીકરો મને મળવા આવ્યો. કારણ ? એને social anxiety હતી. મારી સાથે વાત કરતી વખતે એના હાથ ધ્રુજી રહ્યા હતા. કેન યુ બિલીવ ? જસ્ટ એટ ધ એજ ઓફ ટેન. મેં પૂછ્યું, ‘શું થાય છે ?’, એણે કહ્યું, ‘બે દિવસ પછી સ્કુલમાં એક સ્ટેજ પરફોર્મન્સ છે. અને મને લાગે છે કે હું પરફોર્મ નહીં કરી શકું.’ આટલી નાની ઉંમરમાં ‘ફીઅર ઓફ ફેલ્યર’નું કારણ જાણવા માટે, મેં તેને પૂછ્યું, ‘મિત્રો કે શિક્ષકોની સામે તારી કોઈ ભૂલ થાય, તો એમાં વાંધો શું છે ?’. પછી મને એના ઉદ્વેગ અને બેચેનીનું મૂળ કારણ જાણવા મળ્યું. બહુ જ નિસહાય થઈને તેણે કહ્યું, ‘પણ મમ્મીનું ઈન્સ્ટા લાઈવ તો ચાલુ હશે ને !’ આને કહેવાય ‘શેરેન્ટિંગ’.

બાળક પર ગર્વ હોવાની જાહેરાત કરવા, પેરેન્ટિંગ માટેની પ્રશંસા મેળવવા અથવા તો પછી આપણી કે બાળકની તેજસ્વીતા પ્રસ્થાપિત કરવાના ઈરાદાથી આપણા બાળકની તમામ નાની-મોટી પ્રવૃત્તિઓને સોશિયલ મીડિયામાં સતત હાઈલાઈટ કરતા રહેવાની વૃત્તિ એટલે ‘શેરેન્ટિંગ’. કન્સેપ્શનથી લઈને બાળકના જન્મ સુધી, બાળકના ‘ડેવલોપમેન્ટલ માઈલસ્ટોન્સ’થી લઈને એણે મેળવેલી ઉપલબ્ધિઓ સુધી, આપણા બાળકના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસને સતત પ્રસારિત કરતા રહેવાની આદત એટલે ‘શેરેન્ટિંગ’. ટૂંકમાં, બાળકે કરેલી દરેક પ્રવૃત્તિ અને પ્રગતિને સોશિયલ મીડિયામાં શેર કરવાની વાલીઓની કમ્પલઝીવ આદતને ‘શેરેન્ટિંગ’ કહેવાય છે.

‘બાળકને પ્રોત્સાહન મળે’ એવા રૂપકડા લેબલ હેઠળ અનેક વાલીઓ અવારનવાર પોતાના બાળકની અતિમૂલ્યવાન અને ખાનગી કહી શકાય એવી માહિતીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરતા હોય છે. પોતાની સ્ટોરીમાં શેર કરેલો એની માર્કશીટનો ફોટો, એની સ્પીચનો વિડીયો, એના મિત્રો, એની દિનચર્યા, એની જન્મતારીખ (અને કદાચ એના પરથી જ બનેલો આપણો કોઈ અગત્યનો પાસવર્ડ), એની સ્કુલનું નામ, સ્કુલ યુનિફોર્મનો ફોટો, એના કરાટે, યોગા કે ડાન્સ ક્લાસ, એના ક્લાસ ટીચર અને આવી તો કેટલીય અગત્યની ખાનગી માહિતીઓ આપણે જાણ્યે-અજાણ્યે સોશિયલ મીડિયા દ્વારા આ અપરિચિત જગત સાથે શેર કરી નાખતા હોઈએ છીએ.

આપણા બાળકો પ્રગતિ કરે, એ સારી વાત છે. બાળકની એ પ્રગતિને સ્વજનો અને મિત્રો સાથે શેર કરવાની ઈચ્છા થાય, એ પણ નોર્મલ. પણ સૌથી અગત્યનો સવાલ. આપણી એકાઉન્ટ ડીટેઈલ્સ કે ઓ.ટી.પીથી પણ વધારે મૂલ્યવાન એવી આપણા બાળકની માહિતી જ્યારે આપણે આ જગત સાથે શેર કરીએ છીએ, ત્યારે એનું ઓડિયન્સ આપણા કંટ્રોલમાં હોય છે ? તેરમા જન્મદિવસની ઉજવણી કરતી વખતે આપણું સંતાન કેટલું સુંદર દેખાય છે, એ જોવાનો અધિકાર આપણે કેટલા લોકોને આપ્યો છે એની આપણને ખબર છે ? નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ્યારે મારા અને તમારા ડેટા પણ સુરક્ષિત નથી, ત્યાં આપણા બાળકોની માહિતી કઈ રીતે સુરક્ષિત હોઈ શકે ?

અમૂક ઉંમર સુધી આપણું બાળક જો સોશિયલ મીડિયા વાપરતું જ નથી (એન્ડ આઈ હોપ કે એવું જ હોય), તો એની પ્રગતિ અને પરાક્રમના કિસ્સાઓ શેર કરીને આપણે કોને માટે લાઈક્સ ઉઘરાવીએ છીએ ? ક્યાંક એવું તો નથીને કે એના ફોટા, રીલ્સ કે વિડિયોઝ પર મળતી વાહવાહી એકઠી કરીને, આપણે પોતાના તૂટેલા સ્વમાનનું રીપેરીંગ કામ કરીએ છીએ ! આપણા બાળકની બિનજરૂરી માહિતીઓ શેર કરીને, એક પેરેન્ટ તરીકે આપણે કેટલા લાયક, સક્ષમ અને સફળ છીએ એવું તો જતાવવા નથી માંગતા ને ! જો એવું નથી, તો બાળકની નાની નાની ખુશીઓનો આટલો ઢંઢેરો કેમ? પ્રશંસા અને વાહવાહીની લાલચમાં ક્યાંક આપણે બાળકોને ‘પ્રોડક્ટ’ તો નથી બનાવી દીધાને ? બાળકની પ્રગતિ પ્રસ્તુત કરીને, આપણી જાતને સુપીરીયર પેરેન્ટ તરીકે પ્રસ્થાપિત કરવાની ઘેલછા એટલે ‘શેરેન્ટિંગ’.

બાળકના દેખાવ, પ્રગતિ કે સફળતા જોઈને આ જગતમાં એના મા-બાપથી વધારે ખુશ કોઈ ન હોઈ શકે. તો પછી બાળકની એ સિદ્ધિઓ, સતત જગતને બતાવ્યા કરવાનું કોઈ ખાસ કારણ ? આપણું બાળક પ્રગતિ કરી રહ્યું છે, શું એટલી જ ખુશી એક વાલી તરીકે આપણા માટે પર્યાપ્ત નથી ? તો પછી એ ખુશીનું ડોક્યુમેન્ટેશન અને બ્રોડકાસ્ટિંગ કરવાની જરૂર શું કામ ઉભી થાય છે ? જો વાત પ્રોત્સાહનની હોય, તો એક બાળકને એના પેરેન્ટ્સથી વધારે સારું પ્રોત્સાહન બીજું કોણ આપી શકવાનું ?

બાળકની સિક્યોરિટી અને પ્રાઈવસી જેવી બાબતોને બે ઘડી સાઈડ પર મૂકી દઈએ, તો પણ ‘શેરેન્ટિંગ’ની એક મુખ્ય, ગંભીર અને દીર્ઘાયુ આડ-અસર છે. અને એ છે બાળકના માનસિક સ્વાસ્થ્ય પર થતી અસરો. એક અદભૂત પુસ્તક ‘Sharenthood: Why We Should Think before We Talk about Our Kids Online’માં હાર્વર્ડ યુનિવર્સીટીના એસોસીએટ પ્રોફેસર લીહ પ્લન્કેટ લખે છે કે શેરેન્ટિંગ દ્વારા આપણે બાળકોની સોશિયલ મીડિયામાં વહેલી, અપરિપક્વ અને અકાળે એન્ટ્રી કરાવી દઈએ છીએ.

એટલું જ નહીં, શેરેન્ટિંગ દ્વારા આપણા બાળકનું જ્યારે આપણે સફળ, પ્રતિભાશાળી અને પરફેક્ટ ઓનલાઈન ‘કેરેક્ટર’ ઘડી કાઢીએ છીએ, ત્યારે આપણે ઓનલાઈન રચેલા એ પાત્રને મેચ કરવા માટે આપણું સંતાન આજીવન સંઘર્ષ કરતું રહે છે. મમ્મી કે પપ્પાએ સોશિયલ મીડિયામાં રચેલી પોતાની તેજસ્વી ઈમેજને જાળવી રાખવાની જવાબદારીમાં, બાળક પોતાની મરજી અને મૌલિકતાથી અભિવ્યક્ત થતા ડરે છે. શેરેન્ટિંગની સૌથી ખરાબ અસરો બાળકના સ્વમાન અને ‘સેન્સ ઓફ સેલ્ફ’ પર થતી હોય છે.

બાળપણથી જ સતત સોશિયલ મીડિયામાં પ્રોજેક્ટ થતું આવતું બાળક, ધીમે ધીમે એવું સમજવા લાગે છે કે પોતાની દરેક પ્રવૃત્તિ, કાર્ય કે લાઈફ ઈવેન્ટ,આ જગત સાથે શેર કરવા માટે એ કાયમ બંધાયેલું છે. બાળક એ સમજણથી દૂર થતું જાય છે કે જીવનની કેટલીક ક્ષણો ખાનગી અને ગોપનીય પણ હોઈ શકે. આનંદ કે દુઃખની દરેક ક્ષણ પ્રસારિત કરવી જરૂરી નથી હોતી, ફક્ત અભિવ્યક્ત કરવી જરૂરી હોય છે એ વાત બાળકો નથી સમજી શકતા. ‘શેરેન્ટિંગ’ એમના જીવનને બાળપણથી જ એક બ્રોડકાસ્ટ મોડમાં મૂકી દે છે. આપણી દરેક પ્રવૃત્તિ, સફળતા કે નિષ્ફળતાનેઆ જગત સતત નિહાળી રહ્યું છે અને આપણે સતત કોઈ ‘અદ્રશ્ય’ લોકોની દેખરેખ હેઠળ છીએ, એ માન્યતા બાળકને બહુ સ્ટ્રેસ આપનારી હોય છે.

બાળક એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો જીવ છે. એ આપણી ઓળખ, પ્રતિષ્ઠા કે વ્યક્તિત્વનું એક્સ્ટેન્શન નથી. પોતાના જીવનની કઈ અને કેટલી વાતો જાહેરજીવનમાં શેર કરવી ? એનો નિર્ણય ભવિષ્યમાં એ જ કરશે. પણ બાળક સમજણું, પુખ્ત કે પરિપક્વ ન થઈ જાય ત્યાં સુધી તેને પ્રદર્શન માટેની પ્રોડક્ટ કે ડિસ્પ્લે આઈટમ ન બનવા દેવી, એ ચોક્કસ આપણા હાથમાં છે.

લેખક & સૌજન્યઃ- ડૉ. નિમિત્ત ઓઝા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *