હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, વેપાર ધંધામાં મંદી ચાલી રહી છે અને આવા કપરાકાળમાં ઘણાં લોકોને પોતાની લોનના હપ્તા ચૂકવવામાં મુશ્કેલી પડી રહી છે. એવામાં જો લોન લેનાર હપ્તો ન ભરી શકે અને ડિફોલ્ટ થવા પર લોન લેનારને તો મુશ્કેલી પડી જ રહી છે પણ સાથે સાથે ગેરંટર એટલે કે જામીન તરીકે સહી કરનારને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોનની ચૂકવણી નહીં થવાને કારણે જામીન થનારનો ક્રેડિટ સ્કોર તો ખરાબ થાય જ છે, પરંતું જામીન થનારે લોનની રકમની ચૂકવણી પણ કરવી પડી શકે છે.
બેંકના નિયમ મુજબ કોઇ પણ લોનમાં જામીન થનાર વ્યકિત લોન લેનાર વ્યકિતની જેમ જ કર્જદાર ગણવામાં આવે છે. લોન લેનાર ડિફોલ્ટ થાય તો બેંક પહેલાં કર્જદારને નોટિસ મોકલે છે અને જો જવાબ નહીં આવે તો પછી જામીન થનારને પણ નોટીસ મોકલામાં આવે છે.
બેંક પહેલાં તો લોન લેનાર પાસેથી જ પૈસા વસુલવાની કોશિશ કરશે, પરંતુ પૈસા મેળવવામાં બેંકને જો નિષ્ફળતા મળે તો પછી જામીન થનારને જવાબદાર માનીને તેની પાસેથી વસુલાત કરવામાં આવે છે. મોટી રકમની લોન હોય તો બેંક ફરિજયાત ગેરંટરને રાખે છે.
બેકિંગ સેકટરમાં ઘણા સમયથી લોન લેનારનો રેકર્ડ રાખવામાં આવે છે જે Credit Information Bureau (India) Limited (cibil) આ કામ કરે છે. CIBIL માત્ર લોન લેનારના જ રેકર્ડ રાખતી નથી, પરંતું જામીન થનારનો પણ રેકર્ડ રાખે છે. એટલે જો લોન લેનાર સમયસર ચુકવણી નહીં કરે તો જામીન થનારનો ક્રેડિટ સ્કોર પણ ખરાબ થશે. એને કારણે જામીન થયેલો વ્યક્તિ પોતાના માટે ભવિષ્યમાં ઘર, કાર કે પર્સનલ લોન લેવામાં મુશ્કેલ થઇ શકે છે.
બેકીંગ સાથે જોડાયેલા વિદ્વાન વ્યક્તિઓના જણાવ્યા અનુસાર, જો કોઇ પણ લોન માટે અરજી કરે અને તમે જ્યારે તેના જામીન બની રહ્યા છો ત્યારે એટલું ખાસ ધ્યાન રાખો કે લોન લેનારને તમે પુરી રીતે જાણો છો?, તેની નાણાંકીય સ્થિતિની તમને ખબર છે?, શું ભૂતકાળમાં તે ડિફોલ્ટ થયો છે?
જો તમે આટલું જાણ્યા વગર પહેલાંથી તેના જામીન બની ગયા છો તો લોન લેનાર વ્યકિત અને લોન આપનાર બેંકના સંપર્કમાં રહો. ઉપરાંત તમારો પોતાનો ક્રેડિટ સ્કોર નિયમિત ચેક કરતા રહો. જો કોઇ પરેશાની હશે તો તમારા ક્રેડિટ સ્કોરમાં દેખાશે. જામીનદારે વીમા કવચ જરૂર લેવું જોઇએ જેથી લોન નહીં ભરી શકાય તેવી સ્થિતિમાં કામ લાગી શકે અને જામીન થનાર વ્યક્તિ પર લોન ચુકવવાની જવાબદારી નહીં આવે.
તમે કોઇના જામીનદાર બની ગયો છો અને તમારે એમાંથી નિકળી જવું છે તો બેંકને જયાં સુધી બીજો જામીનદાર નહી મળે ત્યાં સુધી તમને પરવાનગી નહીં આપે. કોઇ બીજો જામીનદાર મળે એ પછી પણ એ વાત બેંક પર નિર્ભર રહે છે કે જામીનદાર બદલવા માટે મંજૂરી આપવી કે નહી.