જૂન મહિનાની વરસાદી રાત હતી. રાતના સાડા દસ થયા હતા. સોળ વર્ષની આકાંક્ષા એના પિતા સાથે બાઈક પર પસાર થઈ રહી હતી. બાઈક પાછળ બેઠી બેઠી એ પ્રકૃતિને નિહાળી રહી હતી. વરસાદ હજુ હમણાં જ બંધ થયો હતો. સડક હમણાં જ ધોઈ હોય એવી ચોખ્ખી ચણાક હતી. વાતાવરણ માટીની ખુશ્બુથી મહેકી રહ્યું હતું. રસ્તાની આસપાસ ઊભેલાં ઝાડ જોઈને આકાંક્ષાને એના ફ્રેન્ડ્ઝ યાદ આવી ગયાં. સ્કૂલમાં ટીચર સજા કરે ત્યારે બધા ફ્રેન્ડ્ઝ આમ જ ઝાડની જેમ ઊભા રહી જતાં હતાં. આકાંક્ષાને હસવું આવી ગયું.
ભીનો ભીનો પવન વાઈ રહ્યો હતો. એની સ્હેજ ભીની થયેલી લટો હળવે હળવે હવામાં ફરફરી રહી હતી. આકાંક્ષા એની લટને હાથ વડે સરખા કરવા મથતી હતી પણ તોફાની પવન લટને છોડે તેમ નહોતો.
આકાંક્ષા એટલે એના પપ્પાની એકદમ લાડકી દીકરી. ભણવામાં હોંશિયાર અને વાતો કરવામાં પાવરધી. શરીરે સાવ પાતળી, ઘાટ સ્વર્ગની પરી જેવો. એકદમ ગોરો ચહેરો, માંજરી આંખો અને રેશમી કેશ. નામ હતું આકાંક્ષા પણ બધા એને જલપરી કહીને જ બોલાવે.
આકાંક્ષા બધી વાતે સુંદર હતી પણ એની મમ્મીને એક જ ચિંતા હતી કે છોકરી બહુ પાતળી છે. એ અવાર નવાર એને ટોક્યા કરતાં, ‘બેટા, જમવાનું રાખ ! આમ બે રોટલી ખાઈશ તો વધારે પાતળી થઈ જઈશ. જરાક શરીર બનાવ ! આ ઉંમરે તો પઠ્ઠા જેવું શરીર હોવું જોઈએ.’
આકાંક્ષા હસીને કહેતી, ‘મમ્મી, પઠ્ઠા જેવું શરીર ગાદલું કહેવાય. એ પડ્યું જ રહે. અત્યારે તો પાતળું શરીર જ સારું. જાડા શરીરવાળા ન તો કોઈને મારી શકે ન તો ભાગી શકે. ક્યારેક કંઈ મુશ્કેલી આવે તો આ પાતળું શરીર લઈને ગલી ગોતીને ભાગી તો શકાય ને ! સમજી કે નહીં ! અને હા, માણસનું શરીર નહીં મન જાડું હોવું જોઈએ. મનોબળ મક્કમ હોવું જોઈએ. જીત જુસ્સાની થાય છે શરીરની નહીં સમજી !’
એક બંપ આવ્યો. બાઈક ઊછળી. આકાંક્ષા વિચારધારામાંથી બહાર આવી આસપાસ જોવા લાગી. પપ્પા શાંતિથી બાઈક ચલાવી રહ્યા હતા. સિટી એરિયા હવે પૂરો થયો હતો. ઘર હજુ ઘણું દૂર હતું. રસ્તો સૂમસામ હતો અને વરસાદને કારણે રાત બહુ ગાઢ લાગતી હતી.
ભીની સડક પર માંડ એકાદ બે વાહનો પસાર થઈ રહ્યાં હતાં. એક્સિડેન્ટ ના થાય એ બીકે આકાંક્ષાના પિતા રોડની એક સાઈડ પર એકદમ ધીમી સ્પીડે બાઈક હંકારી રહ્યા હતા. સેફટી માટે એ વારંવાર મિરરમાં જોયા કરતા હતા. દસેક મિનિટથી એક વાત એમના ધ્યાન પર આવી હતી કે બે બાઈકસવારો જાણે એમનો પીછો કરી રહ્યા છે. ન તો સાઈડ કાપીને આગળ વધી રહ્યા છે ન તો બીજાં વળાંકો પર વળી રહ્યા છે.
એ થોડા નર્વસ થઈ ગયા. રસ્તો અવાવરુ હતો અને જોખમ મોટું હતું. સાથે સોળ વર્ષની જુવાન દીકરી હતી. થોડીવાર એમણે બરાબર માર્કિંગ કર્યું. એમનો શક સાચો હતો. બાઈકસવારો ખરેખર એમનો જ પીછો કરી રહ્યા હતા. એમણે આકાંક્ષાને કહ્યું, ‘બેટા, થોડી સાવચેત રહેજે. બે ગુંડાઓ આપણો પીછો કરી રહ્યા હોય એવું લાગે છે !’ પપ્પા એને ડરાવવા નહોતા માંગતા પણ સાવચેત કરવા માંગતા હતા.
આકાંક્ષાએ એક નજર પાછળ કરી. અંધારામાંય એણે નોંધ્યું કે બંને ખંધા યુવાનોએ એની સામે વિકૃત સ્માઈલ કર્યું હતું. એણે દુપટ્ટો સરખો કરી ઓઢી લીધો.
બાપ-દીકરી બંને ફફડતાં હતાં. હજુ ઘર બહુ દૂર હતું. જલ્દી આ રસ્તો કપાય અને ઘર આવે તો સારું. પણ ભગવાને કંઈક બીજું જ ધાર્યું હતું. આગળ જતા બીજા બે બાઈકસવારો વચ્ચેથી આવ્યા અને આકાંક્ષાના પિતાની આગળ આગળ બાઈક ચલાવવા લાગ્યા. પાછળવાળા મવાલીઓ પણ હવે નજીક આવી ગયા હતા. આગળ બે મવાલીઓ, પાછળ બે મવાલીઓ અને વચ્ચે જુવાન પુત્રીને ઘરે લઈને જતો મજબૂર અને કમજોર બાપ.
પરિસ્થિતિ ભયંકર બનતી જતી હતી. આકાંક્ષાના પિતા આમાંથી ઊગરવાનો રસ્તો વિચારી રહ્યા હતા. પણ મવાલીઓએ એમને વિચારવા જ ના દીધું. આગળ બાઈક ચલાવી રહેલા બંને મવાલીઓએ બાઈક ઊભી રાખી અને આકાંક્ષાના પિતાને પણ બાઈક અટકાવવા ઈશારો કર્યો. એમની સૂચનાને અનુસર્યા વિના કોઈ ચારો નહોતો. આકાંક્ષાના પિતાએ બાઈક ઊભી રાખી.
પાછળ આવી રહેલા મવાલીઓની બાઈક પણ ઊભી રહી. ચારે જણ નીચે ઊતર્યા અને નજીક આવ્યા. બાપ-દીકરી ગભરાઈ ગયાં હતાં. રસ્તામાં અંધારું અને જંગલ સિવાય કોઈ નહોતું.
એક મવાલીએ આકાંક્ષાનો દુપટ્ટો ખેંચ્યો, ‘હાય, સ્વીટહાર્ટ ! અકેલે અકેલે કહાં ચલી ?’
ત્યાં જ આકાંક્ષાના પિતા ગર્જ્યા, ‘હેય, બાસ્ટર્ડ ! ડોન્ટ ટચ હર ! આઈ વિલ કિલ યુ !’ બીજા મવાલીએ ધક્કો મારીને એમને પાડી દીધા. પપ્પાને પડી જતાં જોઈ આકાંક્ષા ચીખી ઊઠી. મવાલીએ છેડતી કરવાનું ચાલુ રાખ્યું. ખૂબ ખરાબ ભાષામાં એની છેડતી થવા લાગી. પિતાને પણ બે-ચાર થપ્પડો મારવામાં આવી. કાનના કીડા ખરી પડે એવી ગાળો શરૂ થઈ. ચારેચાર મવાલીઓનાં મોં દારૂથી ગંધાઈ રહ્યાં હતાં. કોલસાની ખાણમાંથી સીધા જ આવ્યા હોય એવા કાળા ડિબાંગ ગુંડાઓ ધોળા પારેવા જેવી ભોળી આકાંક્ષાની ઈજ્જત પર શબ્દોના પ્રહાર કરી રહ્યા હતા.
અંધારું હતું, સૂમસામ રસ્તો હતો અને મજબૂર બાપ હતો. થાય તોપણ શું થાય ? આકાંક્ષાના પિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. અચાનક એક મવાલીએ આકાંક્ષાનો દુપટ્ટો ખેંચી દૂર ફંગોળ્યો. પણ મવાલી દુપટ્ટાથી આગળ વધે એ પહેલાં જ દૃશ્ય બદલાઈ ગયું. વિફરેલી વાઘણ જેવી આકાંક્ષાએ એક જોરદાર કીક દુપટ્ટો ઊછાળનારના પગ વચ્ચે મારી. કીક એટલી જોરદાર હતી કે મવાલી પાંચ ફૂટ દૂર જઈ ફંગોળાયો અને રાડો પાડવા લાગ્યો.
બીજા ત્રણ મવાલીઓ એકદમ ચોંકી ગયા. બીજો એક આકાંક્ષા પાસે આવ્યો અને એનો હાથ પકડવાની કોશિશ કરી. પણ એ હાથ પકડે એ પહેલા જ આકાંક્ષાએ હાથના પંજાનો એવો પ્રહાર કર્યો કે એ પણ ભોંય ભેગો થઈ ગયો. પછી ત્રીજો આવ્યો. આકાંક્ષાએ એના પેટમાં લાત ફટકારી અને ચોથાનો હાથ પકડીને મચડી નાંખ્યો.
ચારેચાર મવાલીઓ ચોંકી ઊઠ્યા. પણ એ લોકો આશ્ચર્યમાંથી બહાર આવે એ પહેલા ફરીવાર આકાંક્ષા એમના પર તૂટી પડી.
આકાંક્ષા કરાટે અને માર્શલ આર્ટની જાણકાર હતી. એ નવ વર્ષથી એની ટ્રેનિંગ લઈ રહી હતી. બ્લેક બેલ્ટ વિનર આકાંક્ષા વાવાઝોડું બનીને મવાલીઓ પર ખાબકી રહી હતી. એ રાત્રે એ સૂમસામ રસ્તા પર ભયંકર યુદ્ધ થયું. સોળ વર્ષની, પાતળા બાંધાની નાજુક નમણી કન્યા ચાર હટ્ટાકટ્ટા મવાલીઓને એકલે હાથે છઠ્ઠીનું ધાવણ ઓકાવી રહી હતી. આકાંક્ષા કરાટેના એક પછી એક દાવ અજમાવતી ગઈ. એક મવાલીના પેટમાં લાત મારી એને પાડી દે અને અને બીજાની છાતીમાં. ત્રીજાના મોં પર પંજાનો પ્રહાર કરે તો ચોથાની ગરદન પર.
વાત ફિલ્મી લાગે પણ એકદમ હકીકત છે. ચારમાંથી એકે મવાલી એ દિવસે આકાંક્ષા સામે નહોતો ટકી શક્યો. આકાંક્ષા રણચંડી બનીને ચારેચાર નરાધમોને સજા કરી રહી હતી. એ દરમિયાન એના પિતાએ પોલીસને ફોન કરી દીધો.
પોલીસ આવે ત્યાં સુધી લડવું જરૂરી હતું. આકાંક્ષા લડી, માત્ર લડી જ નહીં ઈતિહાસ યાદ કરે અને મવાલીઓની સાત પેઢી ના ભૂલે એવી રીતે લડી. સતત અડધો કલાકથી પણ વધારે સમય સુધી સોળ વર્ષની એ એકલી છોકરી ચાર ચાર લઠ્ઠાઓ જોડે લડતી રહી. એક એકને ભોંય ભેંગા કરતી રહી. એ ચાર મળીને પણ આકાંક્ષાનું કંઈ ના બગાડી શક્યા. એ લડી અને જીતી પણ ખરી.
અડધા કલાક પછી પોલીસની ગાડી આવી. જીપની હેડલાઈટના પીળા પ્રકાશમાં પોલીસ અધિકારીઓ પણ આ છોકરીને લડતી જોઈને દંગ રહી ગયા. આખરે પોલીસે ચારેચાર ગુનેગારોને ગિરફ્તાર કર્યા. છૂટા પડતી વખતે આકાંક્ષા અને એના પિતાએ પોલીસનો આભાર માન્યો, ‘થેંક યુ સર ! તમે આવી ગયા ! નહીંતર આજ અમે…’
પોલીસ અધિકારીએ એમને અટકાવ્યા, અને ત્યાં ઉપસ્થિત બધા જ પોલીસમેને આકાંક્ષાને સલામ કરતા કહ્યું, ‘બેટા, આમ તો અમને સૌ સલામ કરે છે. પણ આજે અમે ભારતની બહાદુર દીકરીને સલામ કરીએ છીએ. તારી બહાદુરીને સો સો સલામ છે દીકરી ! આમાં અમે કંઈ નથી કર્યું. તારી લાજ તે જ રાખી છે. તારા મા-બાપનું જ નહીં તું આખા દેશનું ગૌરવ છે.’ આકાંક્ષા બધાને પગે લાગી.
મોડી રાત્રે એના પિતાએ ઘરે જઈ વાત કરી. ધીમે ધીમે આખી સોસાયટીમાં અને સગાસંબંધીઓમાં પણ ખબર પડી. બીજા દિવસે આખા શહેરની જબાન પર આકાંક્ષાની બહાદુરીની દાસ્તાન વખાણ બનીને વહી રહી હતી. સેંકડો સગા-સંબંધીઓએ આકાંક્ષાના ઘરે આવીને એને અભિનંદન આપ્યાં, ત્યારે એનાં માતા-પિતાની આંખમાંથી હર્ષનાં આંસુ વહી રહ્યાં હતાં.
આકાંક્ષા એ દિવસથી રોજ એની મમ્મીને ચિડાવે છે, ‘મમ્મી, તું કહેતી હતી ને કે જાડી થા, જાડી થા. આજે હું જાડી હોત તો આ મવાલીઓ મારો ખુરદો બોલાવી ગયા હોત. ન તો હું એમને મેથીપાક ચખાડી શકી હોત ન તો ત્યાંથી ભાગી શકી હોત. હવે કહે, છોકરીએ પઠ્ઠા જેવું શરીર બનાવવું જોઈએ કે પઠ્ઠા જેવું મન ?’
અને મમ્મી, હર્ષનાં આંસુ સાથે કહે છે, ‘પઠ્ઠા જેવું મન મારી દીકરી, પઠ્ઠા જેવું મન !’ એટલું જ નહીં એ જ્યારે જે મળે તેને એક જ વાત કહેતા ફરે છે કે, ‘દીકરીને મજબૂત બનાવજો. એને એ બધી જ બાબતો શીખવાડજો કે એની રક્ષા જાતે જ કરી શકે. દરેક દીકરી સેલ્ફ ડિફેન્સ કરે એ જરૂરી છે.’
માર્શલ આર્ટ અને કરાટે દ્વારા સેલ્ફ ડિફેન્સ કરનારી આકાંક્ષા પોતે મૂળ છતીસગઢની રાજધાની રાયપુરની રહેવાસી છે. આકાંક્ષાની અદ્ભુત બહાદુરી બદલ એને ૨૬મી જાન્યુઆરી, ૨૦૧૩ના દિવસે વડાપ્રધાન શ્રી મનમોહનસિંહના હસ્તે ભારત સરકાર દ્વારા વીરતા માટેનો ‘બાપુ ગાયધની’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ પુરસ્કાર દેશની એ તમામ મહિલાઓ માટે એક શીખ રૂપ હતા કે નારીએ કોઈથી ડરવાની જરૂર નથી. સેલ્ફ ડિફેન્સ એ આજના સમયની જરૂરિયાત જ નહીં પણ અનિવાર્યતા છે.