પુણા ગામની સીતાનગર સોસાયટીમાં રહેતા ભાવનાબેન હિરપરાએ પોતાની આર્થિક સ્થિતિને પહોંચી વળવા પોતાના ઘરે સાડીનો વ્યવસાય શરૂ કર્યો હતો. ધીરે ધીરે બીજી બહેનો પણ તેમાં જોડાવા લાગી. થોડી મૂડીથી જોબ વર્ક તેમજ સાડી અને ડ્રેસ મટીરીયલ વેચવાની શરૂઆત કરીને ધીમે ધીમે આગળ વધવાથી અન્ય બહેનોને પણ આગળ વધવાની પ્રેરણા મળી. કેટલાકે 100 થી વધુ બહેનોને વ્યવસાય કરવા માટે જરૂરી વસ્તુઓ પૂરી પાડી છે. સૌથી મહત્વની બાબત એ છે કે કેટલીક વિધવાઓને તેમનો માલ રોકાણ કર્યા વિના વેચાણ માટે આપ્યો છે.
ભાવનાબેને જણાવ્યું હતું કે અમદાવાદમાં રહેતા અમારા એક પિતરાઈ ભાઈના બાળકો જ્યારે ખૂબ નાના હતા ત્યારે તેમનું અવસાન થતાં તેમના પત્ની ખુબ મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમને વેપાર કરવા પણ રૂ.3 લાખનો સામાન મોકલીને વેપાર કરવાની પ્રેરણા આપી હતી અને આજે તેમના બાળકો સારી રીતે ભણે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. અમે બહેનોને ખાસ સમજાવીએ છીએ કે જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે સંબંધીઓ અને મિત્રો થોડી મદદ કરે છે, પરંતુ આપણે કાયમ માટે તેમને નડવું જોઈએ નહિ અને પોતાના પગભર થવું જોઈએ.
અમને યોગ્ય સમયે મદદ મળી જેના કારણે આજે અમે સારી રીતે સેટ થઈ શક્યા, જ્યારે અમારો પરિવાર સામાજિક-આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો હતો, ત્યારે અમારો હાથ ભાવનાબેને પકડીને અમને વેપાર કરવા પ્રેરણા, માર્ગદર્શન અને માલ આપતા આજે અમદાવાદમાં અમે વેપાર કરીને સારી રીતે સેટ થઈ શક્યા. આજે મારું ઘર પણ સારી રીતે ચાલે છે અને મારા બાળકો પણ સારી શાળામાં ભણે છે. – ઈન્દુબેન પટેલ, અમદાવાદ
મુશ્કેલીમાં પડેલી વ્યક્તિને બસ હૂંફ-માર્ગદર્શનની જરૂર હોય છે
મુશ્કેલીમાં માત્ર દોરી સંચારની જરૂર છે. અમે પણ ઘણું જોયું છે. જો કોઈ વિધવા બહેન વેપાર શરૂ કરવા માંગતી હોય તો અમે શરૂઆતમાં તેમને તમામ સામગ્રી આપીએ છીએ. અમદાવાદની બે બહેનો ખૂબ જ સારી રીતે વેપારમાં સ્થાપિત થઈ ગયા છે. – ભાવનાબેન હિરપરા, સીતાનગર, પુણા ગામ