ભારત હોય કે કોઈ અન્ય દેશ, રસ્તાઓનો રંગ દરેક જગ્યાએ કાળો છે, પરંતુ આ દુનિયામાં એક એવો દેશ છે જ્યાં રસ્તાઓનો રંગ વાદળી છે. તમે વિચારતા જ હશો કે આજ સુધી આપણે ફક્ત કાળા રંગના રસ્તા જ જોયા છે તો આ દેશ કયો છે જ્યાં રસ્તાઓ વાદળી રંગના છે. અને વિચારવા જેવી વાત એ છે કે આખી દુનિયામાં રસ્તાઓનો રંગ રાખોડી કે કાળો હોઈ છે, તો પછી કતારમાં રસ્તા વાદળી રંગના કેમ બનાવવામાં આવે છે ? આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ પાછળનું કારણ શું છે?
કતાર વિસ્તારમાં પણ પહેલા રસ્તાઓનો રંગ કાળો હતો, પરંતુ વર્ષ 2019 પછી ત્યાંના રસ્તાઓનો રંગ વાદળી થઈ ગયો હતો એટલે પછીથી રસ્તાને રંગ કરવામાં આવ્યો. બધા જાણો છો કે ગ્લોબલ વોર્મિંગના મુદ્દે વિશ્વભરમાં ચર્ચા ચાલી રહી છે. વિશ્વમાં સતત વધી રહેલું તાપમાન દરેક માટે ગંભીર ચિંતાનો વિષય છે, જેના કારણે તમામ દેશો આ સમસ્યાનો સામનો કરવા માટે જરૂરી પગલાં લઈ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે કતાર તેના રસ્તાઓને પણ વાદળી રંગમાં રંગાવી રહ્યું છે જેથી વધતા તાપમાનથી રાહત મળી શકે. એવું માનવામાં આવે છે કે વાદળી રસ્તા તાપમાનને સંતુલિત કરવાનું કામ કરે છે.
બ્લુ રોડ તૈયાર કરવાનું પ્રથમ કામ કતારની રાજધાની દોહા શહેરમાંથી કરવામાં આવ્યું હતું. ત્યાંથી શરૂ કરવા પાછળનું કારણ એ છે કે વાદળી રંગનો રોડ હજુ પ્રાયોગિક તબક્કામાં છે. આ રસ્તાઓ પરથી તાપમાનના તફાવતની માહિતી મેળવવા માટે લગભગ 18 મહિના પહેલા કતારમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. નિષ્ણાંતોના મતે કતારે રસ્તાના કિનારે તાપમાન ઘટાડવા માટે આવી યોજના બનાવવામાં આવી હતી. આ સિવાય ત્યાં સેન્સર પણ લગાવવામાં આવ્યા હતા જેથી તાપમાનના તફાવતમાં ફેરફારની નોંધ લઈ શકાય.
વૈજ્ઞાનિકોના મતે, કાળા અથવા ગ્રે રસ્તાઓનું તાપમાન 20 થી 25 ડિગ્રીથી વધુ હોય છે. એવું માનવામાં આવે છે કે કાળો રંગ સૌથી વધુ કિરણોત્સર્ગને શોષી લે છે, તેથી જ તે વધુ ગરમી છોડે છે. આવી સ્થિતિમાં જો રસ્તાઓ પર ઝાડ-છોડ ના હોય તો તાપમાનમાં વધુ પ્રમાણમાં વધારો થાય છે. આ જ કારણ છે કે કતાર દેશ બ્લુ રોડ દ્વારા તાપમાનને 15 થી 20 ડિગ્રી સુધી ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવું પહેલીવાર નથી બન્યું. કતાર ઉપરાંત લાસ વેગાસ, મક્કા અને ટોક્યો શહેરની શેરીઓ પણ વાદળી રંગમાં રંગવામાં આવી હતી.જો વાદળી રસ્તાઓને કારણે તાપમાનમાં ફેરફાર થાય છે, તો બાકીના દેશોએ પણ તેનું પાલન કરવું જોઈએ. આ વધતા તાપમાનને સંતુલિત કરવામાં મદદ કરશે.