ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો પથ્થરમાંથી પણ પાણી કાઢવા માટે જાણીતા છે, ત્યારે મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના પ્રયોગશીલ અને પ્રગતિશીલ ખેડૂતે રેતાળ જમીનમાં કાજુની બાગાયતી ખેતી કરીને મબલખ આવક ઊભી કરી છે. રેતાળ જમીન હોવા છતાં ખેડૂતો લીંબુ, દાડમ, સરગવો, ડ્રેગન ફ્રૂટ્સ જેવા નવીનતમ પાક વાવીને આવક રળી રહ્યા છે. ત્યારે હળવદના શિવપુરના 68 વર્ષના ખેડૂતે ગોવાથી કાજુના રોપા મગાવી અઢી વીઘા જમીનમાં સફળતાપૂર્વક કાજુ ઉછેરી વીઘે 35થી 40 હજારની કમાણી શરૂ કરી છે, સાથે જ પોતાની 60 વીઘા જમીનમાં બાગાયતી ખેતી કરીને વર્ષે 30 લાખની મબલખ આવક ઊભી કરી છે.
સૌરાષ્ટ્રની ઊપજાવ જમીન ઉપર ખેડૂતો પરંપરાગત ખેતી કરીને આવક મેળવતા હોય છે, ત્યારે હળવદ તાલુકાના ખેડૂતો કંઈક અલગ અલગ પાકનું વાવેતર કરીને પોતાની આવક વધુ થાય એ માટે પ્રયત્ન કરતા હોય છે. એમાં હળવદ તાલુકાના શિવપુર ગામના 68 વર્ષના અશોકભાઈએ કાજુની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે. અશોકભાઈને ખેતીનો ગજબ શોખ છે.
બીજા ખેડૂતો કરતા હોય તેના કરતાં અલગ જ ખેતી કરવી એવું તેઓ માને છે, આથી જ બાગાયતી ખેતી કરવા માટેનું માર્ગદર્શન તેમને કૃષિ પ્રદર્શન જોયા બાદ મળ્યું હતું. ત્યાર બાદ શિવપુરમાં પોતાના ખેતરમાં બાગાયતી ખેતી કરવાની શરૂઆત કર્યું હતું, જેમાં લીંબુ, કેરી, ચીકુ, જામફળ, દાડમ, સીતાફળનું વાવેતર કરીને સારી આવક મેળવી રહ્યા છે.
બાગાયતી ખેતીમાં અશોકભાઈએ કાજુની ખેતી કરવાનું નક્કી કર્યું હતું, જેના માટે ગોવાથી તેમણે કાજુના રોપ મગાવ્યા હતા. બાગમાં પોતાના ખેતરમાં અઢી વીઘામાં કાજુનું વાવેતર કર્યું હતું. આજે કાજુના વૃક્ષમાં લુમેઝુમે કાજુ આવતાં એક વીઘે 35000થી 40000 રૂપિયા જેટલી આવક મેળવી રહ્યા છે. પાંચ વર્ષ પહેલાં તેઓ કાજુના રોપા ગોવાથી લાવ્યા હતા. એ વખતે એક રોપાની કિંમત 80 રૂપિયા હતી. આજે બજારમાં કાજુનો ભાવ રૂ.500થી લઈ રૂ. 800 રૂપિયા મળી રહ્યા છે. ત્યારે બીજા ખેડૂતો પણ બાગાયતી ખેતી તરફ વળે તો જ ડબલ આવક મેળવી શકે એમ હોવાનું અશોકભાઈ ઉમેરે છે.
આજકાલ કાજુનો રોપ રૂ. 40થી રૂ. 100માં મળતો થયો છે. કાજુના છોડ પર ત્રણથી ચાર વર્ષે ફળ લાગવાનું શરૂ થાય છે. દર વર્ષે પાકમાં હવામાન અને વરસાદ મુજબ વધઘટ થાય છે. એક વીઘે રૂ. 35થી 40 હજારની આવક થાય છે. નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ફળ બેસવાનું શરૂ થાય છે અને મે-જૂન મહિનામાં ફળો પાકી જાય છે. કાજુનો પાક તૈયાર થાય એટલે અમદાવાદના વેપારીઓ બગીચા પરથી જ કાજુ લઈ જતા હોય છે.
અશોકભાઈએ જણાવ્યું હતું કે મારે 60 વીઘાનો બગીચો છે. બાકીના 24 વીઘાના ખેતરમાં મગફળી, કપાસ અને તલનું વાવેતર કર્યું છે, જ્યારે 60 વીઘાના બગીચામાં મેં 2.5 વીઘામાં કાજુ, 10 વીઘામાં લીંબુડી, 7 વીઘામાં જામફળ, 3 વીઘામાં ચીકુ અને 40 વીઘામાં આંબાનું વાવેતર કરી આ વર્ષે રૂ. 30 લાખની આવક રળી છે. જમીન એકદમ કાળી અને નીચે ભૂરો પથ્થર હોવાની સાથે રેતાળ જમીન છે. અહીં ખાટી વસ્તુઓ, જેમ કે લીંબુડી અને બોર વ્યાપક પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.
અહીં અગાઉ 300થી 350 ફૂટે બોરમાંથી પાણી મળતું હતું, જે હવે 500 ફૂટની ઊંડાઇએ મળે છે. જ્યારે કાજુની ખેતીમાં મેઇન્ટેનન્સ ખૂબ જ ઓછું આવે છે. હું વર્ષોથી ઓર્ગેનિક ખેતી જ કરું છું. આ બાગાયત ખેતીમાં મને મારા 36 વર્ષના પુત્ર પ્રશાંતનો પણ સારો સાથસહકાર મળે છે. સફળ ખેતી જોઈને અન્ય યુવા ખેડૂતો માર્ગદર્શન લેવા પણ આવે છે.
કાજુની ખેતી વિશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કાજુને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે, પરંતુ 45 સેલ્સિયસથી વધુ તાપમાન કાજુને નુકસાન કરે છે. તેમજ ઢોળાવવાળી જમીન હોય કે જ્યાં પાણીનો ભરાવો ના થાય એ પ્રકારની જમીન વધુ માફક આવે છે. મેદાની પ્રદેશમાં આ પાક વધુ સફળ નથી થતો. એટલા માટે કર્ણાટક અને ગોવામાં કાજુની ખેતી વધુ પ્રમાણમાં થાય છે, જ્યારે સૌરાષ્ટ્રમાં આ પાકમાં થોડી મુશ્કેલી પડે છે.